ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પયાર
પયાર : કવિતાને મળતો બંગાળીમાં વપરાતો બે પંક્તિનો છંદ. પ્રત્યેક પંક્તિમાં ત્રણ ચતુરક્ષર સંધિ ઉપરાંત બે અક્ષરના ચોથા સંધિ દ્વારા કુલ ૧૪ અક્ષર હોય છે; અને ૮મે અક્ષરે યતિ હોય છે. આ પારંપરિક પયાર; ‘મેઘનાદવધ’ નામક પોતાના મહાકાવ્ય માટે એકવિધ ન બને એ માટે મધુસૂદન દત્તે એના પ્રાસ અને દૃઢ યતિને ફગાવી દઈ એને પ્રાસહીન સળંગ બ્લેન્કવર્સ જેવો બનાવેલો. આ પછી રવીન્દ્રનાથ ટાગોરે પ્રવાહી પયારનો પોતાનાં નાટકોમાં ઉપયોગ કર્યો અને ૧૮ અક્ષરના લાંબા પયાર ઉપરાંત કાવ્યભાવની મુક્ત ગતિ માટે છેવટે સ્વરૂપહીન મુક્તક પયાર રચ્યો. એની પ્રસિદ્ધ રચના ‘બલાકા’ મુક્તક પયારમાં છે.
ચં.ટો.