ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિઘંટુ
નિઘંટુ : નિઘંટુ વૈદિક શબ્દોનો કોશ છે. શબ્દો પરનું આ વિવરણ તે, યાસ્કમુનિનાં વેદનાં અંગોમાંનું એક નિરુક્ત છે. નિઘંટુમાં ત્રણ કાંડ અને પાંચ અધ્યાય છે. પહેલા ત્રણ અધ્યાયોનો એક કાંડ નૈઘંટુક, જેમાં સમાનાર્થક – શબ્દસંગ્રહ છે. પછીનો એક અધ્યાય તે નૈગમકાંડ, જે અનેકાર્થક શબ્દોનો સંગ્રહ છે, અને પછીનો છેલ્લો પાંચમો અધ્યાય તે દૈવતકાંડ છે, જેમાં દેવતાઓ વિષય છે. ત્રણે કાંડ મળીને નિઘંટુમાં કુલ ૧૭૬૮ શબ્દોનો સંગ્રહ છે. પણ આજના અર્થમાં ‘શબ્દકોશ’ શબ્દપ્રયોગ કદાચ પહેલા કાંડને જ લાગુ પાડી શકાય તેમ છે. બાકીના બે કાંડમાં શબ્દોના એવા કોઈ અર્થ આપવામાં આવ્યા નથી. વિ.પં.