ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનવમૂલ્યો અને સાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


માનવમૂલ્યો અને સાહિત્ય : ગુજરાતી ભાષામાં ‘મૂલ્ય’ શબ્દના વિશિષ્ટ સાંકેતિક અર્થનું અવતરણ થયું તે અંગ્રેજી ‘વૅલ્યુ’ શબ્દના સાંકેતિક અર્થના પ્રભાવથી. ‘વૅલ્યુ’ શબ્દના સામાન્ય ગુજરાતી પર્યાયનો અર્થ વિસ્તરતાં મૂલ્ય અથવા જીવનમૂલ્ય એટલે જીવનવિકાસને ઉપકારક એવો સમાજમાન્ય વિચાર અથવા ભાવ અથવા માન્યતા. એ તો સ્પષ્ટ છે કે જીવન કેવળ વ્યવહારોનું જાળું નથી, પણ વ્યવહારની પાછળનો વિચાર અથવા ભાવ અથવા માન્યતા પણ છે. એ વ્યવહારનું યત્કિંચિત્ નિયમન પણ કરે છે, અથવા વ્યવહાર માટેની સમાજમાન્ય વૈચારિક ભૂમિકાનો નિર્દેશ કરે છે. મનુષ્યો પરસ્પર વ્યવહાર કરે છે, કરી શકે છે. તેથી તો સમાજ શબ્દનો અર્થ જળવાય છે. હવે વ્યવહાર પાછળ પરસ્પરને સ્વીકાર્ય એવી જીવનલક્ષી સમજણ રહેલી હોય છે, જે સંબંધોને શક્ય બનાવે છે. લાંબા સમયના અનુભવને અંતે આવી સર્વસ્વીકાર્ય સમજણ સ્પષ્ટ થતી હોય છે અને અબોલ રીતે આચરાતી હોય છે. મનુષ્ય એ વિચારશીલ પ્રાણી છે કેમ કે એ વેદનશીલ પ્રાણી છે. પ્રત્યેક અનુભવને ધક્કે ધક્કે એને કશુંક અને કશુંક સંવેદન થતું હોય છે, કશોક ને કશોક પ્રતિભાવ જાગતો હોય છે. લાંબા મહાવરાથી કોઠે પડી ગયેલા અનુભવની માણસ સભાનપણે નોંધ ન લે તેથી તેની અનુપસ્થિતિ ઘટાવી લેવાની જરૂર નથી. વળી પ્રત્યેક વ્યક્તિની સંવેદનની માત્રા એકસરખી હોતી નથી. એટલે જેની સંવેદના અધિક તીવ્ર હોય તેનો અન્યની વેદનશીલતા ઉપર પ્રભાવ પડે છે. આ રીતે સમાજમાં મૂલ્યોનું સ્થાપન થતું હોય છે. સાહિત્યકાર કે કલાકાર વ્યક્તિની વિશેષતા એ હોય છે કે એની સંવેદના તીવ્ર હોય છે. એટલે એમાંથી જાગેલા ને વ્યક્ત થયેલા પ્રતિભાવ અન્યની સંવેદનાને સંકોરે છે. કવિપ્રતિભા જે અભિવ્યક્તિ સાધે તેમાં અનુભવોના જે પડછંદા હોય તેની સાથે મૂલ્યો પણ ઓતપ્રોત જ હોય, એ ‘સરસ્વતીચંદ્ર’ની ભાવસૃષ્ટિ હોય કે નાનાલાલનું ‘એકલો ઊડું’ હોય કે મુનશીનું ‘અવિભક્ત આત્મા હોય કે પ્રેમાનંદનું ‘મામેરું’ હોય કે નરસિંહનું ‘વૈષ્ણવજન’ હોય – આમાંની કોઈપણ કૃતિના પૂર્ણ આસ્વાદને અંતે ભાવકની સંવેદનામાં સર્જકને અભિપ્રેત મૂલ્યની સંક્રાન્તિ થતી જ હોય છે. આમ શબ્દની કલા, જે સાહિત્ય, તે આનંદ સર્જવાની સામે આમ અનાયાસે મૂલ્યવિતરણ કે મૂલ્ય સ્થાપના કરે છે. એની પ્રક્રિયા જટિલ હોય ત્યારે પણ ભાવકના ચિત્તમાં સર્જકને અભિપ્રેત મૂલ્યસંચાર થતો જ હોય છે. સાહિત્યનો સીધો ઉદ્દેશ મૂલ્યવિતરણનો હોય કે ન હોય તથાપિ સર્જકના શબ્દે જગવેલી સંવેદના ભાવકની ચેતનાને મૂલ્યોનું પ્રદાન કરતી જ હોય છે. શબ્દને જો અર્થ વળગેલો જ છે તો સાહિત્યકૃતિ એ ભાવકની ચેતનામાં શબ્દ દ્વારા જગવેલી સંવેદના કોઈક ને કોઈક જીવનમૂલ્યનો લસરકો કરતી જાય છે. ય.શુ.