ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંસૃષ્ટિ
સંસૃષ્ટિ : સંસ્કૃત અલંકાર. પોતાના ભેદને જાળવીને અલંકારોની સહસ્થિતિ હોય તે સંસૃષ્ટિ કહેવાય. સંસૃષ્ટિમાં અલંકારોનું સહઅસ્તિત્વ સંયોગ પ્રકારનું હોય છે. તિલ અને તણ્ડુલના સંયોગમાં બન્ને અલગ પાડી શકાય છે તેમ સંસૃષ્ટિમાં પરસ્પર સ્વતંત્ર અલંકારોનો સંયોગ થયેલો હોય છે. જેમકે “અંધકાર જાણે અંગોને લેપ કરે છે. આકાશ જાણે અંજનની વર્ષા કરે છે. દુષ્ટોની સેવાની જેમ દૃષ્ટિ વિફળ બની છે.” અહીં પહેલા ભાગમાં ઉત્પ્રેક્ષા અલંકાર છે અને પછીના ભાગમાં ઉપમા-અલંકાર છે. આ બન્ને અલંકારો પરસ્પર નિરપેક્ષ છે.
જ.દ.