ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/પ્રકીર્ણ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પ્રકીર્ણ

જે નોંધપાત્ર પુસ્તકો આગળના કોઈ વિભાગમાં સમાઈ શક્યાં નથી. તેની ગણના કરવા માટે આ નવો વિભાગ પાડવો પડ્યો છે. એવાં પુસ્તકો નીચે મુજબ : ‘આત્મનિરીક્ષણ અને સંકલ્પ' : શ્રી. રમણલાલ દેસાઈના દેશપ્રેમી લાગણીશીલ મનને આજુબાજુ નજર કરતાં વ્યક્તિગત આચારો સામાજિક કે રાજકીય જીવનને કલુષિત બનાવી રહ્યાનું જે જણાયું તેનું વિશાદમય ચિંતન તેમણે આ પુસ્તકમાં ઠાલવ્યું છે. 'આપની સેવામાં' : કલાશૉખીન અને ગુલાબી સ્વભાવવાળા શ્રી. જિતુભાઈ પ્ર. મહેતાના ફક્કડ શૈલીમાં લખાયેલા મનનપ્રેરક નિબંધિકા જેવા લઘુ લેખો છે. પુસ્તકની મોહકતા વિચારો અને દૃષ્ટિમાં છે તેટલી જ તેની નખરાળી શૈલીમાં પણ છે. 'જીવનની કલા' : શ્રી જિતુભાઈ મહેતાના જેવા જ ઉદ્દેશથી પ્રેરાઈને આરોગ્ય, માનસિક સ્વસ્થતા અને જીવનની સફળતા માટે વ્યવહારુ માર્ગદર્શન શ્રી. રવિશંકર મહેતાએ એમાં કરાવ્યું છે. 'નિત્યનો આચાર' : પ્રાતઃકાળથો આરંભી દૈનંદિની જીવનચર્યા તેમજ શોભા, અલંકાર અને જાહેરમાં વર્તાવ સંબંધી વિધિનિષેધાત્મક વ્યવહારુ સૂચનાઓ શ્રી. રામનારાયણ વિ. પાઠકે તેમાં સૌને માટે રજૂ કરી છે. ‘સ્ત્રીપુરુષમર્યાદા' : બ્રહ્મચર્ય, સહશિક્ષણ, સ્ત્રીપુરુષસંબંધ, વિજાતિનો સ્પર્શ, કામવિચાર અને લગ્ન જેવી વ્યક્તિ તેમજ સમાજનાં શરીર, મન અને ચારિત્ર્ય ઉપર જબરી અસર કરતી બાબતોને શ્રી. કિશોરલાલ મશરૂવાળાએ નીતિશુદ્ધ (Puritan) દૃષ્ટિકોણથી એમાં ચર્ચી છે. 'વૃત્તવિવેચન': વૃત્તવિવેચનની શાસ્ત્રીય તથા દેશદેશમાં થયેલા તેના વિકાસની માહિતી આપતું રા. રમેશનાથ ગૌતમનું આ પુસ્તક એ વિષય પર લખાયેલું પહેલું જ પુસ્તક છે. પત્રકાર બનવાના આરંભ કરનારને તે ઉપયોગી છે. 'વક્તા કેમ થવાય?' : રા. સતીશચંદ્ર દેસાઈનું વતૃત્વકળા સંબંધી પહેલું જ પુસ્તક છે. લેખકે ડેઈલ કાર્નેગીના ‘પબ્લિક સ્પીકિંગ' નામના પુસ્તકમાંથી પ્રેરણા મેળવીને તે લખ્યું છે. 'હાથની ભાષા' : રા. મણિલાલ ભૂ. પટેલ અને જ્યોતિષી કૃષ્ણશંકર કે. રૈકવે લખેલું આ ૫૧૨ પાનાંનું પુસ્તક હસ્તરેખા, અંકશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર સંબંધી પુષ્કળ માહિતી આપે છે. એવું જ બીજું પુસ્તક ‘મ્હારું ભવિષ્ય' શ્રી. મણિલાલ પંડ્યાએ પ્રગટ કર્યું છે. 'શહેરની શેરી' : શ્રી. જયંતી દલાલના આ જુદી જ ઢબના પુસ્તકમાં શહેરની પોળો અને શેરીઓમાં બનતા વાસ્તવિક પ્રસંગો તેમજ તેના પ્રતિનિધરૂપ વિવિધ વ્યક્તિઓનાં તાદશ અને ચટકદાર ચિત્રો રજૂ થયાં છે. ગુજરાતી જનસ્વભાવનાં વિવિધ પાસાંઓ અને શેરીના જીવનના સ્થિર અંશો એમાં યથાર્થપણે ઝિલાયાં છે. 'ગાંધી સાહિત્ય સૂચિ' : શ્રી. પાંડુરંગ દેશપાંડેએ યોજેલ આ પુસ્તકમાં ગાંધીજીરચિત તથા એમના જીવન, કાર્ય અને તત્ત્વજ્ઞાન સંબંધી રચાયેલાં પુસ્તકો ઉપરાંત એમનું વ્યક્તિત્વ સમજવામાં દ્યોતક બને એવાં ટૉલ્સ્ટૉય, રસ્કિન, થૉરો, શ્રીમદ્ રાજચંદ્ર વગેરે લેખકૉનાં મળીને કુલ ૨૮૦૦ પુસ્તકોની યાદી આપવામાં આવી છે, જે ગાંધીસાહિત્યની સંદર્ભસૂચિ તરીકે અત્યંત ઉપયોગી છે. 'પરકમ્મા': સોરઠી લોકસાહિત્યના સંપાદક અને રસવિવેચક તરીકે મેઘાણીનું ઘડતર કેવી રીતે થયું તેની ઇતિહાસકથા અને લોકસાહિત્યની શોધનકથા રૂપે સ્વ. મેઘાણી તરફથી આ પુસ્તક મળ્યું છે. એમાં ટાંચણો વાર્તાપ્રસંગોના અણવપરાયેલા છૂટાછવાયા ટુકડાઓ, દુહાઓ અને ભાષાપ્રયોગોની ગોઠવણી કુશલતાથી કરવામાં આવી છે. લેખકની રસાળ શૈલી અને કલાપારખુ દૃષ્ટિ વિના આમ ભાગ્યે જ બની શક્યું હોત. 'લેખલહરી' : શ્રી. સરલાબહેન સુ. શાહના આ પુસ્તકમાં જૈન દૃષ્ટિથી સંસારના પ્રશ્નો છેડાયેલા છે. એમણે એમાં કરેલાં નિરાકરણોમાં સંકુચિત સાંપ્રદાયિકતા નથી. ‘મહાકવિ ચંદ અને પૃથ્વીરાજ રાસો'માં પંડિત ગોવર્ધન શર્માએ રાસની ઐતિહાસિકતા સિદ્ધ કરવાને શ્રમ લીધો છે.