ગૃહપ્રવેશ/‘વારતા કહો ને!’

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


‘વારતા કહો ને!’

સુરેશ જોષી

એ સુન્દરી નથી, સ્ત્રી છે – આશરે એકવીસની હશે. મેં એને પાસેથી કે ધારીધારીને આ પહેલાં જોઈ નથી. આજે મેં એને પહેલી વાર પાસેથી જોઈ – મારે જોવી પડી. રુવાંટીથી ભરેલું સાંકડું કોડિયા જેવું કપાળ, ઝીણી આંખો, નાના હોઠ, નાકના ટેરવા પરનો મસો, સાધારણ પુષ્ટ કહેવાય એવું શરીર; ટૂંકમાં, આંખને આશ્વાસન મળે એવું પણ કશું એનામાં નહીં. હા, એક વસ્તુ વર્ણવવી ભૂલી ગયો એનું બાઘાઈભર્યું હાસ્ય! કોણ જાણે કેમ એ હાસ્ય જોઈને એક સાથે રોષ અને કરુણાની લાગણી થાય છે. ગુસ્સે થવા જઈએ પણ તરત જ દયા આવે. થાય કે જવા દો, બિચારી –

પુષ્પા એક જગ્યાએ ભાગવતની સપ્તાહ બેઠી હતી ત્યાં ગઈ હતી. હું પણ આમ તો જગમોહનને ત્યાં પત્તાં ટીચવા જવાનો હતો. પણ ઓફિસમાં મોડું થઈ ગયું ને ઘરે આવ્યા પછી આળસ ચઢી. પુષ્પા મોડેથી આવવાની હતી. હું રેડિયો પર કોઈના દુ:ખી સંસારનું હૃદયદ્રાવક નાટક સાંભળી રહ્યો હતો. ત્યાં એ આવી.

‘ઇન્દુભાઈ, ઓ ઇન્દુભાઈ, છો કે ઘરમાં?’

‘કોણ?’

‘એ તો હું, ચંપા, આવું કે?’

હું બારણું ખોલવા ઊઠયો. બારણાં આગળ એ થોડી વાર એના પેલા બાઘાઈભર્યા હાસ્ય સાથે મારા તરફ જોતી ઊભી જ રહી. હું જરા અકળાયો, એને ત્યાં જ ઊભી રહેવા દઈને હું મારી જગ્યાએ જઈને બેઠો, મારી પાછળ જ આવીને એ હાથમાં ચાવી રમાડતી ઊભી રહી ગઈ. થોડી વાર રહીને રેડિયો પાસે પહેલું ‘લિસનર’ ઉઠાવીને પાનાં ફેરવ્યાં, પછી એ પાછું મૂકી દીધું. આમતેમ નજર ફેરવીને ફોટાઓ જોવા લાગી, પછી અંદરના ઓરડામાં ગઈ. હું મારી જગ્યાએથી ખસ્યો નહીં. દસેક મિનિટ થઈ ગઈ. તોય એ બહાર નીકળી નહીં એટલે હું ચોરપગલે બારણાં આગળ ગયો. પડદો સહેજ અળગો કરીને મેં જોયું તો એ ઘીની બરણી ઉઘાડીને ચાંગળે ચાંગળે ઘી ખાતી હતી! મને ગુસ્સો ચઢ્યો. એક ઝટકા સાથે પડદો ખસેડીને હું અંદર ગયો ને ત્રાડ પાડી:’ચંપા!’ એ સહેજ ચમકી. પછી એણે મારી સામે જોયું – એ જ બાઘાઈભર્યું હાસ્ય! હજુ એ ઘીથી ખરડાયેલી આંગળી ચાટી રહી હતી. મારી આંખમાં ગુસ્સો જોઈને એણે ઘીની બરણી બંધ કરી. પછી ઊભી થઈ ને કદાચ જાણીકરીને મને સહેજ ઘસાઈને બહાર નીકળી ગઈ. મેં નળ ખૂલવાનો અવાજ સાંભળ્યો. એણે હાથ ધોયા, લૂછ્યા. રેડિયો આગળની મારી આરામખુરશી પર એ જઈને બેસી ગઈ – કેમ જાણે કશું બન્યું જ નથી!

એણે મુંબઈ ખસેડીને સિલોન મૂક્યું. કોઈ ફિલ્મી ગાનારી ‘મત મારો નજરિયાં બાલમા’ તીણે અવાજે ગાઈ રહી હતી. એણે મારા તરફ જોયું. એની આંખમાં તોફાન હતું. એણે એમાંથી ઇશારો કર્યો ને ફરી હસતી હસતી મારા ભણી તાકી રહી. એ જ બાઘાઈભર્યું હાસ્ય!

