ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુદર્શન
સુદર્શન : ગુજરાતી પ્રજાને સ્વધર્માભિમુખ કરવાના વિવિધ પુરુષાર્થો પૈકી સાહિત્યિક પ્રવૃત્તિના પ્રસાર-પ્રચારના વાહન તરીકે મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ૧૮૮૫થી ૧૮૯૮ સુધી ‘પ્રિયંવદા’ અને ‘સુદર્શન’ માસિકો પ્રકાશિત કરેલાં. ભાવનગરથી ૧૮૮૫માં સ્ત્રીવાચકવર્ગને જ અનુલક્ષીને ‘પ્રિયંવદા’ માસિકનું પ્રકાશન થાય છે. ‘પ્રિયંવદા’ની પાંચ વર્ષની કારકિર્દીના અનુભવ પરથી તંત્રીને સમજાય છે કે ‘જે વર્ગ માટે એ વિષયો ધારવામાં આવ્યા છે તે વર્ગ તરફથી તેમને જોઈએ તેવું ઉત્તેજન મળતું નથી.’ આના પરિણામે ‘પ્રિયંવદા’નું ‘સુદર્શન’ નામ બદલીને ૧૮૯૦માં મણિલાલ પોતાના સંસ્કારોદ્બોધનના ક્ષેત્રને ગૃહ અને ગૃહસ્વામિનીઓ સુધી જ સીમિત ન રાખતાં ધર્મ, ગૃહ, રાજ્ય અને સાહિત્ય(ગ્રન્થાવલોકન સમેત) જેવા ચાર વિભાગો રૂપે વિસ્તારે છે. પોતાના ચિંતન-મનનને લોકસુલભ બનાવીને ધર્મતત્ત્વબોધની ખેવના ધરાવતા મણિલાલ આ સામયિકોમાં સતત, બહોળું લેખન કરતા રહ્યા હોવા છતાં તેમણે એકહથ્થુ ઇજારાશાહીની સ્થિતિ ન સરજતાં તત્કાલીન પરંપરા મુજબ ‘મળેલું’ એવા અનામ-નિર્દેશતળે મુકાએલી કૃતિઓ ઉપરાંત પંડિત ગટુલાલજી, નવલરામ, ત્ર્યંબકલાલ ત્રિ. મુનિ, પ્રભાશંકર અંબાશંકર, મન :સુખરામ સૂ. ત્રિપાઠી, આનંદશંકર ધ્રુવ, મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’, જેવા એ સમયના મૂર્ધન્ય સાહિત્યકારોની કૃતિઓ પ્રકાશિત કરી છે. ‘સત્યં પરં ધીમહિ’નો ધ્યાનમંત્ર ધરાવનાર ‘સુદર્શન’ના તંત્રીની નિર્ભીકતા, નિયમિતતા, સિદ્ધાન્તનિષ્ઠા તેમજ ઉચ્ચસ્તરીય તત્ત્વચર્ચા તથા લોકરુચિ તેમજ લોકમાનસનું સંમાર્જન કરતી સામગ્રી પીરસવાની ખેવના દ્વારા ‘સુદર્શન’ની કેળવાયેલી લોકચાહના વિશે આનંદશંકર ધ્રુવે નોંધ્યું છે : “ ‘સુદર્શન’ માટે વાચકવર્ગ તરફથી જેવી ઉત્કંઠાવૃત્તિથી વાટ જોવાતી હતી તેવી અત્યારે કોઈપણ ગુજરાતી માસિકની જોવાય છે?” માસિક બંધ પડ્યું ત્યારે અર્થાત્ ૧૮૯૮ની સાલમાં લવાજમ ભરીને માસિક મગાવનારા ૩૭૧ ગ્રાહકો ઉપરાંત ભેટપ્રત તરીકે સંખ્યાબંધ વિદ્વાનોના હાથમાં પહોંચતું ‘સુદર્શન’ આત્મધર્મી પત્રકારની સમાજનિષ્ઠાનું સુભગ દૃષ્ટાંત હતું. ર.ર.દ.