ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સુખાન્તિકા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુખાન્તિકા(Comedy) : નાટકના મુખ્ય બે પ્રકારોમાંનો એક પ્રકાર. આ સંજ્ઞા આજે પણ સાધારણ રીતે નાટકને માટે જ ઉપયોગમાં લેવાય છે. મધ્યકાળમાં દુઃખદ પ્રારંભથી સુખમાં પરિણમતાં કથાકાવ્યોને પણ આ સંજ્ઞા લાગુ પાડવામાં આવતી. દાન્તેનું મહાકાવ્ય ‘ડિવાઈન કૉમેડી’ ‘ઇનફર્નો’ના દુર્ભાગ્યથી શરૂ થઈ ‘પેરેડિસો’ના સુખમાં પૂરું થાય છે. ક્યારેક ક્યારેક બાલ્ઝાક જેવાની સુખાન્ત નવલકથા માટે પણ આ સંજ્ઞા પ્રયોજાય છે, પણ એને ‘કૉમિક નૉવેલ’ કહેવી વધુ યોગ્ય છે. એરિસ્ટોટલના જમાનાથી વારંવાર સુખાન્તિકા ઊતરતી કક્ષાના નાટ્યસ્વરૂપ તરીકે સ્વીકૃતિ પામતી આવી હોવા છતાં એમ કહી શકાય કે કરુણાન્તિકા જેટલા જ સામર્થ્યથી એ અંતર્દૃષ્ટિનું વાહન બની શકે છે. ઊંચામાં ઊંચા સ્તરે એ કરુણાન્તિકા જેટલી જ વિરલ છે, કદાચ વિરલતર છે. એરિસ્ટોટલના મત પ્રમાણે સુખાન્તિકા કોઈ ક્ષતિ કે કોઈ એવા દુરિત સાથે પાનું પાડે છે જે વધુ દુઃખકર કે વિનાશકારી ન હોય. એરિસ્ટોટલે કરુણાન્તિકા અને સુખાન્તિકાનાં મૂળ ફળદ્રુપતાના દેવતા ડાયોનિસસના માનમાં યોજાતા ગ્રામોત્સવોમાં શોધ્યાં છે. એમાં આનંદ, ઉત્સાહ અને ઉત્સુકતા મુખ્ય હતાં. આથી જ સુખાન્તિકામાં રોજિંદી ભાષા બોલતા સાધારણ માણસોનાં વર્ણન અને પરિચિત હાસ્યપ્રેરક ઘટનાઓ મુખ્ય ગણાવાયાં છે. ઠઠ્ઠાચિત્ર અને અતિશયોક્તિના આશયથી સામાજિક જીવનમાં પ્રગટ એમાં માનવવાણી, ચરિત્ર અને વર્તનનાં અસંગત પાસાંઓના નિરૂપણ દ્વારા મનોરંજન કરવાના એના આશય પર ભાર મુકાયો છે. સુખાન્તિકામાં પાત્રો ન તો વીરનાયકો હોય છે કે ન તો મહાપુરુષો હોય છે. પરંતુ મધ્યમ ભાગ્યવાળા મનુષ્યો હોય છે. તેઓ જોખમો ખેડે છે પણ એ જોખમો ન તો અનિવાર્ય હોય છે, ન તો દબાવપૂર્ણ હોય છે. તેઓ અંતે સમાધાન શોધે છે. સુખાન્તિકાનાં બે વિષયવસ્તુ જાણીતાં છે : પ્રેમકિસ્સાઓ અને યુવતીઓનાં અપહરણો. સુખાન્તિકા સંકુલ કથાનક પર ભાગ્યે જ આધાર રાખે છે; તેમ છતાં ઓછાં પરિષ્કૃત એવાં ભાંડભવાઈ અને પ્રહસન જેવાં સ્વરૂપો કરતાં એનું કથાનક વધુ સુગ્રથિત હોય છે. એના કથાનકમાં સંખ્યાબંધ માનવનિર્બળતાની વિવિધતાને ચીંધતા