ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મેઘદૂત

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મેઘદૂત : કાલિદાસની કાવ્યપ્રતિભાનો ઉત્કૃષ્ટ આવિર્ભાવ મેઘદૂતમાં છે. પૂર્વમેઘ અને ઉત્તરમેઘ મળીને ૧૨૦ શ્લોકોનું મંદાક્રાન્તાના જીવનલયયુક્ત આ ગીતકાવ્ય વિશ્વનાં શ્રેષ્ઠ ઊર્મિકાવ્યોમાંનું એક છે. કર્તવ્યચ્યુત બનેલા (સ્વાધિકારાત્પ્રમત્ત :) અલકાનિવાસી કોઈ યક્ષને કુબેરના શાપથી એક વર્ષ સુધી પ્રિયાથી વિરહ ભોગવવાનો આવતાં, તે રામગિરિ પર્વત પર આ શાપનો અવધિકાળ વિતાવવા લાગે છે. આઠ મહિના તો ગમેતેમ પસાર થઈ જાય છે, પણ વર્ષાનો આરંભ થતાં તેને પોતાની પ્રેયસીનો વિરહ અસહ્ય બની જાય છે અને અષાઢના પ્રથમ દિવસે પર્વત શિખર પર ઝળૂંબેલા એક જળભર્યા મેઘને પોતાનો દૂત બની અલકામાં પોતાની પ્રિયા પાસે સંદેશો લઈ જવા વિનંતિ કરે છે. પૂર્વમેઘમાં મેઘના પ્રવાસપંથનું અને ઉત્તરમેઘમાં તેના સંદેશનું નિરૂપણ છે. પૂર્વમેઘમાં પ્રકૃતિની બહિરંગ લીલા, તો ઉત્તરમેઘમાં ધબકતાં માનવીય સંદર્ભ છે. પૂર્વમેઘમાં નિવિન્ધ્યા, ગંભીરા, ચર્મણ્વતી અને ભાગીરથી જેવી સરિતાઓ, આમ્રકૂટ, વિન્ધ્ય અને કૈલાસ જેવા પર્વતો, વિવિધરંગી પુષ્પો અને સૌરભથી મઘમઘતી વનરાજીઓ, ઉજ્જયિની અને અલકા જેવાં રમ્ય નગરો, આ સર્વના વર્ણનમાં ભારતવર્ષની સુષમા ઝળહળી રહી છે, અને એ કાલિદાસને રાષ્ટ્રીયકવિ સ્થાપિત કરે છે. ઉત્તરમેઘમાં વિરહિણી ‘તન્વીશ્યામા’ યક્ષપ્રિયાનું અનુપમ શબ્દચિત્ર, યક્ષના સંદેશમાં ધબકી રહેલો ઉષ્માભર્યો સ્નેહછલકતો માનવસંદર્ભ અને કવિને મનગમતો એવો પ્રકૃતિમાનવની સંવાદિતાનો સૂર – આ સર્વ આકર્ષણસ્થાનો છે. મેઘદૂતે દૂતકાવ્યોની પણ એક નવી પરંપરા ઊભી કરી અને પરવર્તીકાળમાં અનેક દૂતકાવ્યો રચાયાં. કાલિદાસે જે કંઈ લખ્યું તે પરંપરા બની ગયું. તેનું ઉત્તમ નિદર્શન મેઘદૂત છે. વિ.પં.