ગુજરાત વિદ્યાપીઠની ગુજરાતી શોધનિબંધ સંદર્ભસૂચિ/ચરિત્રસાહિત્ય (પીએચ.ડી.)

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૬. ચરિત્રસાહિત્ય
૧. શીર્ષક : આત્મકથા : સ્વરૂપ અને વિકાસ
સંશોધક : રસીલા ચંદ્રકાન્ત કડિયા
માર્ગદર્શક : પ્રો. મોહનભાઈ પટેલ
સંશોધન વર્ષ : ઈ.સ. ૧૯૮૦
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૧૯૮૫

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ છ પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ ગુજરાતી ભાષામાં લખાયેલી છેક સુધારકયુગથી માંડીને ઈ.સ.૧૯૮૦ સુધીની આત્મચરિત્ર કૃતિઓનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ-૧માં આત્મકથાની સ્વરૂપ વિચારણા વિશે વિસ્તારથી ચર્ચા રજૂ કરી છે. પ્રકરણ-૨માં આત્મકથાનાં વિવિધ લક્ષણોની વિગતે વાત કરી છે. પ્રકરણ-૩માં આત્મકથા લખવાનો હેતુ, તે કોણ લખી શકે?, તેની પાસે કેવી સજ્જતા હોવી જોઈએ?, આત્મકથા લખતી વખતે જાળવવાનાં ધોરણો વગેરે વિશે વિસ્તારથી ચર્ચા કરી છે. પ્રકરણ-૪માં ગુજરાતી ભાષામાં લખાયેલી આત્મકથાઓનો સંક્ષેપમાં પરિચય આપી તેની વિકાસરેખા આલેખી છે. ઉપરાંત અન્ય ભાષામાંથી ગુજરાતીમાં અનુવાદિત થયેલી આત્મકથાઓનો પરિચય પણ આપ્યો છે. પ્રકરણ-પમાં ગુજરાતી ભાષામાં કેવી આત્મકથાઓ લખાઈ છે તેની તથા તે ક્ષેત્રે થયેલા નવીન પ્રયોગોની ઉદાહરણ સહિત વિગતો આપી છે ‘મારી હકીકત’, ‘સત્યના પ્રયોગો’ વગેરે જેવી ઉત્તમ આત્મકથાઓ વિશે વિસ્તારથી વાત કરી છે. પ્રકરણ-૬ માં ગુજરાતી ભાષામાં લખાયેલી આત્મકથાઓની ફલશ્રુતિ રજૂ કરી છે. સ્વરૂપ તથા સામગ્રીની દૃષ્ટિએ આત્મકથા કૃતિઓની વિશેષતા-મર્યાદાઓની ચર્ચા રજૂ કરી છે. પરિશિષ્ટમાં દયાનંદ સરસ્વતીની આત્મકથા, એક અનુવાદિત આત્મકથા તથા એક ચરિત્રકૃતિ નમૂના રૂપે રજૂ કરી છે. અંતે સંદર્ભસૂચિ રજૂ કરી છે.

૨. શીર્ષક : મહાદેવભાઈ દેસાઈની ડાયરી : એક અધ્યયન
સંશોધક : સુશીલાબહેન બી. પટેલ
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૨
પ્રકાશન વર્ષ : ઈ.સ. ----------

ટૂંકસાર :