હું એનાથી થોડે દૂર ખુરશી પર જઈને બેઠો. થોડી વાર સુધી એ કશું બોલી નહીં. પેલી ગાનારીનો તીણો અવાજ અમારી વચ્ચે ઘૂમી રહ્યો. હું મૂંઝાયો. એ મારી મૂંઝવણ જોઈને દુષ્ટતાભર્યું હસી. સહેજ આંખો ઊંચી કરીને એણે મારી સામે જોયું. જાણે ઘરમાં કોઈ બીજું છે જ નહીં, પોતે જ ઘરની સ્વામિની છે એવા ભાવ સાથે એ હાથમાં ચાવી રમાડતી રેડિયો સાંભળતી બેસી રહી. હું અકળાયો, ઊભો થયો, બારી આગળ ગયો ને મેં સિગારેટ સળગાવી.

ત્યાં એ એકાએક બોલી ઊઠી: ‘ઇન્દુભાઈ, તમે જાણ્યું કે?’

મેં એના તરફ ફરીને પૂછ્યું: ‘શું?’

‘તમને પુષ્પાબહેને નથી કહ્યું?’

મેં અકળાઈને પૂછ્યું: ‘વાત નહીં, વાતનો પાયો નહીં, મને શી રીતે સમજ પડે?’

‘ઓહો, તમે તો જાણે કશું જાણતા જ નથી! સાચું કહો, પુષ્પાબહેને તમને ખરેખર નથી કહ્યું?’

મેં માત્ર નકારમાં માથું ધુણાવ્યું.

પછી એ બોલી: ‘પેલા મનહરભાઈને તો તમે ઓળખો છો ને?’

મેં કહ્યું: ‘કયા મનહરભાઈ?’

‘પેલા દાક્તરી ભણે છે તે વળી! અમારે ત્યાં ઘણુંખરું આવે જાય છે ને તે.’

‘હં, તેનું શું છે?’

‘એમની સાથે હું વચમાં એક દિવસ દવાખાને ગઈ હતી.’ આટલું કહીને એ અર્થસૂચક દૃષ્ટિએ થોડી વાર મારી સામે જોઈ રહી. પછી વળી એનું બાઘાઈભર્યું હાસ્ય મોઢા પર પથરાઈ ગયું. કૃત્રિમ રોષ લાવીને છણકો કરતી એ બોલી: ‘જાવ જાવ, તમે તો જાણે કશું સમજતા જ નથી, નાના કીકલા જેવા કેમ બની જાવ છો?’

હું કશું બોલ્યો નહીં.

પછી એ બોલી: ‘દાક્તરે શું કહ્યું તે જાણો છો?’

મેં કહ્યું: ‘શું? શાને વિશે?’

એ ઊઠી, મારી પાસે આવી, છેક કાન આગળ મોઢું લાવીને બોલી: ‘દાક્તરે કહ્યું કે મારામાં કશો વાંધો નથી. એમનામાં જ કશો વાંધો હોવો જોઈએ.’ આ એને મન ચોંકાવનારી હકીકતની મારા પર શી અસર થાય છે તે થોડી વાર જોઈ રહી. પછી જરા ગુસ્સે થઈને બોલી: ‘આમ બાઘાની જેમ મારી સામે શું તાકી રહ્યા છો?’

હું કશોક ગુનો કરી બેઠો હોઉં તેમ છોભીલો પડી ગયો.

‘તો તમે જાણ્યું ને હવે તો? મારામાં કશો વાંધો નથી, હું છોકરાની મા બની શકું એમ છું.’ ને એ હસતી હસતી મારી સામે જોઈ રહી. પછી બોલી: ‘પણ – પણ એ કદી બાપ બની શકશે કે કેમ કોણ જાણે!’ આટલું કહીને એ જોરથી હસી પડી, હસતાં હસતાં બેવડ વળી ગઈ. એની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એના લૂગડાના છેડાથી એને લૂછવા લાગી. ને એણે જાણે કશી ખબર જ નથી એવા ભાવથી એણે છાતી પરથી લૂગડાનો છેડો નીચે સરી જવા દીધો. એની આ ધૃષ્ટતાથી સંકોચ પામીને મારે નજર નીચી કરી દેવી પડી.

