ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિભા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.



પ્રતિભા : કાવ્યસર્જનની જન્મજાત શક્તિને પ્રતિભા કહેવામાં આવે છે. અભિનવગુપ્તે ‘અપૂર્વવસ્તુનિર્માણક્ષમા પ્રજ્ઞા’ને પ્રતિભા કહી છે. મમ્મટ પ્રતિભાને શક્તિ પણ કહે છે, જે કવિત્વના બીજ રૂપ સંસ્કારવિશેષ છે. પ્રતિભા વગર કાવ્ય સર્જાતું નથી અને સર્જાય તો ઉપહાસાસ્પદ બને. પ્રતિભા જ કાવ્યનું મુખ્ય કારણ છે. વ્યુત્પત્તિ તેનું ભૂષણ છે. વાગ્ભટે કાવ્યકરણનું કારણ પ્રતિભાને ગણાવી છે. વ્યુત્પત્તિ અને અભ્યાસ એ તો સંસ્કારક છે. હેમચન્દ્ર પ્રતિભાને કાવ્યનું પ્રધાનકારણ માને છે. પંડિત જગન્નાથ પણ ‘પ્રતિભૈવ કેવલાકારણમ્’ કહે છે અને પ્રતિભાની તેમની વ્યાખ્યા છે ‘સા ચ કાવ્યઘટનાનુકૂલશબ્દાર્થોપસ્થિતિ :’ આ વ્યાખ્યા, જોઈ શકાશે કે, કાવ્યની જગન્નાથની વ્યાખ્યા ‘રમણીયાર્થપ્રતિપ્રાદક : શબ્દ : કાવ્યમ્’ સાથે સુસંવાદિતા ધરાવનારી છે. જગન્નાથના મત પ્રમાણે દેવતા, મહાપુરુષ વગેરેના અનુગ્રહથી પ્રતિભા પ્રાપ્ત થાય છે. જગન્નાથના મત પ્રમાણે કાવ્યમાં જે વિવિધતા અને વિલક્ષણતા આવે છે તે પ્રતિભામાં રહેલી વિવિધતાને કારણે છે. અભિનવગુપ્તે પ્રતિભાને શિવની શક્તિરૂપ કહી છે. મહિમભટ્ટ કવિપ્રતિભાને શિવના ત્રીજા નેત્ર સાથે સરખાવે છે જે ત્રણે લોકના પદાર્થોનો સાક્ષાત્કાર કરે છે. ભટ્ટ તૌત પ્રતિભાને બુદ્ધિ અને મતિથી ચઢિયાતી ગણે છે. બુદ્ધિ તાત્કાલિકી હોય છે, મતિ આગામીને ગોચર કરનારી છે જ્યારે પ્રજ્ઞા,‘નવનવોન્મેષશાલિની પ્રતિભા’ છે. રુદ્રટ પ્રતિભાના સહજા અને ઉત્પાદ્યા એમ બે પ્રકાર માને છે. સહજ પ્રતિભા જન્મજાત હોય છે જે કાવ્યનું મૂલતત્ત્વ છે. ઉત્પાદ્ય પ્રતિભા સંસ્કારકારક હોય છે. ભામહ પ્રતિભાને કાવ્યનો અનિવાર્ય હેતુ માને છે. પ્રતિભાશાળી જ કાવ્ય ઉત્પન્ન કરી શકે. દંડી નૈસર્ગિક પ્રતિભાની વાત કરે છે. રાજશેખર અપ્રત્યક્ષને પ્રત્યક્ષ કરાવનાર પ્રજ્ઞાને પ્રતિભા કહે છે. પ્રતિભાશાળી કવિ ન જોતો હોય તેવા પદાર્થોને પ્રત્યક્ષની જેમ જુએ છે. દૃષ્ટાન્ત આપતાં રાજશેખર કહે છે કે મેધાવિરુદ્ર, કુમારદાસ જેવા જન્માન્ધ કવિઓ આ પ્રતિભાના બળે જ જગતને પ્રત્યક્ષ કરી શક્યા હતા. રાજશેખર પ્રતિભા અને શક્તિને ભિન્ન ગણે છે, શક્તિ કારણ છે અને પ્રતિભા તેનું પરિણામ છે. આ પ્રતિભાના કારણે કવિના હૃદયમાં શબ્દસમૂહ, અર્થસંભાર, અલંકારપ્રપંચ, ઉક્તિ, રીતિ ઇત્યાદિ પ્રતિભાસિત થાય છે. પ્રતિભાનું કારણ શક્તિ સમાધિ-એકાગ્રતા અને અભ્યાસથી આવે છે. સમાધિ આંતરિક અને અભ્યાસ બાહ્ય પ્રયત્ન છે. રાજશેખર પ્રતિભાના કારયિત્રી અને ભાવયિત્રી એમ બે પ્રકારો પાડે છે. કારયિત્રી પ્રતિભા કવિની સર્જનપ્રતિભા છે. કારયિત્રી પ્રતિભાના રાજશેખર વળી ત્રણ પ્રકારો ગણાવે છે. ૧, પૂર્વજન્મોના સંસ્કારથી પ્રાપ્ત સહજા પ્રતિભા; આ પ્રતિભાવાળો કવિ સારસ્વત કવિ કહેવાય છે. ૨, આહાર્ય પ્રતિભા આ જન્મના સંસ્કારથી ઉત્પન્ન થાય છે. આ પ્રતિભાથી યુક્ત કવિ આભ્યાસિક કવિ કહેવાય છે. ૩, ઔપદેશિકી પ્રતિભા મંત્રતંત્રના ઉપદેશથી પ્રાપ્ત થાય છે. કેટલાક આચાર્યો માનતા કે, પહેલી બે પ્રતિભા ધરાવનાર કવિને ત્રીજી પ્રતિભાની જરૂર નથી અને એ માટે મંત્રતંત્રનું સેવન કરવાની જરૂર નથી. રાજશેખરના મત પ્રમાણે મંત્રતંત્રના સેવનથી પહેલી બે પ્રકારની પ્રતિભા વિશેષ પુષ્ટ થઈ શકે. બીજી ભાવયિત્રી પ્રતિભા ભાવનકર્મની દ્યોતક છે. કૃતિનું ભાવન કરી, કવિના શ્રમનું, સર્જનકર્મનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા ભાવયિત્રી પ્રતિભા ધરાવે છે. ભાવયિત્રી પ્રતિભા ધરાવનાર ભાવક રાજશેખર પ્રમાણે ચાર પ્રકારનો હોય છે. ૧, અરોચકી : જેને કશું જ સામાન્ય ગમે નહીં ૨, સતૃણાભ્યવહારી : તણખલા જેવી ક્ષુદ્ર રચના પણ જેને ગમે ૩, મત્સરી : જે કવિતાના મૂલ્યાંકનમાં પોતાના રાગદ્વેષોને કામે લગાડતો હોય ૪, તત્ત્વાભિનિવેશી : જે તાત્ત્વિકતાનો આગ્રહી હોય. વિ.પં.