ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જાતકકથા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


જાતકકથા : જાતકકથા ગૌતમ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંબંધિત કથાઓનો સંગ્રહ છે. ‘જાતક’ શબ્દનો અર્થ છે જન્મસંબંધી. બુદ્ધત્વ પ્રાપ્ત થયું તે પહેલાંની અવસ્થામાં ગૌતમ બુદ્ધ બોધિસત્ત્વ કહેવાતા હતા. ‘બોધિસત્ત્વ’નો અર્થ છે ‘બોધિ માટે ઉદ્યોગશીલ પ્રાણી.’ તેનું સ્પષ્ટ તાત્પર્ય જ્ઞાન, સત્ય, દયા વગેરેનો અભ્યાસ કરનાર સાધક સાથે છે, જેનું ભવિષ્યમાં બુદ્ધ હોવું નિશ્ચિત છે. ગૌતમ બુદ્ધ ન કેવળ પોતાના અંતિમ જન્મમાં બુદ્ધત્વપ્રાપ્તિ પૂર્વે જ બોધિસત્ત્વ રહ્યા હતા, પરંતુ અનેક પૂર્વ જન્મોમાં પણ એમણે બોધિસત્ત્વની ચર્યાનું પાલન કર્યું હતું. જાતકકથાઓ ગૌતમ બુદ્ધના આ વિભિન્ન પૂર્વજન્મો સાથે સંબંધિત છે. કેટલીક કથાઓમાં તે કથાનાયક છે, ક્યારેક ગૌણ પાત્ર રૂપે રજૂ થાય છે, તો કેટલીક કથાઓમાં તે ઘટનાઓના દર્શક બની રહે છે. પાલિ ભાષામાં રચાયેલી આ જાતકકથાઓનાં કર્તૃત્વ, રચનાસમય અને સંખ્યાની બાબતમાં અનેક મતભેદો પ્રવર્તે છે. મૂળ જાતકકથાઓ ગાથાબદ્ધ છે અને તેના રચયિતા ગૌતમ બુદ્ધ છે. પરંતુ તેમના નિર્વાણ બાદ તેમના શિષ્યો અને અનુયાયીઓ દ્વારા તેમાં અનેક પ્રક્ષેપ થયા હોવાની સંભાવના છે. અત્યારે પ્રચલિત પરંપરા અનુસાર ૫૫૦ જાતકો મળે છે. અને તે મુખ્યત્વે ગદ્ય-પદ્યમિશ્રિત રચનાઓ છે. જાતકકથાઓનું વર્ગીકરણ વિષયવસ્તુ પર આધારિત ન હોતાં ગાથાઓની સંખ્યા પર આધારિત છે, તેથી એ સ્પષ્ટ થાય છે કે જેને ‘ગાથા-જાતક’ કહેવામાં આવે છે તેજ તેનો મૂળ આધાર છે. તે ‘નિપાતો’માં વિભક્ત છે, તેના ૨૨ નિપાતો છે. જાતકકથાઓના અભ્યાસને આધારે એ સ્પષ્ટ થાય છે કે તેનું સ્વરૂપ જનસાહિત્યનું છે. તેમાં મનુષ્યોની સાથે સાથે પશુ-પક્ષીઓની પણ કથાઓ છે. જો કે રાજકથા, ચોરકથા, યુદ્ધકથા, ગ્રામ-નિગમ-જનપદકથા, સ્ત્રી-પનઘટ કે ભૂત-પ્રેતાદિ કથાઓને ‘અધમ કક્ષા’ની કહીને ભિક્ષુસંઘમાં તેનો તિરસ્કાર કરવામાં આવતો હતો. પરંતુ ધર્મબોધ માટે ભિક્ષુઓ અને સ્વયં ગૌતમ બુદ્ધે પણ આ કથાઓનો ઉપયોગ કર્યો હતો. પૂર્વપરંપરાથી ચાલી આવતી જનશ્રુતિઓનો આધાર તેમાં હોઈ શકે છે, પરંતુ તેનો સંપૂર્ણ ઢાંચો બૌદ્ધ ધર્મના નૈતિક આદર્શને અનુરૂપ છે. નિ.વો.