ગૃહપ્રવેશ/અભિસાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


અભિસાર

સુરેશ જોષી

ઇરલાની ખ્રિસ્તીવસતિમાં બપોરની મિજબાનીની તૈયારી ચાલી રહી હતી. ડુક્કરને પકડીને બે ઝાડ સાથે દોરડાં બાંધી ઊંધું લટકાવવામાં આવ્યું હતું. એની ચીસો ચાલુ હતી. દક્ષિણ તરફથી ચાલ્યા આવતા રસ્તા પરથી નજર ફેરવીને અનંગે આ દૃશ્યમાં ધ્યાન પરોવ્યું. ભઠ્ઠી સળગતી હતી. લોખંડનો મોટો સળિયો એમાં તપાવવા મૂક્યો હતો. ડુક્કરની ચીસ રહીરહીને સંભળાતી હતી.

અનંગે ફરી દક્ષિણ તરફ નજર નાંખી. મધ્યાહ્નના તાપમાં બળબળતો ડામરનો રસ્તો લગભગ સૂમસામ હતો. તરતના વધેરેલા બકરાની કાળી ખાલ હમણાં જ કોઈએ ઉતારીને ફેંકી હોય તેવો પથરાઈને પડેલો રસ્તો તડકામાં ચળકી રહ્યો હતો. સાન્તાક્રુઝ આગળના બસના ડેપો તરફથી વળાંક લઈને આવતી બસનું લાલ ટપકું જાણે એ કાળી ખાલ પરથી સરતા લોહીના ટીપા જેવું લાગતું હતું. આ દૃશ્યથી કંટાળીને એણે ફરી ખ્રિસ્તીવાડા તરફ નજર ફેરવી.

તપાવેલો સળિયો બહાર કાઢ્યો હતો. ડુક્કરના શરીરમાંથી એને વીંધીને આરપાર કાઢવાની મહત્ત્વની ક્રિયા હવે શરૂ થવાની હતી. ગરમ સળિયાનો સ્પર્શ થતાં જ ડુક્કરે રહ્યુંસહ્યું બળ એકઠું કરીને ચીસ પાડી. એ ચીસ સળિયાના અંદર જવા સાથે થોડી વાર સુધી વધતી લાગી, પછી બંધ પડી ગઈ. નીચેની તાપણી ઉપર હવે એને શેકવા માંડ્યું, સળિયા વડે ગોળ ગોળ ફરતા ડુક્કરને અનંગ જોઈ રહ્યો.

ફરી એણે દક્ષિણ તરફ મીટ માંડી. ત્યાં દૂર એને એક ધોળું ટપકું દેખાયું. મૃગજળના લહેરાતા સાગરને ઉછંગે ઊછળતી ઉર્વશી એના તરફ આવી રહી હતી. ઘડીભર એને થયું: મૃગજળની જેમ જ એ ઉર્વશી પણ કદાચ ભ્રાન્તિ તો ન હોય! પણ એ મીટ માંડીને જોઈ રહ્યો. ધોળું ટપકું નારીરૂપ ધારીને નજીક ને નજીક આવતું ગયું. ઉર્વશી આવી.

‘જરા મોડું થયું, નહીં?’

‘ના ના…’

‘આજે તો મહામુશ્કેલીએ આવી છું! ઘેર ભારે ધમાલ છે. ચારેય કાકા સપરિવાર આવ્યા છે. જેમતેમ બહાનું કાઢીને આવી છું. આજે મિજબાની છે.’

ડુક્કરને શેકવાની ક્રિયા ચાલુ હતી. હવે ઝાઝી વાર નહોતી. બીજી બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. અનંગે એનો આખરી અંજામ જોઈ લીધો. પછી બંને અંધેરી તરફ આગળ વધ્યાં.

‘બોલ ને, કેમ કશું બોલતો નથી?’

‘તને જોઈને અવાક્ થઈ ગયો છું!’

‘ઓહો! એમ વાત છે?’

‘ઊઘડતી સવારે, ઢળતી સાંજે કે પૂનમની રેલાતી ચાંદનીની ભરતીમાં ભીંજાતી મેં તને હજુ જોઈ નથી. જોઉં છું આમ કોઈક વાર ભરબપોરે ને તોય…’

‘બસ બસ, રમણલાલ દેસાઈની કે કોઈકની વાર્તામાં આવું જ વાક્ય વાંચ્યાનું યાદ છે.’

‘ચોરેલી વાણીના ગજરાથી તને નવાજું છું, એમ ને?’

‘ચોરેલો તો ચોરેલો પણ આખરે ગજરો તો ખરો જ ને?’

અનંગ એકાએક ઊભો રહી ગયો. પોતાના એ વર્તનથી એને પણ નવાઈ લાગી.

