ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૧૦મું/હાસ્યસાહિત્ય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
હાસ્યસાહિત્ય

નિબંધિકા

બીજા પ્રાંતોની સરખામણીમાં ઊભો રહી શકે તેટલો હાસ્યરસિક સાહિત્યનો ફાલ આ દાયકે આપણે ત્યાં ઊતર્યો છે. દંશહીન, કટાક્ષથી મુક્ત એવા નિર્દોષ હાસ્યની શરૂઆત આગલા દાયકાથી થઈ છે, જેમાં શ્રી. જ્યોતીન્દ્ર દવે, શ્રી. ધનસુખલાલ મહેતા તથા કાકા કાલેલકરનો ફાળો મોટો છે. અગાઉના વખતમાં પાત્ર કે પ્રસંગને અનુલક્ષીને વિનેાદ કરવામાં આવતે અને તેમાં અમુક વ્યક્તિને કે વર્ગને લક્ષ્ય બનાવવામાં આવતો. હવે હાસ્ય વૃત્તિનિષ્ઠ બન્યું છે, અર્થાત્ એનું સ્વરૂપ વિશાળ બન્યું છે. મનુષ્યને ઉતારી પાડ્યા વિના, તેના પ્રત્યે સહાનુભૂતિ બતાવીને આધુનિક હાસ્યકાર તેની વૃત્તિનો જ દોષ બતાવે છે. આમ થતાં હાસ્યમાંથી અતિશયોકિતનું તત્ત્વ ઘણે અંશે નાબૂદ થવા લાગ્યું છે. કૃત્રિમતા કે અસ્વાભાવિકતા પણ એમાંથી ઓસરવા લાગી છે અને શુદ્ધ જીવનલક્ષી હાસ્યનો ઉદ્ભવ થયો છે. શ્રી જ્યોતીન્દ્ર અને કાકાસાહેબનાં લખાણોમાં આ શુદ્ધ જીવનલક્ષી હાસ્યતત્ત્વ મોટા પ્રમાણમાં માલૂમ પડે છે. એમની રસિક ચાટૂક્તિઓ અને વિનેાદપ્રધાન પ્રસંગો વાંચતાં આપણને તે સંભવિત લાગશે એટલું જ નહિ, આપણા સ્વાભાવિક વર્તનમાંથી કે રોજિંદા જીવનમાંથી જ એ પ્રસંગ ઉપાડ્યા હોય એમ જણાશે. નિખાલસ અને વિશાળ માનવભાવથી ભરપૂર આવું અહિંસક વિનોદનું તત્ત્વ આ દાયકે એકંદરે સારા પ્રમાણમાં જોવા મળે છે, તેથી કહી શકાય કે આપણે ત્યાં હાસ્યલેખનનું ધોરણ ઉત્તરેત્તર ઊંચું ચડતું જાય છે. હાસ્યરસિક કવિતા તથા નવલકથા વિશે તે તે વિભાગોમાં કહેવાઈ ગયું છે તેથી હવે વિનોદલક્ષી નિબંધસાહિત્યની જ સમીક્ષા અત્ર લક્ષ્ય છે. ગયા દાયકાના જાણીતા હાસ્યલેખકો ધનસુખલાલ, રામનારાયણ, ગગનવિહારી મહેતા, ઓલિયા જોષી, જાગીરદાર, જદુરાય ખંધેડિયા. પ્રૉ. દૂરકાળ આદિની કૃતિઓ આ દાયકે આપણને મળી નથી, પણ જ્યોતીન્દ્ર, મસ્તફકીર, નવલરામ ત્રિવેદી, વિજયરાય, બેકાર આદિએ પોતાનો ફાળો આ દાયકે એ વિભાગમાં ઠીક નોંધાવ્યો છે. મૂળરાજ અંજારિયા, મુનિકુમાર ભટ્ટ, ચિનુભાઈ પટવા, નકીર, વર્મા-પરમાર, અગ્નિકુમાર વગેરે નવા લેખકો પણ તેમાં સામેલ થયા છે. એ સૌમાં હાસ્યના ધુરંધર લેખક જ્યોતીન્દ્ર દવે છે. એમણે 'રંગતરંગ' ભાગ ૨-૩-૪, 'પાનનાં બીડાં', 'અલ્પાત્માનું આત્મપુરાણ’ અને ‘બીરબલ અને બીજા' મળીને કુલ છ પુસ્તકો આપ્યાં છે. પ્રથમ પાંચ મૌલિક છે, છઠ્ઠું