પ્રસંગો તટસ્થતાથી નિરૂપાયેલા હોય છે. સુખાન્તિકાની આવી રંજકરીતિ હોવા છતાં સારી સુખાન્તિકા માનવસ્વભાવના મૂળમાં ઊંડે પહોંચે છે અને મનુષ્યની મર્યાદાઓથી તેમજ એની શક્યતાઓથી પ્રેક્ષકને અવગત કરે છે. બીજી રીતે કહીએ તો કરુણાન્તિકા કરતાં સુખાન્તિકા રોજિંદા જીવનની વધુ નજીક હોય છે. અને કરુણાન્તિકાની જેમ ઘોર અપરાધને સ્થાને સામાન્ય મનુષ્યની નિષ્ફળતાનો ઉપયોગ કરે છે. કરુણાન્તિકા સુખથી આરંભાઈ દુર્ભાગ્યમાં પરિણમે છે; જ્યારે સુખાન્તિકામાં એનાથી ઊલટું બને છે. બંને સ્વરૂપો મનુષ્યને ઉલ્લાસ આપે છે. પરંતુ કરુણાન્તિકા મનુષ્યને પોતાના વિનાશના ભોગે આદર્શનો ઝંડો લહેરાવી એની નબળાઈઓ સામે લડતો બતાવે છે; જ્યારે સુખાન્તિકા મનુષ્યને પોતાની મર્યાદા પર હસતો બતાવે છે. કરુણાન્તિકા મનુષ્યની સ્વતંત્રતા અંગેની માન્યતામાં રોપાયેલી છે, તો સુખાન્તિકા વધુ ધર્મ-નિરપેક્ષ, ઉદાર અને દુન્યવી છે. સ્થાનિક, સ્થાપિત અને પરિચિત પર એનું ધ્યાન વિશેષ હોય છે. કરુણાન્તિકાનાં રહસ્ય અને આશ્ચર્યની સામે એનું લક્ષ્ય સંભવિતતા પર હોય છે. સુખાન્તિકાનો માપદંડ સમૂહમાં સમાજમાં કે કોઈ પ્રકારના સામાજિક તંત્રમાં રહ્યો છે. નાયકનું અપવાદરૂપ વર્તન જે કરુણાન્તિકામાં પ્રશંસનીય લાગે તે સુખાન્તિકામાં હાસ્યાસ્પદ ઠરે છે. એટલેકે કરુણાન્તિકા વ્યક્તિની નિયતિ સાથે નિસ્બત ધરાવે છે; તો સુખાન્તિકા સામાજિક જૂથ સાથે નિસ્બત ધરાવે છે. અનનુનેયતા અભિગ્રહ કે ગર્વ જો કરુણાન્તિકાનાં લક્ષ્ય છે, તો દંભ કે મૂર્ખતા સુખાન્તિકાનાં લક્ષ્ય છે. ટૂંકમાં, કરુણાન્તિકા જો સંવેદતા મનુષ્યની અભિવ્યક્તિ છે, તો સુખાન્તિકા વિચારતા મનુષ્યની અભિવ્યક્તિ છે. સુખાન્તિકા મનુષ્યજાતિનાં હાસ્યાસ્પદ પાસાંઓને સીધી સ્પર્શે છે અને મનુષ્યોની ક્ષતિઓને સ્વીકાર્ય બને એ રીતે રજૂ કરે છે. સુખાન્તિકા અંગેના બે મહત્ત્વના ઉદીપનસિદ્ધાન્તોમાંનો એક સિદ્ધાન્ત આપણી ગુરુતાગ્રંથિની લાગણીમાં રહેલા પરિતોષને ચીંધે છે, તો બીજો સિદ્ધાન્ત સુખાન્તિકામાં રહેલા વિરોધના આપણા સંવેદનને અથવા ઓચિંતી ઊભી થતી હતાશાની લાગણીને ચીંધે છે. હોબ્સ, બર્ગસન, મેરિડિથ વગેરેએ ઊભો કરેલો પહેલો સિદ્ધાન્ત આપણે અન્ય કરતાં ઓછા દુર્ભાગી છીએ એના આનંદ પર ભાર