ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાસ્યરસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


હાસ્યરસ : હાસ્ય હાસસ્થાયિભાવાત્મક છે, સાહિત્યજગત અને વ્યવહારજગત બન્નેના વિભાવો સરખા છે, જે હાસ્ય ઉત્પન્ન કરે છે. એ રીતે શૃંગાર કે કરુણ જેવા રસથી તે ભિન્ન છે. શૃંગારની રસપ્રતીતિ સમયે ભાવકમાં રતિ ઉત્પન્ન થતી નથી કારણકે સાહિત્ય અને વ્યવહારના વિભાવો ભિન્ન છે. હાસ સ્થાયિ-ભાવની ચર્વણા હાસ્ય રૂપે હોય છે. જ્યારે રતિ કે શોક જેવા સ્થાયિભાવોની ચર્વણા રતિરૂપ કે શોકરૂપ હોતી નથી. હાસ્ય વિકૃતપરવેશાલંકાર, ધૃષ્ટતા, લૌલ્ય, કુહક(ગલીપચી) ખોટો લવારો, વ્યંગ એ બધા હાસ્યના વિભાવો છે. વેશ એટલે કેશાદિ રચના અને અલંકાર એટલે કટક વગેરે. આ બન્નેની દેશ, કાળ, પ્રકૃતિ, વય અને અવસ્થા સાથે મેળ ન ખાય એવી વિપરીત યોજના હાસ્યનો વિભાવ બને છે. એટલેકે એવું પણ સૂચવાય છે કે બધા જ રસ હાસ્યમાં સમાઈ જાય છે, બધા જ રસનો આભાસ હાસ્યમાં પરિણમે છે. બીજાના વેશ-અલંકાર દર્શાવવાથી પણ હાસ્ય ઉત્પન્ન થાય છે. હોઠ, નાક અને કપોલોનું સ્પંદન, આંખો ઉઘાડવી અને બંધ કરવી, પસીનો, મુખરાગ, પડખાં પકડવાં વગેરે અનુભાવોથી હાસ્યનો અભિનય થાય છે. એના સંચારી ભાવો આલસ્ય, સ્વપ્ન, પ્રબોધ, અસૂયા વગેરે છે. ભરતમુનિ પ્રમાણે હાસ્ય આત્મસ્થ અને પરસ્થ એમ બે પ્રકારનું હોય છે. અભિનવની સમજૂતી પ્રમાણે જે હાસ્ય મૂળમાં, પોતાનામાં ઊપજ્યું હોય તે આત્મસ્થ અને જે ચેપથી ફેલાતું હોય તે પરસ્થ. અ હસે છે એટલે બ-ને હસવું આવે છે, તો અ-નું હાસ્ય આત્મસ્થ અને બ-નું પરસ્થ. મોટેભાગે નીચ પ્રકૃતિના વધુ હસે છે. ભરતમુનિ હાસ્યના છ પ્રકાર પાડે છે : સ્મિત, હસિત, વિહસિત, ઉપહસિત, અપહસિત અને અતિહસિત. પહેલા બે પ્રકાર ઉત્તમ પ્રકૃતિના છે, બીજા બે મધ્યમ પ્રકૃતિના છે અને ત્રીજા બે અધમ પ્રકૃતિના છે. અભિનવગુપ્ત પ્રમાણે આ પ્રકારો સંક્રમણની દૃષ્ટિએ પાડેલા છે. ઉત્તમ પ્રકૃતિમાં સ્મિત હોય તે જ્યારે સંક્રાન્ત થાય ત્યારે હસિત. વિહસિત સંક્રાન્ત થાય ત્યારે ઉપહસિત. અપહસિત સંક્રાન્ત થાય ત્યારે અતિહસિત. આ છએ પ્રકારોમાં ક્રમશ : હાસ્યની માત્રા વધતી જતી હોય છે. સહેજ વિકસિત કપોલો, સૌષ્ઠવયુક્ત કટાક્ષોવાળું દાંત ન દેખાય એવું ઉત્તમ પુરુષોનું ધીર સ્મિત હોય છે. મુખ અને આંખો ખીલી ઊઠે, કપોલો વધારે વિકસે, દાંત સહેજ દેખાય તે હસિત કહેવાય. આંખ અને ગાલ સંકોચાઈ જાય, મોં લાલ થઈ જાય, અવાજવાળું અને મધુર હોય તે વિહસિત કહેવાય. જ્યાં નાક ફૂલી જાય, આંખો ત્રાંસી નજરે જુએ, અને અંગમાથું ઝૂકી જાય તે ઉપહસિત કહેવાય, અસ્થાને થયેલું, આંખોમાં આંસુ આવી જાય, ખભા તથા માથું હાલવા લાગે તે અપહસિત. આંખોમાં આંસુ આવે, સાંભળવામાં કર્કશ લાગે, પાંસળીઓને હાથથી દબાવવી પડે, એવું અત્યંત જોરથી અને સતત ચાલુ રહેતું હાસ્ય તે અતિહસિત. હાસ્યરસ આ રીતે સ્વસમુત્થ, પરસમુત્થ એમ બે પ્રકારો, ત્રણ પ્રકૃતિવાળો અને ત્રણ અવસ્થા(સંક્રાન્તવસ્થા)વાળો હોય છે. જગન્નાથ હાસ્યરસ વિશે એક બીજો મુદ્દો ઊભો કરે છે. રતિ, શોક વગેરેમાં આલંબનવિભાવ અને આશ્રય આ બન્ને ભિન્ન હોય છે. પણ હાસ્યમાં (અને બીભત્સમાં પણ) એમ નથી. રંગમંચ પર ઘણીવાર હાસ્યનો કોઈ આશ્રય હોતો નથી. આવા સંજોગોમાં જગન્નાથનો ખુલાસો એ છે કે, એક વિશિષ્ટ દૃષ્ટા આક્ષેપ્ય માનવો. રંગમંચ પર કે કાવ્યમાં એવી વ્યક્તિ કલ્પવી કે જે હાસ્ય (કે બીભત્સ)નો આશ્રય હોય. એટલેકે જેને હસવું આવે છે અથવા જુગુપ્સા થાય છે. વિ.પં.