ઉર્વશીએ પૂછ્યું: ‘કેમ?’

અનંગે કહ્યું: ‘ના, કશું નહીં.’ ને બંને આગળ ચાલ્યાં. બપોરના બળબળતા રસ્તા ઉપર પ્રણયકૂજનની નાજુક રેશમી ભાત ઉપસાવતાં આગળ ચાલ્યાં…

અનંગ ફરીથી ઊભો રહી જવા જતો હતો પણ ઉર્વશીનું એ તરફ ધ્યાન ખેંચાય તે પહેલાં જ એણે સહેજ થંભેલું ડગલું આગળ ભર્યું. એને લાગ્યું કે પોતાના શરીરમાં ક્યાંક કોઈ અજાણ્યા ખૂણે કશુંક ડોકું ઊંચું કરીને તરત લપાઈ જાય છે. ને એ દરમિયાન એક ધબકાર એની નાડીમાંથી પસાર થઈ જાય છે. એ ધબકારના વેગથી શરીરની સામાન્ય ગતિના લયને એક ઓચિંતો ધક્કો વાગે છે. એ ધક્કાથી બચીને સમતુલા જાળવવા એને સહેજ થંભી જવું પડે છે. ને એણે આ ધબકારના મૂળને શોધવાનો પ્રયત્ન કર્યો.

‘ઉરુ, માટુંગા અને શીવ વચ્ચેના રસ્તા પરનાં કેસૂડાં હવે ખીલ્યાં હશે, નહીં?’

‘ચાલ ને, એક દિવસ રખડવા જઈએ.’

‘તું કહે એટલી વાર. બોલ, કાલે જઈશું?’

‘ઊભો રહે, મને કોઈ સરસ બહાનું શોધી આપ બહાર નીકળવાનું.’

‘એમ કહેજે ને કે…’

(કોઈક શિરા ઓચિંતા વેગથી ફાટું ફાટું થઈ રહી. દર્દનો પરપોટો ઊઠ્યો. ધીમે ધીમે એ પરપોટો પ્રવાહ સાથે વહેતો વહેતો આગળ વધવા લાગ્યો. હજુ એ ફૂટતો નહોતો ત્યાં સુધી પેલો દર્દનો સળકો પણ શમતો નહોતો. એ મરણિયો બનીને પેલો પરપોટો ફૂટે તેની રાહ જોઈ રહ્યો. એ પરપોટો પ્રવાહમાં તણાતો તણાતો આગળ ચાલ્યો… હૃદય તરફ…)

‘કેમ અટકી ગયો? બહાનું કાઢવું બહુ અઘરું છે, સમજ્યા મહેરબાન?’

‘પણ ઉરુ, ભૂતકાળની સતી સ્ત્રીઓને યાદ કર, તને પ્રેરણા મળશે.’

‘એમનો તો પરણ્યા પછીનો પ્રેમ.’

‘ના, તેં ત્યારે કશું વાંચ્યું નથી લાગતું. રાધા કૃષ્ણને અભિસારે જવાની તૈયારી કરે છે તેનું ચણ્ડીદાસે વર્ણન કર્યું છે તે તેં વાંચ્યું છે?’

‘કોણ, પેલો રામી ધોબણવાળો ચણ્ડીદાસ?’

‘હા.’

‘શું કહ્યું છે એણે?’

‘વરસાદ વરસતો હોય, રસ્તો લપસણો થયો હોય, વળી કાંટા પડ્યા હોય, પવન વીંઝાતો હોય, વીજળી ચમકતી હોય, અંધારું ચારે બાજુથી ઘેરી વળતું હોય – એવે વખતે અભિસારે નીકળવું એ કાંઈ સહેલી વાત નહિ. માટે રાધા ઘરની અંદર ઘડે ઘડે પાણી લાવીને ઘરની ભોંય લપસણી બનાવે, ઘરમાં કાંટા પાથરે…’

‘તો એ રાધાના ઘરમાં રાધા સિવાય બીજું કોઈ રહેતું નહીં હોય, ખરું ને?’

‘તું બહુ અરસિક થતી જાય છે!’

‘હા, હમણાં હમણાં તો તારા જેવા રસિકનો સત્સંગ બહુ થતો નથી ને!’

