ગુજરાતી સૉનેટકાવ્યો/મધ્યાહ્ન
૧૯. મધ્યાહ્ન
ઉમાશંકર જોશી
હતી ક્ષિતિજ હાંફતી, પ્રખર ધોમ ધખતો હતો.
અઘોર અવધૂત શી હતી છટા જ મધ્યાહ્નની.
વિલાઈ ભયદૂબળી નહિશી છાંયડી સૌ બની.
અને અખિલ રોમરોમ અવકાશ બળતો હતો.
હતો પવન એહ? કે ભભુકતો શું ભડકો હતો?
ઝળેળી ઉઠતાં અરણ્ય તરુ ઝુંડ ને ઝાંખરાં,
જરી છણછણી ઉઠ્યાં ઝરણનાં મૂંગાં ઝાંઝરાં,
નિરગ્નિ દવ સૃષ્ટિને પટ અફાટ ભમતો હતો.
હતું સકલ શાન્ત, છાતી મહીં મેંય નિઃશ્વાસ તો
હતો દીધ દબાવી, ત્યાં લઘુક એક વંટોળિયો
ઉઠ્યો કહીંથી ને પૂંઠે પકડવા જ જાણે જતો
ન હોય ત્યમ, વાડ પાછળથી કોઈ ખર ભોળિયો
પડ્યો સુકલ ખેતરે ગજબ હોંચિહોંચી કરી.
સજીવ થઈ સૃષ્ટિ હાશ! અવનીની મૂર્છા સરી.
(‘આતિથ્ય’)