સંપાદન છે. એ પાંચેમાં 'રંગતરંગ'નો ચોથો ભાગ મુંબઈ વિષયક હાસ્યસામગ્રીથી ભરપૂર છે અને બાકીના ચારેમાં’સાચા ધર્મ'થી માંડીને 'ગર્દભ' સુધીના, ‘જીભ’થી માંડીને ‘માંદગી’ સુધીના ને ચૂંટણી’થી માંડીને 'હું'ના જગદ્દ્વ્યાપી પ્રસ્તાર સુધીના ભિન્ન ભિન્ન કોટિના વિષયો લેખકની રમુજના વિષય બન્યા છે. જ્યોતીન્દ્રના લેખો નિબંધાકારી છે અને મૌલિક અણીશુદ્ધ નિબંધિકાનું સ્વરૂપ કલાત્મકપણે જાળવી રાખે છે. એમની તર્કશાસ્ત્ર, સાહિત્ય, વેદાન્ત વગેરેની જાણકારી અને માનવસ્વભાવ તથા જગતમાં બન્યે જતી રોજિંદી ઘટનાઓનું વિશેષ જ્ઞાન તેમના હાસ્યને સૂક્ષ્મ સચોટ, સ્વાભાવિક ને મધુર બનાવે છે. પ્રચલિત માન્યતા કરતાં તેથી અવળીને જ પ્રમાણવું, વસ્તુમાં રહેલા હાસ્યાસ્પદ અંશને ઉપાડી તેનો અતિરેકથી વિનાદ કરેવો, એમ કરતાં જાણી જોઈને વિષયાંતર થવા દેવું, પોતાની જાતનો પણ વ્યાજસ્તુતિ વગેરે દ્વારા ઉપહાસ કરવો, ભવ્ય ગંભીર વિષયોનો મતોનો કે મનુષ્યના વૃત્તિવર્તનમાં રહેલી સામાન્ય નબળાઈનો મધુર વિનોદ કરવો એ શ્રી. જ્યોતીન્દ્રના હાસ્યની કેટલીક ખાસ તરી આવે તેવી ખાસિયતો છે. તેમનું હાસ્ય મર્મલક્ષી અને બુદ્ધિલક્ષી છે; તેમાં સ્થૂળ અને સૂક્ષ્મ બંને તત્ત્વો રહેલાં છે. સ્થૂળ સર્વને ખડખડાટ હસાવે છે તો સૂક્ષ્મ અધિકારીગમ્ય રહે છે. હાજરબુદ્ધિ, શબ્દપ્રભુત્વ અને ચતુરાઈમાં દીપતી નિસર્ગદત્ત હાસ્યશક્તિ તેમને સદાય વરેલી છે. હાસ્યની આટલી સમર્થ શક્તિ ગુજરાતના અન્ય કોઈ લેખકમાં હાલ જોવા નહિ મળતી હોવાથી આ દાયકાના શ્રેષ્ઠ હાસ્યકાર તરીકે શ્રી. જ્યોતીન્દ્ર સહેજે માન પામે છે. મસ્તફકીરે એક પુસ્તક 'મસ્તફકીરનાં હાસ્યરત્નો'ને નામે આ દાયકે આપ્યું છે, પણ તેમનાં શરૂઆતનાં પુસ્તકોમાં જે અનાયાસસિદ્ધ હાસ્ય જોવા મળે છે તે આ પુસ્તકમાં જણાતું નથી. તેમનાં લખાણનાં હેતુ અને યુક્તિ તેમાં ઉઘાડાં પડી જતાં હોવાથી તેમાંનું હાસ્ય ધારી અસર ઉપજાવતું નથી. રા. વિજયરાયની બાબતમાં એમ કહી શકાશે નહિ 'નાજુક સવારી'માં તેમણે જે શક્તિ બતાવી હતી તે ‘ઊડતાં પાન'માં ટકાવી રાખી છે. જો કે સંગ્રહની બધી નિબંધિકાઓ એકસરખી અગંભીર કે અસરકારક નથી, પણ લેખકના બહુધા આત્મલક્ષી નૈસર્ગિક વિનોદથી ઘણીખરી નિબંધિકાઓ રોચક અને હળવી બની છે. નિબંધિકામાં તેના લેખકના સક્ષ્મદર્શી વિનોદી વ્યક્તિત્વનું પ્રતિબિંબ ઝિલાવું જોઈએ એની પ્રતીતિ 'ઊડતાં પાન' કરાવે છે. એ વિનોદ જીવનલક્ષી હોવા કરતાં સાહિત્યલક્ષી વધુ છે; મર્માળો છે પણ આત્મલીન હોવાથી