ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ધ ટ્રાયલ
(ધ) ટ્રાયલ (૧૯૨૫) : જર્મન નવલકથાકાર ફ્રાન્ઝ કાફકાની વિશ્વ પ્રસિદ્ધ સાહિત્યકૃતિ. આ નવલકથા નાયક જોસેફ કે.ની આસપાસ રચાયેલી છે. જેને પોતાને ખબર નથી એવા અપરાધના સંદર્ભમાં બે શખ્સોએ એને પકડ્યો છે. એક મોટા ગોદામ જેવા મકાનમાં એના પર મુકદમો ચાલે છે પણ ચુકાદા માટે પાછો ફરે છે ત્યારે કોર્ટ ખાલી હોય છે. જોસેફ કે. વકીલ રોકે છે પણ વકીલને પોતાના કરતાં પણ ઓછી જાણકારી છે. આ પછી એ કોઈ ચિત્રકારની સહાય લે છે પણ એ સંદિગ્ધ ભાષામાં વાત કરે છે. જોસેફ કે. પાદરીને પણ મળે છે પણ એને પોતાના અપરાધની કોઈ ખબર પડતી નથી. છેવટે બે શખ્સ આવીને જોસેફ કે.ને પકડી ઘસડીને એનું ઠંડે કલેજે ખૂન કરે છે. નિ :સહાયતા અને અપરાધવૃત્તિના વૈશ્વિક અર્થને પ્રતીકાત્મક રીતે રજૂ કરતી આ નવલકથા જીવનની અસંગતિને તદન અ-વાસ્તવિક સીમાડાથી ઝાલીને પ્રત્યક્ષ કરે છે.
ચં.ટો.