ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશ્લેષણ
વિશ્લેષણ(Analysis) : સાહિત્યકૃતિનું વીગતપૂર્ણ પૃથક્કરણ અને એની તપાસ તે વિશ્લેષણ. વિશ્લેષણ એ વિવેચનનું અત્યંત આવશ્યક અંગ છે. વિશ્લેષણ દ્વારા કૃતિના ઘટકો તેમજ એના સંબંધોનો સઘન અભ્યાસ કરવામાં આવે છે. એલિયટે કહ્યું છે તે પ્રમાણે તુલના અને વિશ્લેષણ વિવેચનનાં મહત્ત્વનાં ઓજારો છે. ઘણીવાર એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવે છે કે કૃતિવિશ્લેષણ કૃતિ પરત્વેના સહજ અને સ્વયંસ્ફૂર્ત પ્રતિભાવને હાનિ પહોંચાડે છે. પરંતુ જે સઘન વિશ્લેષણના સમર્થકો છે તે માને છે કે વિશ્લેષણ ભાવકના આનંદને વિસ્તારે છે.
ચં.ટો.