ગુજરાતી સૉનેટકાવ્યો/તુલસી
૧૧૯. તુલસી
કનૈયાલાલ પંડ્યા
વિલાયાં ને અંતે જરજર થયાં ને વન ગયાં;
ગયાં મારી સામે, મુજ ઘર થકી આમ તુલસી.
રહી ના એકેયે કુંપળ લીલકી ડાળખી પરે;
ગયો લીલો જાણે સમય, સરક્યો, હાથ ન રહ્યો.
ગળાવીને જાણે હૃદય લઈને ગાર નીતર્યો
ચણાવી દીધો’તો ઘર સમીપનો ગોખ, ઊછર્યા
તમે કે’વેળામાં નહિ નહિ કશું યાદ, પણ હા
કશું ભીનું, મીઠું, મધુર મલક્યું’તું સમયમાં.
કથા જે બાકીની નવ કશું બન્યું, માત્ર અવશે –
સમેટાઈ મારી નજર તમથી, હોજ છલક્યા
કર્યા ખાલી ખાલી નવ દઈ શક્યો બુંદ તમને.
સુકાયાં, શોષાયાં, તરસ થઈને સાવ, ન રહ્યાં.
તૂટેલી ડાળીના જીરણ પરણેથી ખરી ગયો
પ્રિયાનો ચ્હેરો કે તગતગી રહી માતની કીકી!