પ્રસ્તુત મહાનિબંધ ચાર પ્રકરણોમાં વિભાજિત છે. સંશોધનકર્તાએ ગાંધીજીના અંગત સચિવ મહાદેવભાઈ દ્વારા લખાયેલ ‘મહાદેવભાઈ દેસાઈની ડાયરી’, ભાગ ૧ થી ૨૩ વિષયને કેન્દ્રમાં રાખી પોતાનો અભ્યાસ રજૂ કર્યો છે. પ્રકરણ – ૧માં મહાદેવભાઈનાં જન્મ, બાળપણ, અભ્યાસ, ઘડતર પરિબળો તથા તેમનાં સાહિત્ય સર્જનનો વિગતે પરિચય કરાવ્યો છે. પ્રકરણ-૨માં ડાયરી (રોજનીશી)ની સ્વરૂપ વિભાવના આપી તેની લાક્ષણિકતાઓનો પરિચય આપ્યો છે. રોજનીશી તથા મહાદેવભાઈની ડાયરીની તુલના કરી તેની વિશેષતાઓ રજૂ કરી છે. ગુજરાતી ભાષાનાં ડાયરી - સ્વરૂપની વિકાસરેખા રજૂ કરી છે. પ્રકરણ-૩માં મહાદેવભાઈની ડાયરીના ૧ થી ૨૩ ભાગનું વિશ્લેષણાત્મક અધ્યયન રજૂ કર્યું છે. પ્રકરણ-૪માં મહાદેવભાઈની ડાયરીઓમાં વિષયવૈવિધ્ય, તેમાં પ્રગટતું ગાંધીજીનું વ્યક્તિત્વ, મહાદેવભાઈનું વ્યક્તિત્વ, ગાંધીચરિત્રને સમજવા માટે તેમાંથી પ્રાપ્ત થતી અમૂલ્ય દસ્તાવેજી સામગ્રી, મહાદેવભાઈનાં ગદ્યની વિશિષ્ટતાઓ, તેમાં પ્રગટતાં કેટલાંક વિશિષ્ટ વ્યક્તિચિત્રો વગેરે મુદ્દાઓ વિશે ઝીણવટભરી ચર્ચા રજૂ કરી છે. અંતે ઉપસંહાર રજૂ કરી સંદર્ભસૂચિ આપી છે.

૩. શીર્ષક : સરદાર પટેલ વિષયક ગુજરાતી જીવનચરિત્રો : એક અધ્યયન
સંશોધક : દશરથ પટેલ
માર્ગદર્શક : ડૉ. ઉષા ઉપાધ્યાય
સંશોધન વર્ષ : ઈ.સ. ૨૦૦૮
પ્રકાશન વર્ષ : ઈ.સ. ૨૦૧૦

ટૂંકસાર :

પ્રસ્તુત શોધનિબંધ સાત પ્રકરણમાં વિભાજિત છે. પહેલાં પ્રકરણમાં ‘જીવનચરિત્ર : સંજ્ઞા અને સ્વરૂપ’ તથા ગુજરાતી જીવનચરિત્રનાં સ્વરૂપનો પરિચય આપવામાં આવ્યો છે. બીજાં પ્રકરણમાં ગુજરાતી જીવનચરિત્રની વિકાસરેખા આપી તેની યુગાનુસાર વિચારણા કરવામાં આવી છે. ત્રીજાં પ્રકરણમાં સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન અને કાર્યની ઝાંખી કરાવવાનો પ્રયાસ છે. જેમાં જન્મ, ઉછેર, આર્થિક સ્થિતિ, અભ્યાસ, વ્યવસાય ઇત્યાદિનો ખ્યાલ આપી સરદાર પટેલનાં વ્યક્તિત્વનો તેમ જ કાર્યોનો વિગતે પરિચય આપવામાં આવ્યો છે. ચોથાં પ્રકરણમાં સરદાર પટેલના જીવન અને વિશિષ્ટ પ્રસંગોનો પરિચય કરાવતા સાત જેટલાં પુસ્તકોનો સમાવેશ થયો છે તથા ગ.મા.નાંદુરકર સંપાદિત સરદાર પટેલના પત્રોનો પણ સમાવેશ થયો છે. પાંચમાં પ્રકરણમાં સરદાર પટેલના જીવન અને કાર્યની ઝાંખી કરાવતાં છ જેટલાં ચરિત્રાત્મક પુસ્તકોની વિચારણા થઈ છે. છઠ્ઠા પ્રકરણમાં સરદાર પટેલ વિષયક ગુજરાતી જીવનચરિત્રોનો અભ્યાસ કરવામાં આવ્યો છે; જેમાં વિષયવસ્તુ, વિગતોનું આલોખન, ભાષાશૈલી, વિશેષતાઓ અને મર્યાદાઓનો પણ અભ્યાસ થયો છે. અહીં છ પુસ્તકોનો સમાવેશ થયો છે. સાતમા પ્રકરણમાં સંશોધન દરમ્યાન પ્રાપ્ત તારણો અને મૂલ્યાંકન રજૂ થયા છે.