મૂકે છે, તો એરિસ્ટોટલ, કાન્ટ, શૉપનહોવર જેવાઓએ વિકસાવેલો બીજો સિદ્ધાન્ત કોઈપણ પ્રકારની અસંગતતા કે વસ્તુઓ અને વસ્તુઓ વિશેના આપણા વચ્ચેના ભેદમાં રહેલા આનંદ પર ભાર મૂકે છે. સુખાન્તિકા અંગેના અન્ય સિદ્ધાન્તો ક્રીડા તરીકે, શક્તિના વિમોચન તરીકે, નિષેધોની નાબૂદી તરીકે કે શૈશવમાં પુનર્ગમન તરીકે હાસ્ય પર ભાર મૂકે છે. સુખાન્તિકા લખવા પાછળ પણ વ્યંગ કરવાનો, ઉપહાસ કરવાનો, ઉપાલંભ દેવાનો, ઠઠ્ઠો કરવાનો, સુધારવાનો, માનવજાત કે એના કોઈ અંશની અસંગતતાને ખુલ્લી કરવાનો આશય હોઈ શકે છે. સુખાન્તિકાનો કંઈક અંશે પહેલો નમૂનો હોમરના ઓડીસ્યૂસમાં મળે. પરંતુ યુરોપમાં સુખાન્તિકાનું પગેરું ઈ.સ. પૂર્વેના પાંચમા સૈકામાં એરિસ્ટોફેનિસનાં ગ્રીક નાટકોમાં છે. એરિસ્ટોફેનિસનાં ૧૧ હયાત નાટકો એ ‘જૂની સુખાન્તિકા’(old comedy)ઓ છે, એમાં સ્થાનિક યુદ્ધો, બગડતું જતું નગરજીવન, કાયદા પરત્વેનો વધુ પડતો પ્રેમ – આ બધાનો વ્યંગાત્મક ઉપહાસ થયો છે. ‘ધ બર્ડ’ એરિસ્ટોફૅનિસની ઉત્તમ સુખાન્તિકા છે. ત્યારબાદ ‘નવી સુખાન્તિકા’ સાથે સંકળાયેલા ગ્રીકલેખક – ‘મેનાન્ડર’ – નું નામ આવે. રોમન નાટકકારો પ્લોટસ અને ટેરેન્સ પર મેનાન્ડરનો પ્રભાવ મોટો છે. પુનરુત્થાનકાળની યુરોપીય સુખાન્તિકા રોમન સુખાન્તિકાઓનું અનુકરણ કરે છે. યુરોપિયન સુખાન્તિકાનો સત્તરમા સૈકાનો સુવર્ણકાળ શેક્સ્પીયર, દ વેગા, જોન્સન અને પછી મૉલિયેરમાં જોવા મળે છે. અર્વાચીનકાળમાં ઓસ્કર વાઈલ્ડ, જ્યોર્જ બર્નાર્ડ શૉ, સીન ઓકેસી વગેરે નોંધપાત્ર સુખાન્તિકાલેખકો છે. આધુનિકકાળમાં પુનરાવર્તિત શબ્દો દ્વારા અર્થહીન વ્યવહાર કરતાં અગમ્ય પાત્રોની બૅક્ટિ, આયોનેસ્કોની સૃષ્ટિ કે કરુણ આકાંક્ષાના અભાવમાં ઉદાસીનતા તરફ જતી એડવર્ડ એસ્લી, ફ્રેન્ક મારકસ જેવાની ઘોરનાટ્ય(Black comedy)ની સૃષ્ટિ : સુખાન્તિકાનાં ફંટાયેલાં સ્વરૂપો છે. સુખાન્તિકાનાં વિવિધ સ્વરૂપો છે : હાસ્ય સુખાન્તિકા, વિદગ્ધ સુખાન્તિકા, રીતિ સુખાન્તિકા, નીતિ સુખાન્તિકા, ઉદાત્ત સુખાન્તિકા, અનુદાત્ત સુખાન્તિકા, પરિસ્થિતિ સુખાન્તિકા, પારિવારિક સુખાન્તિકા, સંગીત સુખાન્તિકા, કૌતુકરાગી સુખાન્તિકા, સામાજિક સુખાન્તિકા, વાસ્તવવાદી સુખાન્તિકા, ચરિત્ર સુખાન્તિકા વગેરે. ચં.ટો.