ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૯મું/પીરોઝશા જહાંગીર મરઝબાન (‘પીજામ')

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
પીરોઝશા જાહાંગીર મરઝબાન (પીજામ)

મર્હુમ પીરોઝશા જાહાંગીર મરઝબાન (પીજામ) પારસી દૈનિક પત્ર “જામે જમશેદ”વાળા મર્હુમ જાહાંગીરજી બહેરામજી મરઝબાનના પુત્ર. તેમનાં માતાનું નામ જાઈજીબાઈ હતું. તેમનો જન્મ તા.૬-૫-૧૮૭૬ને રોજ થયો હતો. મુંબઈની ન્યુ હાઈસ્કૂલમાં તેમણે મેટ્રિક પસાર કરેલી અને ત્યારપછી કૉલેજમાં ઉંચી કેળવણી લઈ સને ૧૮૯૯માં એમ. એ. પાસ થએલા. અંગ્રેજી સાહિત્ય પ્રતિ તેમનો ખાસ રસ હતો. પિતાના જીવનકાળ દરમ્યાન તેમણે “જામે જમશેદ”ના તંત્રી તરીકેનો ભાર ઉપાડ્યો હતો અને પિતાએ શરુ કરેલા બધાં કાર્યોને સારી પેઠે આગળ વધાર્યાં હતાં. મ્યુનિસિપલ કોર્પોરેટર તરીકે તેમણે મુંબઈ શહેરની અને કોમના એક આગેવાન તરીકે પારસી કોમની સારી સેવાઓ બજાવી હતી. સરકારે તેમની સેવાઓ માટે તેમને સી. આઈ. ઇ. નો ખીતાબ આપ્યો હતો. પિતાની સરલ કલમ અને રમૂજી શૈલીનો વારસો તેમને મળ્યો હતો. "જામે જમશેદ” દૈનિક ઉપરાંત “ગપસપ” નામનું રમૂજી પખવાડિક પત્ર તેમણે ચલાવ્યું હતું જે તેના હળવા વાચન માટે લોકપ્રિય બન્યું હતું. તેમણે કેટલીક નવલકથાઓ તેમજ નાટકો લખ્યાં હતાં. તા.૧૧-૪-૧૯૩૩નાં રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. મર્હુમના પત્નીનું નામ બાઈ રતનબાઈ. તેમના મોટા પુત્ર શ્રી. અરદેશર મરઝબાન હાલમાં “જામે”ના તંત્રી તરીકે અને બીજા પુત્ર રુસ્તમ મરઝબાન તેના વ્યવસ્થાપક તરીકે કામ કરે છે. મર્હુમે લખેલાં પુસ્તકોની યાદી નીચે મુજબ છેઃ “માઝનદરાન”, “નસીબની લીલી”, “જીવ ૫ર જોરાવરી”, “કોચીનો સાહુકાર”, “ઘડી ચપકો”, “ખેમાન સંગ્રહ”, “વારેસે નાકબૂલ", “મોહબત કે મુસીબત”, “હેન્ડસમ બ્લેગાર્ડ” (નૉવેલ અને નાટક), “અંગ્રીમેન્યુસ સાથ એગ્રીમેન્ટ”, “માસીનો માકો” (નાટક), "કુકીઆઈ સાસુનું કનફેસાઉં”, “અફલાતુન” (નાટક), "આઈતાં પર કોઈતું”, “દેવનું ડોકું”, “મખ્ખર મોહરો” (નાટક), "મેડમ ટીચકુ” (નાટક), “ધી સ્લેવ્ઝ ઓફ ડૂામા”, “ધી કોર્સ ઓફ ઇગ્રરન્સ”, અને “ઇફ શી ઓનલી ન્યુ”. છેલ્લાં ત્રણ ફીલ્મ માટેનાં નાટકો છે.

***