એણે તીખા વ્યંગ સાથે હસતાં હસતાં હહ્યું: ‘ઇન્દુભાઈ, હવે નાટક જવા દો, જરા ઊંચું જુઓ. અમેય દુનિયામાં આંખ ઉઘાડી રાખીને ફરીએ છીએ, હોં કે! તે સાંજે તમે ગિરગામ આગળની પેલી મારવાડીની દુકાન પાસે પંજાબણ બાઈ સાથે શી વાતો કરતા હતા તે શું હું નથી જાણતી?’ આટલું બોલીને તોફાની બાળકને જેર કર્યા પછી એને શિક્ષા કરતાં પહેલાં મા એના તરફ જેવી રીતે જોઈ રહે તેવી રીતે એ મારા તરફ જોઈ રહી. મારે એને શું કહેવું તે થોડી વાર સુધી તો મને સૂઝ્યું જ નહીં. પછી શબ્દો એકઠા કરીને જરા ગુસ્સે થઈને હું બોલ્યો: ‘કઈ પંજાબી સ્ત્રી? ગિરગામ આગળ? ક્યારે? ચંપા, તું શું બકે છે તેનું તને ભાન છે ખરું કે?’

એણે કહ્યું: ‘હા, બરાબર ભાન છે.’ ને એ ખુરશી પરથી ઊઠીને આયના આગળ જઈને ઊભી રહી. મોઢે પાવડરના લપેડા ર્ક્યા, વાળની લટ કપાળ પર સિનેમાની નટીઓ રાખે છે તેવી રીતે ગોઠવી. પછી એકાએક મારા તરફ ફરીને બોલી: ‘બોલો, હવે કેવી લાગું છું? પેલી પંજાબણ જેવી તો નહીં જ. ખરું ને?’

મારો મિજાજ હાથ ન રહ્યો. મેં પાગલની જેમ એના તરફ ધસી જઈને એના ગાલ પર એક તમાચો ખેંચી કાઢ્યો. ઘડી વાર એ ડઘાઈ જઈને પૂતળીની જેમ ઊભી રહી ગઈ. પછી એ હસવા લાગી – એ જ બાઘાઈભર્યું હાસ્ય, લોહીની પાતળી સેરથી રંગાયેલું! હસતી આંખોમાં આટલી કરુણતા મેં કદી જોઈ નથી. અનાથ બાળકની જેમ એ બે આંખો હજાર હાથ પસારીને જાણે કશોક આધાર શોધી રહી હતી. મારાથી એ બે આંખો ન જીરવી શકાઈ. નાના બાળકને શિક્ષા કર્યા પછી મનાવી લેતા હોઈએ તેમ મેં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. એનો વાંસો થાબડ્યો નીચું જોઈ રહી. કદાચ એની આંખમાં આંસુ હતાં. હું તેને જોઈ રહ્યો હતો; સાવ અણસમજુ નાના બાળક જેવી – એની થોડી વાર પહેલાંની ઘી ચાટતી છબિ મને યાદ આવી. ત્યાં એનો હાથ આવીને મારા હાથને વળગ્યો. એ હાથના સ્પર્શમાં નિરાધારતા હતી, એ મારા હાથને ખેંચતો હતો, મરણિયો બનીને ખેંચતો હતો. મારો હાથ પરાણે ખેંચાતો હતો. એ હાથ એની ધબકતી છાતી આગળ જઈને થોભ્યો. એની નીચે એના સુપુષ્ટ સ્તનનો અગ્રભાગ દબાઈ ગયો. મને એકાએક ભાન આવ્યું. હું ચોંક્યો. એકદમ ચાર ડગલાં દૂર ખસી જઈને ગુસ્સે થઈને બોલ્યો: ‘ચંપા, હમણાં ને હમણાં ઘરની બહાર નીકળી જા જોઉં! તું ભાનમાં નથી.’

‘હું ભાનમાં નથી? હું ખાસ્સી ભાનમાં છું. તમારે ખાતરી કરવી છે?’ એમ કહીને એને લગભગ દોડી જઈને બારણું વાસી દીધું ને પછી મારી સામે આવીને ઊભી રહી. ધીમે ધીમે ચોળીનાં બટન ખોલવા લાગી, ખોલતી ખોલતી કહેવા લાગી: ‘બોલો હવે, હવે, હવે બૂમબરાડા પાડશો? શું કરશો? પુષ્પાબહેનને આવવા દો.’

હું ગભરાયો. ગભરાટમાં પણ સમજી ગયો કે આ પરિસ્થિતિમાં કળથી કામ લેવા જેવું છે. તેણે બધાં બટન ખોલી નાંખ્યાં ને તિરસ્કારથી ચોળી મારા તરફ ફેંકી. ખુલ્લાં થયેલાં સ્તન પાંજરું ખોલી દેતાં સસલાં બહાર કૂદી પડે તેમ જાણે લગભગ મારા અંગ પર કૂદી પડ્યાં. એ જોઈને એ એકદમ શરમાઈ ગઈ ને મારી સામે પીઠ કરીને ઊભી રહી.

