ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જામે જમશેધ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જામે જમશેદ : ‘મુંબઈ સમાચાર’ પછી સો વર્ષનું આયુષ્ય વટાવીને ટકી રહેલું ગુજરાતી વર્તમાનપત્ર. ૧૨-૩-૧૮૩૨ના રોજ સર જમશેદજી જીજીભાઈએ ‘મુંબઈ સમાચાર’ તથા ‘મુંબઈ ચાબુક’ની પારસી પંચાયત વિરોધી ટીકાઓનો જવાબ આપવા એનો પ્રારંભ કરેલો. પેસ્તનજી માણેકજી મોતીવાળા એના પ્રથમ તંત્રી હતા. પ્રારંભમાં દર સોમવારે પ્રસિદ્ધ થતું. ૧૮૩૮માં અર્ધસાપ્તાહિક બન્યું અને ૧૮૫૩માં દૈનિક બન્યું. પારસી સમાજના ઘણા સળગતા પ્રશ્ન અંગે એણે લોકમત કેળવ્યો. જરતોસ્તી ધર્મના રક્ષણ માટેની એની કામગીરી નોંધપાત્ર હતી. ૧૮૮૩માં એની માલિકી બદલાઈ અને કાવસજી મેરવાનજી શરાફના હાથમાં એ આવ્યું. એની ભાષા પારસી ઢબની ગુજરાતી રહેતી. એમાં અંગ્રેજી વિભાગો પણ છપાતા. ૧૯૯૨થી તે ફરીથી સાપ્તાહિક બન્યું છે. યા.દ.