(આ વખતે એ પહેલેથી સાવધ રહ્યો. દર્દના બે ઊથલા વચ્ચેનું અન્તર હવે એણે માપી લીધું હતું. એ રાહ જ જોતો હતો. દર્દનું પગેરું કાઢવા એણે મીટ માંડી હતી. ત્યાં એકાએક ધબકારો થયો. આ વખતે એનો વેગ વિશેષ હતો. એની આંખ ઘડીભર એણે બંધ કરી દીધી. દર્દની ગતિ હવે કાંઈક એ કળી શકતો હતો. ધીમે ધીમે દર્દ ઉપર ને ઉપર આવી રહ્યું હતું. એમાંથી દરેક ધબકારાની સાથે કશુંક કાળું કાળું ટપકતું જતું હતું. જ્યાં જ્યાં એ કાળું દ્રવ્ય પ્રસરતું હતું ત્યાં ત્યાંથી એને જાણે દૂર ખસી જવું પડતું હતું. આમ પોતાની જાતને સંકોચતો એ ભાગી રહ્યો હતો, નાસી રહ્યો હતો. આ નાસભાગના પડઘારૂપ જ પેલો ધબકાર ન હોય એવું એને લાગ્યું. ધીમે ધીમે એ ધબકાર ઓછો થયો, આખરે ફરી એ શમી ગયો, યુદ્ધતહકૂબી થઈ…)

‘અનંગ!’

‘ઉરુ!’

‘તારી સાથે કોઈક વાર ઝઘડું છું, લડું છું પણ તારાથી છૂટા પડ્યા પછી તને જ સંભાર્યા કરું છું. ને કોઈક વાર તને યાદ કરતી પકડાઈ જાઉં છું ત્યારે ઠપકો પણ ખાવો પડે છે.’

‘પૂર્વે નળ સાથે દમયંતી વનવન ભટકતી હતી, સાવિત્રી સત્યવાનની સાથે લાકડાં કાપવા જતી હતી, વીસમી સદીના ઉત્તરાર્ધમાં ઉર્વશી નામની સાધ્વી સતી મુંબઈ નગરીને વિશે ફાગણના મધ્યાહ્ન સમયે રાજમાર્ગ પર એના પ્રિયતમ અનંગની સાથે ભ્રમણ કરતી હતી.’

‘બસ પ્રિયતમ અનંગ, બસ.’ ને હસવાથી ઉર્વશીનું મોં રાતુંચોળ થઈ ગયું, પછી બોલી: ‘અનંગ, આજે મારે જલદી પાછા ફરવાનું છે, હં.’

અનંગ બોલ્યો: ‘આ સમયની ઝૂકેલી કમાન નીચે આપણા જેવા યુગલના દર્શનનો લાભ આકાશમાંના દેવોને પણ કદીક જ મળે છે. કાંઈ નહીં તો એમને ખાતર…’

(આ વખતે તો અનંગ ભારે મુશ્કેલીએ પોતાના પગ ઉપર સ્થિર ઊભો રહી શક્યો. તપાવેલા લાલચોળ સળિયાના જેવું દર્દ એની અંદર શારડીની જેમ આંટા લેતું હતું. એના આંટા ધીમે ધીમે ઊંડે ને ઊંડે ખૂંપતા હતા. આંટાની ભીંસમાં એ કચડાતો જતો હતો. અંધારી ગુફામાં જેમ કૃષ્ણ કાલયવનને શોધવા દોડેલા તેમ એ પોતાના શરીરને ખૂણે ખૂણે દર્દનો પીછો પકડીને ભટકવા માંડ્યો. એના શ્વાસનો લય બદલાવા લાગ્યો. એને સંભાળી લેવાને માટે શું કરવું તેની વિમાસણમાં એ પડ્યો. એ દર્દને ફોસલાવીપટાવીને કાબૂમાં રાખી શકાય એમ રહ્યું નહોતું. દર્દમાંથી સ્રવ્યે જતા કશાક કાળા દ્રવથી એ હવે તો લદબદ થઈ ગયો હતો, એ ક્યાંક નીચે ને નીચે ખૂંપ્યે જતો હતો. એને બાઝી રહેવાને કશોક આધાર જોઈતો હતો… ને એણે આજુબાજુ નજર કરી… ઉર્વશીનો ખભો…)

ઉર્વશી બોલી: ‘જા રે લુચ્ચા, દેવલોકોના લાભાર્થે કાંઈ હું બળતી બપોરે દોડી આવી નથી.’

‘ઉરુ, સાંભળ એક વાત કહું.’

‘રાજારાણીની?’

‘ના.’

‘તો?’

‘પણ સાંભળ તો ખરી.’

(એણે પાસેનો લાઇટનો થાંભલો ઝાલી લીધો. પેલા કાળા દ્રવના પેટાળમાં એ ઊંડે ને ઊંડે ઘસડાતો ચાલ્યો. હવે જો કોઈ આધાર એ નહીં શોધી લે તો ઊગરવાનો આરો નહોતો. સૂરજના તાપમાં સરિયામ રસ્તા ઉપર ઉર્વશીને ખભે એ હાથ શી રીતે મૂકે? એણે ઉર્વશીના મનને એ ઘટનાને અનુકૂળ કરવા માટે કાલિદાસને સંભાર્યો, અમરુને સંભાર્યો…)

‘બોલ જોઉં.’

