ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભવિસ્સયત્તકહા

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ભવિસ્સયત્તકહા (ભવિષ્યદત્તકથા) : નાણપંચમીકહાઓ (જ્ઞાનપંચમીકથા) નામના ગ્રન્થમાં જ્ઞાનપંચમી–વ્રતનું મહત્ત્વ દર્શાવવા ભવિષ્યદત્તની કથા આપવામાં આવી છે, તેના રચયિતા મહેશ્વરસૂરિ છે. અપરમાતાની કુટિલ નીતિને કારણે ભવિષ્યદત્તને અનેક સંઘર્ષોનો સામનો કરવો પડે છે, પણ જ્ઞાનપંચમીવ્રતના પ્રભાવને કારણે સંઘર્ષો પર વિજય મેળવીને તે અનેક પ્રકારની સમૃદ્ધિ અને સુખ-વૈભવ પ્રાપ્ત કરે છે. ભવિષ્યદત્તની આ કથાને આધારે ધનપાલે અપભ્રંશમાં ૨૨ સંધિમાં વહેંચાયેલું, ૨૦૦૦ ગાથા પ્રમાણનું ભવિસ્સયત્તકહા અથવા સૂયપંચમીકહા નામનું કાવ્ય રચ્યું હતું. કવિ મેઘવિજયે તેને અનુસરીને શ્રુતપંચમીમાહાત્મ્ય વિશે ૨૧ અધિકારોમાં વિભક્ત ૨૦૪૨ પદ્યોમાં ભવિષ્યદત્તચરિતની રચના કરી હતી. કવિ ધનપાલના અપભ્રંશ કાવ્યનું આ સંસ્કૃત રૂપાન્તર હોવાની સંભાવના પણ દર્શાવવામાં આવી છે. પંદરમી સદીમાં શ્રીધર નામના દિગંબર જૈન મુનિએ સંસ્કૃતમાં ભવિષ્યદત્તચરિત્રની રચના કરી છે. સત્તરમી સદીમાં ઉપાધ્યાય પદ્મસુંદરે ભવિષ્દત્તચરિત નામનું કાવ્ય રચ્યું છે. આ વિષયમાં બીજી પણ અનેક રચનાઓ મળે છે. નિ.વો.