ગુજરાતી સૉનેટકાવ્યો/આંતરો કાઢવાને
Jump to navigation
Jump to search
૧૧૮. આંતરો કાઢવાને
ડાહ્યાભાઈ પટેલ ‘માસૂમ’
આ શેઢેથી નીકળી સહસા પાર શેઢે જતો હું,
રેલ્લા-કાંધે મધુર રવતા ઘૂઘરે ડોલતો હું;
સામે શેઢે, લવક લવક્યા ખીજડે છાંય ઓઢી
ઢેલો સાથે મયૂર કરતો ગેલ ટેંહું ટહુકી,
ટૌકે લીલું ગવન રણક્યું ઓરડો ઝૂમી ઊઠ્યો,
ને આંખોથી શરમ સરકી અંગૂઠે જૈ લપાઈ,
પાણિયારે ઉતરડ હસી, ટોડલે તો જવાની
ફૂટુંફૂટું થઈ રહી અને ઢોલિયે શ્વાસ મ્હોર્યા,
ગોરે ગાલે કુમકુમ ફૂટ્યું ખંજનોને મઢીને;
લીલું લીલું મરકી મનમાં, દીવડે હાથ...
મેં એ ઢેલો વળી મયૂરને ઢેફું મારી ઉડાડ્યાં,
રેલ્લા-કાંધે મધુર રવના ઘૂઘરા છોડી નાખ્યા,
હાંક્યે રાખ્યું હળઃ જમીન પે આંતરો કાઢવાને,
માટી ઢેફા સહ ઊખડતું કૈંક ઊંડેઊંડેથી.
ડિસે. ૧૯૭૩