તે સર્વસ્પર્શી બનતો નથી. સ્વ. નવલરામકૃત ‘પરિહામ'નું લખાણ પણ નિબંધાકારી છે. તેમના આગલા સંગ્રહ ‘કેતકીનાં પુષ્પો’ની જેમ અહીં પણ કેળવણી, લગ્ન, સાહિત્ય, ધર્મ, રાજકારણ આદિ ક્ષેત્રોના વિવિધ પ્રશ્નો ઉપર કર્તાએ રમુજનો, ઉપહાસનો, કટાક્ષનો પાર્શ્વપ્રકાશ ફેંક્યો છે. એ બાબતમાં એમનું સ્થાન 'સ્વૈરવિહારી'ની સાથે ગણાશે. નવીન લેખકોમાં સૌથી આગળ તરી આવે છે બે-એક તો કવિ કાન્તના પુત્ર મુનિકુમાર અને બીજા તેમનાથી વધુ જાણીતા બનેલા મૂળરાજ અંજારિયા, મુનિકુમારના 'ઠંડે પહોરે'માં પાંચ સિવાયના બાકીના લેખો નિબંધિકાના સ્વરૂપના છે. એમાં રમુજી ટૂચકા છે, હાસ્યક્ષમ પ્રસંગો છે, શબ્દની રમતો છે અને કટાક્ષાત્મક લખાણો છે. પરંતુ તેમનું હાસ્ય આયાસસિદ્ધ અને સસ્તું છે. તેમાં સ્વાભાવિકતા અને લક્ષ્યવેધિત્વના ગુણ ઓછા છે. શ્રી. મૂળરાજ અંજારિયાના ‘ટૂંકું ને ટચ' અને 'લાકડાના લાડુ'માં નર્મ-મર્મયુક્ત ટૂચકાઓ અને કૌતુકપ્રેરક રમુજી વાતોનો સંગ્રહ મળે છે. જીવનના સર્વ પ્રદેશોમાંથી લેખકે હાસ્યપોષક વિગતો, માહિતીઓ અને ચતુરાઈભરી રમતો એકઠી કરી છે. તેમનું હાસ્ય એકધારું પ્રવાહી નથી. ક્યાંક તેનું નિશાન ખાલી જાય છે, ક્યાંક તે પ્રાકૃત બની જાય છે, ક્યાંક ઉછીનું લીધેલું લાગે છે તો ક્યાંક દંશદોષથી ખરડાય છે. તેમની શક્તિનો ખરો ક્યાસ તો તેઓ જ્યારે લાંબી નિબંધિકાઓ લખે ત્યારે જ નીકળે. એક ઉત્સાહી જુવાન હાસ્યકાર ‘નકીર'નું નામ આ દાયકે તેમણે આપેલા ચાર સંગ્રહો-'હાસ્યવિલ્લોલ’ ‘જીવનહાસ્ય,’ ‘અફલાતૂન ભેજાં' અને 'નવરાની નોંધ’ને લીધે ગણાવવું જોઈએ. એ ચારે સંગ્રહોમાં કેટલીક વાર્તાઓ છે. કેટલાક સ્કેચો છે અને કેટલાક લેખો છે. નકીરમાં હાસ્યક્ષમ પ્રસંગોને પારખવાની અને મનુષ્યસ્વભાવને અવલોકવાની દૃષ્ટિ છે; પણ તેમાંના મર્મને ખીલવવાની શક્તિ ઓછી જણાય છે. ચિનુભાઈ પટવાએ ‘નવોઢા'માં હાસ્યરસિક વાર્તાઓનો સંગ્રહ આપ્યો છે. આ લેખકમાં નિસર્ગદત્ત વિનોદશક્તિનાં બીજ દેખાય છે. તેમની હાસ્યદૃષ્ટિ વૃત્તિલક્ષી અને પ્રફુલ્લ છે. પ્રસંગના મર્મને તે સચોટતાથી ખીલવી જાણે છે. આ ઉપરાંત દૈનિક પત્રોમાં અઠવાડિયે એક વાર નાનામોટા બનાવો ઉપર કરેલાં કટાક્ષલખાણોના સંગ્રહ 'શાણો' નામધારી મેઘાણીએ ‘સાંબેલાના સૂર'માં, 'ફિલસૂફ’ તખલ્લુસધારી ચિનુભાઈ પટવાએ ‘પાનસોપારી'માં અને વર્મા-પરમારે ‘અમથી ડોશીની અવળવાણી'માં આપ્યા છે. તેમાંથી પહેલા ને છેલ્લામાં ટાઢી કટાક્ષકલાનું અને બીજામાં સૂક્ષ્મ હાસ્યવૃત્તિનું દર્શન થાય છે.