‘એક જુવાન, ભારે રસિક. રૂપાળો, કોડામણો…’

‘બસ, વિશેષણ બેથી વધારે વાપરવાની મના છે. હં, પછી?’

‘ઘણી સ્ત્રીઓ એની પાછળ ગાંડી બને.’

‘બિચારો ભારે મુશ્કેલીમાં આવી પડ્યો હશે, નહીં?’

‘અરે, મુશ્કેલી તે કાંઈ જેવી તેવી? એક વાર એ એની સૌથી વહાલી પ્રેયસીને વિશ્રમ્ભે મળવા જતો હતો. ત્યાં એણે એની સૌથી વહાલી પ્રેયસીને એનાથી સહેજ ઓછી વહાલી સખી સાથે બેઠેલી જોઈ.’

‘પછી? પેલી બંને સ્ત્રીઓએ મારામારી શરૂ કરી એવું મહેરબાની કરીને ન કહીશ.’

‘વાર્તા મને કહેવા દે ને!’

‘વારુ, પછી?’

‘એ વિચારમાં પડ્યો. ખુલ્લી રીતે પક્ષપાત તો બતાવી શકાય નહીં ને જો ન બતાવે તો આફત. તો સૌથી વહાલીને એમ લાગે કે એ એને બીજી બધી સ્ત્રીના જેવી જ ગણે છે.’

‘આફત તો ભારે કહેવાય!’

‘પણ એ ભારે ચતુર. રસિકો હંમેશાં ચતુર હોય છે.’

‘તારી જેમ?’

‘એટલે એણે તો પાછળથી જઈને જ ઓછી વહાલી હતી તેની આંખો હાથ વડે દબાવી દીધી ને જે સૌથી વહાલી હતી તેને આંખને અણસારે પાસે બોલાવીને ચૂમી લીધી.’

‘એ તારો રસિક ભારે ઉસ્તાદ એમાં ના નહીં.’ ને એ હસી પડી.

પછી અનંગે કહ્યું: ‘ઉરુ, તો ધાર કે આખી આ દુનિયા, આ બળબળતો રસ્તો, આ માણસો – તારા સિવાયનું બધું જ જાણે કે પેલી જરા ઓછી વહાલી એવી સખી છે, એની હું આંખ દાબી દઉં છું ને તું…’

‘તારી સૌથી વહાલી સખી.’ ઉર્વશીની આંખો નાચી ઊઠી.

‘તો હું આંખનો અણસારો કરું છું, જોજે હં, તું પાસે આવે છે, આ તારો સુડોળ ખભો, એના ઉપર મારો હાથ, મારા લોહીની ભરતીની છોળ તારા લોહીની ભરતીની સાથે અથડાય છે…’

(એણે દર્દની ભીંસમાં અધમૂઈ થઈને પડેલી જાતનો બધો ભાર એ નાજુક ખભા પર જાણે ઢાળી દીધો. ત્યાં સ્થિર થઈને એ જુગ જુગ સુધી ટકી રહેશે એવી આશાનો એના ચિત્તમાં ઉદય થયો. એ આશાથી એના મુખ પર સહેજ સ્મિત ચમકી ગયું ને ત્યાં…)

અનંગના અણધાર્યા સ્પર્શથી, એ સ્પર્શના દાબથી, અણધાર્યા સુખના આક્રમણથી ભીરુ ઉર્વશી ચમકી ઊઠી, ચમકીને આજુબાજુ જોઈ રહી. ત્યાં દૂરથી એનાં માસી આવતાં દેખાયાં ને એ સફાળી અનંગનો હાથ તરછોડીને બોલી ઊઠી: ‘નાસ અનંગ, આવતી કાલે આ જ જગ્યાએ રાહ જોજે, માસી આવે છે સામેથી, સાક્ષાત્ માસી!’

અનંગ સ્થિરતા સાચવવા મથી રહ્યો. બધું ચક્કર ચક્કર ભમવા લાગ્યું. એ ભમતી દુનિયામાં ઉર્વશીને એની માસી સાથે જતી એ જોઈ રહ્યો. પાસેથી જતી ટૅક્સીને ઊભી રાખી એણે એમાં દેહને ગોઠવ્યો. અંદર છંછેડાઈને ફેણ માંડી ઊઠેલું દર્દ સહેજ ધીમું પડ્યું ને પાછળ ધોળા ટપકા જેવી દેખાતી ઉર્વશીને મૂકીને એ મૃગજળની છોળમાં આગળ ચાલ્યો.