ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભટ્ટીકાવ્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભટ્ટીકાવ્ય : ‘ભટ્ટીકાવ્ય’ કે ‘રાવણવધ’ વલ્લભી રાજ્યના રાજા શ્રીધરસેનના આશ્રિત વૈયાકરણ ભટ્ટીનું સાતમી સદીના પ્રારંભનું ૨૨ સર્ગો અને ૧૬૨૫ શ્લોકોનું મહાકાવ્ય. વ્યાકરણને સુગમ બનાવવા શાસ્ત્રકાવ્યનો એમાં નવો અભિગમ છે. બીજી રીતે કહીએ તો અહીં કાવ્ય દ્વારા વ્યાકરણ અને અલંકારની ભેગી શિક્ષા છે. વ્યાકરણના દુર્ગમ પહાડોમાં નિયમોના ખડકો નીચે વહેતાં પાતાળઝરણાં જેવું એમાં કાવ્યત્વ છે. રામજન્મથી માંડીને સીતા-પરિશુદ્ધિ બાદ રામના અયોધ્યા આગમન સુધીની ઘટનાઓનો એમાં સમાવેશ છે. વિષય-ગાંભીર્યયુક્ત અર્થસભર ક્લિષ્ટ આ કાવ્યકૃતિ, દુરારાધ્ય વાક્યવિન્યાસ, વ્યાકરણના નિયમોનાં ઉદાહરણો, શબ્દાલંકાર અને અર્થાલંકારથી ભરેલા શ્લોકો, રમણીય પ્રકૃતિસૌન્દર્ય, પાત્રોની ઉચ્ચપ્રકારની વક્તૃત્વકલા, ભાઈના મૃત્યુને લીધે રાવણના વિલાપનો વિશિષ્ટ પ્રસંગ, છંદ-કૌશલ્ય વગેરેથી વિશિષ્ટ છે. ૧થી ૫ સર્ગોનો પ્રકીર્ણકાંડ, ૬થી ૯ સર્ગોનો અધિકારકાંડ,૧૦થી ૧૩ સર્ગોનો પ્રસન્નકાંડ, ૧૪થી ૨૨ સર્ગોનો તિડ્ન્તકાંડ – એવી વ્યાકરણ સમજવાની આંતરિક વ્યવસ્થા વ્યાકરણાચાર્ય કવિની પ્રબળ અભિવ્યક્તિ દર્શાવે છે. આમ છતાં અતિપ્રચલિત કથાવસ્તુમાં નાવીન્યના અભાવને કારણે આયાસપ્રદ અલંકારોના પરિશ્રમને કારણે, સંસ્કૃત ટીકાઓ વગર કાવ્યનું હાર્દ ન સમજી શકાય એટલી જટિલતાઓને કારણે, આધુનિકરુચિને પ્રતિકૂળ વાક્યવિન્યાસોને કારણે, વ્યાકરણની શુષ્કતાઓને કારણે તેઓ મહાકાવ્યનું પૂરેપૂરું સ્થાયીત્વ આપી શક્યા નથી. હ.મા.