ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નાયક

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


નાયક (Hero) : સર્વ પ્રથમ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’માં નાટકના કથાવસ્તુના આધાર પરથી નાયકનું વર્ગીકરણ મળે છે. નાટ્યશાસ્ત્ર નાયકને પ્રધાનપાત્ર ગણે છે; અને કથાનકના મુખ્ય ઉદ્દેશ્ય કે ફલાગમ પરત્વે એની ગતિ હોય છે. બીજી રીતે કહીએ તો નાયક કે નેતા કથાનો મુખ્ય આધાર છે. કથાની ગતિશીલતા નાયકનાં ચરિત્ર અને વ્યવહારોની ગતિશીલતા પર અવલંબે છે. નાયકના વર્ગીકરણના જુદા જુદા આધારો લેવામાં આવ્યા છે. સામાજિક આધાર પર નાયકના ત્રણ ભેદ કર્યા છે : સ્વકીયામાં અનુરક્ત પતિ; પરકીયામાં અનુરક્ત ઉપપતિ અને વેશ્યામાં અનુરક્ત વૈશિક. કામપ્રવૃત્તિના આધાર પર નાયકના ચાર ભેદ છે : સ્વકીયામાં અનુરક્ત અનુકૂલ; બધી નાયિકાઓ પ્રતિ સમાન પ્રેમ પ્રદર્શિત કરનાર દક્ષિણ; અપરાધી હોવા છતાં નાયિકાને છેતરનારા શઠ અને કપટી તેમજ નિર્લજ્જ એવો ધૃષ્ટ. પરંતુ શીલની રીતે કરાયેલા નાયકભેદ મહત્ત્વના છે : ગંભીર, ક્ષમાશીલ નિરભિમાની નાયકને ધીરોદાત્ત તરીકે ઓળખાવ્યો છે, જેના ઉદાહરણ રૂપે ‘ઉત્તરરામચરિત’ના રામ કે ‘નાગાનંદ’ના જીમૂતવાહનની ગણના કરી શકાય; ઘમંડી ઈર્ષ્યાળુ, કપટી, ચંચળ એવા નાયકને ધીરોદ્ધત તરીકે ઓળખાવ્યો છે, જેના ઉદાહરણ રૂપે ભીમ કે રાવણને લઈ શકાય; કોમલ સ્વભાવયુક્ત, કલાસક્ત નાયક ધીર લલિત કહેવાય છે, જેના ઉદાહરણ રૂપે ‘રત્નાવલી’ના નાયક ઉદયનને જોઈ શકાય; ગૌરવશાળી ગુણગરિમાયુક્ત નાયક ધીરપ્રશાન્ત છે, ‘માલતી માધવ’નો માધવ કે ‘મૃચ્છકટિક’નો ચારુદત્ત એના દૃષ્ટાંત રૂપ છે. ઉપરાંત, પ્રકૃતિ અનુસાર નાયકના ઉત્તમ, મધ્યમ અને અધમ એવા ભેદ પણ કરાયા છે. વળી, દિવ્ય (દેવતા), અદિવ્ય (મનુષ્ય), દિવ્યાદિવ્ય (અવતાર) એવા નાયકભેદ પણ ઊભા કરવામાં આવ્યા છે. શોભા, વિલાસ, માધુર્ય, ગાંભીર્ય, દીપ્તિ, લાલિત્ય ઔદાર્ય અને ધૈર્ય નાયકના આ આઠ સાત્ત્વિક ગુણો છે. નાયકના પ્રધાનપાત્રથી થોડું ન્યૂન હોવા છતાં કથાનકમાં મહત્ત્વનો અનુનાયક પણ છે. અનુનાયક નાયકનાં કાર્યોમાં સહાય કરતો હોય છે, જેમકે રામકથામાં સુગ્રીવ અને વિભીષણનાં પાત્રો. નાયકની યોજનાઓનો પ્રતિરોધ કરનાર પ્રતિનાયક છે. નાયકના આ પ્રતિપક્ષી પાત્રનાં ઉદાહરણ રૂપે રાવણ અને દુર્યોધનને ગણી શકાય. પાશ્ચાત્ય પ્રશિષ્ટ પુરાકથાઓમાં પણ નાયક દૈવી શક્તિવાળો અને શુભદૃષ્ટિવાળો આલેખાયો છે. એની અસાધારણ ગુણશક્તિઓ એને દેવ કે અર્ધદેવ તરીકે સ્થાપે છે. સાહસ, શૌર્ય અને ધ્યેયની ઉદાત્તતા એની સાથે સંકળાયેલાં રહે છે. મૃત્યુની નિશ્ચિતતાથી શાસિત પ્રતિકૂળ સંસારમાં દેવતાસમાન ગણાયેલો નાયક માનવમર્યાદાઓને ઓળંગી જવાની શક્યતા ધરાવે છે. તત્કાલીન સમાજની સંસ્કૃતિઓનાં મૂલ્યોનાં મૂર્તસ્વરૂપ તરીકે કે તત્કાલીન સમાજના સંરક્ષક તરીકે પણ તેને સ્વીકારવામાં આવે છે. અલબત્ત, કરુણાન્ત નાટકોમાં નાયકનો ચરિત્રદોષ દાખવવામાં આવે છે પણ અંતે તો સંઘર્ષ દ્વારા નાયકનું માહાત્મ્ય ઊભું કરવામાં આવે છે. છતાં હકીકત એ છે કે સાહિત્યના ઇતિહાસમાં નાયકની સંકલ્પના વખતોવખત બદલાતી રહી છે. પ્રાચીન સમયનો વીરનાયક સમાજ અને સંસ્કૃતિના સંરક્ષક તરીકે સ્વાર્પણ કરે છે તો રોમેન્ટિક નાયક અંતિમ સત્ય માટે સમાજનાં લગભગ બધાં જ બંધનોને તોડી નાખે છે. યથાર્થવાદી/આદર્શવાદી જેવા ભેદ કે સ્થિરનાયક/ગતિશીલ નાયક જેવા ભેદ પણ કરાયા છે. ઓગણીસમી કે વીસમી સદી સુધી પહોંચતાં તો વિનાયક (Antihero) હયાતીમાં આવે છે, જે કોઈપણ રીતે પારંપરિક નાયકલક્ષણોને સંતોષતો નથી. ચં.ટો.