ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સાહિત્ય અને નીતિ
સાહિત્ય અને નીતિ : જીવનના સંદર્ભમાં સાહિત્યનાં અર્થઘટન અને ભાવનાત્મકતાનો વિચાર કરતાં જ સૌન્દર્યશાસ્ત્રમાં નીતિ-વિચારનો પ્રવેશ થઈ જાય છે. સાહિત્યકૃતિનો ભાવકચિત્ત પર પડતો પ્રભાવ, આસ્વાદની પ્રક્રિયા કે એમાં અંતર્ભૂત વિશિષ્ટ દૃષ્ટિકોણ વિશે વિચારણા કરતાં સાહિત્ય ને નીતિના સંબંધનો પ્રશ્ન ઊભો થાય છે. આમેય સાહિત્યકલા અર્થવાહક અને સૌન્દર્યવાહક બન્ને પાસાં ધરાવતી હોવાથી સાહિત્ય નીતિ સાથે અનિવાર્યપણે સંકળાય છે. નીતિ એટલે સદાચરણ. કોઈપણ કામ કે વ્યવહાર સારી રીતે ચલાવવાને નક્કી કરેલું વર્તન કે નક્કી કરેલો માર્ગ તે નીતિ. નીતિની ભાવના દરેક સમાજમાં જુદી હોય તોપણ કેટલાંક નીતિમૂલ્યો મનુષ્યમાત્ર માટે શાશ્વત છે. જીવનલક્ષી સૌન્દર્યમીમાંસકો આથી જ સાહિત્યમાં સૌન્દર્યતત્ત્વ કરતાં નીતિને વધુ મહત્ત્વ આપે છે. તોલ્સ્તોયના મતે કલા ભાવનાઓનું સંક્રમણ કરે છે અને એ ભાવનાઓ નીતિપોષક હોવી જોઈએ. પ્લેટો નીતિવાદી કલાનું સમર્થન કરે છે તો, એરિસ્ટોટલના મતે કલા ભાવક પર જે પ્રભાવ છોડે છે તે નીતિપોષક જ હોય છે. રિચર્ડ્સ, ડ્યૂઈ અને શેલી પણ જીવનવાદી સૌન્દર્યચિંતકો છે. માર્ક્સવાદી ચિંતકોએ પણ સાહિત્યમાં નીતિનું સમર્થન કર્યું છે. સાહિત્યમાં નીતિમૂલ્યો પ્રત્યક્ષ કે પરોક્ષ હોવાં જ જોઈએ એવા મતની સામે ‘કલા ખાતર કલા’નો વાદ જન્મ્યો. આ મત ધરાવનાર ચિંતકો સાહિત્યકલા ઉપદેશક નથી પરંતુ સ્વતંત્ર, નીતિનિરપેક્ષ છે એવું માને છે. કલા નીતિની દાસી નથી. કવિ ગમે તેવા ભાવને કલાપૂર્વક કહે એટલે કાવ્ય થાય. નીતિના નિયમોની કલાને જરૂર નથી એવો એમનો દાવો છે. સાહિત્ય અને નીતિ અંગેનાં આ અંતિમવાદી વલણો છે. સાહિત્યને મૂલવવા નીતિની નહીં પણ કલાની જ દૃષ્ટિ હોવી જોઈએ એમાં કોઈ શક નથી પરંતુ વ્યાપક અર્થમાં સાહિત્ય નૈતિક છે. નીતિનો સીધો ઉપદેશ કે નૈતિક પ્રશ્નોનું સીધું નિરાકરણ ન આપતી ઊંચી કલાપૂર્ણ સાહિત્યકૃતિનું પરોક્ષ પરિણામ વ્યાપક અર્થમાં નૈતિક હોય છે. ઇ.ના.