ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભગવદગીતા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભગવદ્ગીતા : મહાભારતના ભીષ્મપર્વના ભાગરૂપ ૧૮ અધ્યાય અને ૭૦૦ શ્લોકવાળા આ લઘુ ગ્રન્થમાં સમગ્ર વિશ્વને જે સંદેશ આપવામાં આવ્યો છે તે ઉત્તમ છે. જગતના દાર્શનિક તથા ધાર્મિક સાહિત્યમાં તેનું મહત્ત્વનું સ્થાન છે, શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચેનો અહીં સંવાદ છે. મહાભારતના યુદ્ધના સંદર્ભમાં અર્જુનના આકુલ વૈરાગ્ય અને તીવ્ર વિષાદને નિમિત્તે શ્રીકૃષ્ણે આપેલો ઉપદેશ અહીં રજૂ થયો છે. ગીતાએ યુદ્ધની વાત ટાળી નથી, ટાળી શકાય એમ પણ નથી, પરંતુ તે અનિવાર્ય અને કર્તવ્યરૂપ બનેલા સંગ્રામને અખંડ જીવનની ભૂમિકા ઉપર મૂકી છે. ગીતા એ માત્ર ‘તત્ત્વજ્ઞાન’ નથી. એમાં નીતિ પણ છે. તે બ્રહ્મવિદ્યા પણ છે અને યોગશાસ્ત્ર પણ છે. તેની પુષ્પિકા આ હકીકતને અનુમોદન આપે છે. દૈવાસુર સંપદના વર્ણન દ્વારા મનુષ્યને દૈવી ગુણોની અભીપ્સા કરવાનું સૂચવી ગીતાએ બીજા અધ્યાયમાં સ્થિપ્રજ્ઞનાં, બારમા અધ્યાયમાં ‘ભક્તનાં’ અને ચૌદમા અધ્યાયમાં ‘ગુણાતીત’નાં લક્ષણો આપી અનુક્રમે બુદ્ધિપ્રધાન, ભાવના (લાગણી) પ્રધાન અને કર્મપ્રધાન મનુષ્યને માટે એક આદર્શ પુરુષનું ચિત્ર રજૂ કર્યું છે. ગીતાની વિશેષતા એ છે કે તે કોઈ એક જ દેશ, સમાજ કે પ્રશ્નના વિચાર કે જીવનના આદર્શનું પ્રતિનિધિત્વ કરતો ગ્રન્થ નથી. એની બીજી વિશેષતા એની મહાન ઉદારતા છે. તેના સમગ્ર ઉપદેશમાં ક્યાંય કોઈપણ ધર્મ, સંપ્રદાય, જાતિ કે સાધનાપ્રણાલિ સામે તિરસ્કારની ભાવના કે હીનવૃત્તિ જોવા મળતી નથી. વિવિધ ભાષ્યકારોનું ગીતા પ્રત્યેનું વલણ એનું ઉદાહરણ છે. ગીતાના તત્ત્વજ્ઞાનની ભાષા કઠિન નથી. સરળ ભાષા, રોચક શૈલી અને ઉત્તમ વિચાર એ તેની વિશિષ્ટતા છે. વિશ્વરૂપદર્શન જેવા કેટલાંક ઉત્તમ. કાવ્યત્વના અંશો ગીતાને સ્થાયી સાહિત્યમૂલ્ય અર્પે છે. ચી.રા.