હું હાલ્યોચાલ્યો નહીં. મને દયા આવી. એ સ્થિતિમાં એને જોતાં મારું હૃદય હચમચી ઊઠ્યું. ચિત્તમાંની બધી આર્દ્રતા એકઠી કરીને હું બોલ્યો: ‘ચંપા!’ એ આર્દ્રતાના સ્પર્શે એ ભાંગી પડી. ધ્રૂસકે ને ધ્રૂસકે રડી પડી. ઢગલો થઈને મારી આગળ પડી. એના હોઠ ધ્રૂજતા હતા, એ કાંઈક બોલવા જતી હતી. મેં એનું માથું ખોળામાં લીધું. ને મને યાદ આવ્યું: મારી પાંચ વરસ પહેલાં ગુજરી ગયેલી દીકરી એક દિવસ મા સાથે ઝઘડો કરીને રૂસણું લઈને આમ જ આંસુભરી આંખે મારા ખોળામાં આશ્રય લેવા આવી હતી. એને થાબડીપંપાળીને હું પરીલોકમાં લઈ ગયો હતો. એ પરીઓના દેશમાં ચાંદીના સાગર હતા, સોનાના પર્વતો હતા, રસ્તા પર હીરામાણેક વીખરાયલાં હતાં. હું ને મારી દીકરી – અમે બંને પરીઓના દેશમાં તે દિવસે ખૂબ દૂર દૂર નીકળી ગયાં હતાં. અમને કોઈ રોકનાર નહોતું. આજે તો એ પરીલોકમાં પરી બનીને ચાલી ગઈ છે. સાત સમુદ્ર પાર કરીને કોઈ રાજકુમાર એક દિવસ એકાએક આવી ચઢ્યો ને તેનું હરણ કરી ગયો. સ્ફટિકના મહેલમાં હવે એ હંસને મોતીનો ચારો ચરાવતી બેઠી હશે…

અમારા આ સૂના ઘરમાં વરસો પહેલાં કહેલી પરીની વાર્તા, સાંભળનારનો હોંકારો, એના પડઘા આજે ફરી મને સંભળાવા લાગ્યાં. આ બીજી નારી – દીકરીની જેમ મારા ખોળામાં આવી પડી છે. એને ખોળાનો ખૂંદનારો જોઈએ છે. આંગળી પકડીને એને જો પરીલોકમાં દોરી લઈ જઈ શકું ને ત્યાંથી કામદેવને પણ રૂપમાં ઝાંખો પાડે એવો દીકરો કે રૂપરૂપના અંબાર જેવી દીકરી એને અપાવી શકું…

મેં એના વાંસામાં વહાલથી ધબ્બો મારીને કહ્યું: ‘ઊઠ ગાંડી! જો તને એક ખૂબ મજાની વાત કહું છું.’ ને એ બેઠી થઈ. નાના બાળકને નવડાવીને મા કપડાં પહેરાવે તેમ મેં એને ચોળી પહેરાવી, એનાં બટન બીડ્યાં. અંદરથી લાવીને બે પેંડા એના મોઢામાં ઠાંસી દીધા. એ બોલવા જતી હતી પણ મેં આયનામાં એના ગાલનાં ફૂલેલાં ગલોફાં બતાવ્યાં ને એ હસી પડી. એ હાસ્યમાંથી આંસુની ભીનાશ હજુ ગઈ નહોતી. બોલવાની અનુકૂળતા થતાં એણે કહ્યું: ‘પણ વારતા કહો ને!’

ને એ વિસ્ફારિત આંખે વાર્તા સાંભળવા મારી સામે બેસી ગઈ. એની ઉત્કણ્ઠા, શિશુસહજ નિર્દોષતા જોઈને મારું હૃદય ભરાઈ આવ્યું. પાંચ વરસ પહેલાં કહેલી પરીની વાર્તાના પડઘા કાનમાં ગુંજવા લાગ્યા, સામે બેઠેલી દીકરીના હૃદયને ધરપત થાય એવી વાર્તા મેં હૃદયનાં ઊંડાણમાં જઈને શોધવા માંડી. કશું હાથ આવતું નહોતું. હોઠે શબ્દો આવવાને બદલે આંખમાં આંસુ ઊભરાતાં હતાં. મારી આ દશા જોઈને મૂંઝાઈ. મારી વેદનાને જાણવા મથતી હોય તેમ એ માની જેમ મને શી રીતે આશ્વાસન આપવું તેના વિચારમાં પડી ગઈ. એમાંથી એકાએક જાગી ઊઠીને એ મારી સાત વરસની રેણુની જેમ બોલી ઊઠી:

‘વારતા કહો ને, ઇન્દુભાઈ!’

મનીષા 12/1955