ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૨

[નારદ અર્જુનને ચંદ્રહાસની કથા સંભળાવે છે. સુધાર્મિક રાજાને ઘેર ભગવાન શંકરના વરદાનરૂપે પુત્ર અવતરે છે. પણ જન્મને છ માસ થતાં જ રાજા અને રાણીનાં મૃત્યુ થાય છે. છ માસના બાળકને લઈ ધાઈ (દાસી) કૌન્તલ દેશ પહોંચે છે. અહીં ધાઈને સર્પ કરડતાં એ મૃત્યુ પામે છે અને બાળક ફરીથી નિરાધાર થઈ જાય છે.]

રાગ : રામગ્રી

એણી પેરે બોલ્યા બ્રહ્માતન જી : સાંભળ સાધુ રાય અર્જુનજી,
એક અંગદ નામે દેશ કહેવાય જી, રાજ કરે ત્યાં સુધાર્મિક રાય જી.         

ઢાળ


સુધાર્મિક રાજા રાજ્ય કરે, પણ પેટ નહિ સંતાન;
પુત્રને અર્થે રાજાએ, આરાધ્યા પંચવદન.         

મહાદેવ આવી ઊચર્યા : ‘માગ માગ, મહીપતિ, વરદાન.’
પછે શંકર પાસે સુધાર્મિકે માગિયો એક સંતાન.         

‘સ્વામી, મુજને કરી કરુણા, એક આપો પુત્ર સંતાન;
કરુણા કરો, મહાદેવજી, એ જ માગું છું વરદાન.’         

ત્યારે શિવ કહે : ‘તારા કર્મમાં નથી સરજિત પુત્ર;
તું પુત્રનું સુખ દેખીશ નહિ; આગે ભાગે ઘરસૂત્ર.’         

વળતો રાજા બોલ્યો : ‘જેહે હશે હોનાર;
સ્વામી, મુજને આપીએ, ઊઘડે વાંઝિયાં બાર.’         

ત્યારે શંભુ વળતા બોલિયા : ‘જા, હશે પુત્ર નિર્વાણ;
પણ પુર તારું નહીં રહે’ એમ કહે પિનાકપાણ.[1]         

મહારાજા મંદિર આવિયો, શંભુ થયા રે કૃપાળ;
ધાભી નામે પ્રેમદા, તેણીએ પ્રસવ્યો બાળ.         

સર્વ કો આનંદ પામ્યું, ઊઘડ્યું વાંઝિયા-બાર.
ખટ માસનો બાળક થયો, ભૂપતિ હરખ્યો અપાર.         

ત્યાં એક દિવસ અસુર આવિયા પાપી પડિયા ત્રૂટી;
મધ્યરાતે માર્યો મહીપતિ, ને નગ્ર લીધું લૂંટી.          ૧૦

પેલા બાળકને ધવરાવતી હુતી, સુધાર્મિકની દાસી;
રાજપુત્ર ત્યાંહાંથી સંતાડ્યો, ધાવ છૂટી નાસી.          ૧૧

રાતદિવસ તે હીંડે રામા, સુત સોતી સોડમાંહ્ય
કૌંતલ દેશ આવી ચઢી, ત્યહાં કુંતલ નામે રાય.          ૧૨

ધૃષ્ટબુદ્ધિ નામે પુરોહિત છે, જેનો રાજસેનમાં ભાર.
વિશ્વ જીતી વશ કર્યું, મન વિષે મહા અહંકાર.          ૧૩

તે ગામમાં દાસી ઠરી સુત સંગાથે નેટ;
દામણી થઈને ધંધો કરતી, દોહલે ભરતી પેટ.          ૧૪

ખાંડવું દળવું અને ધોવું, કોનાં વાસીદાં કરતી;
કોનાં પાત્ર પખાળે, એઠાં કહાડે, કોનાં પાણી ભરતી.          ૧૫

દિનદિન પુત્ર મોટો થયો, શેરીએ રમવા જાય;
લોક જાતાં જોવા રહે એ કુંવર કેરી કાય.          ૧૬

શરીરે સુવર્ણ સરીખો શોભતો અતિ રંગ;
દાસી તે ભસ્મે કરી ઢાંકે કુંવર કેરું અંગ.          ૧૭

એક દિન દાસીએ શયન કીધું, પુત્રને રાખી પાસ;
એહવે કોએક તેડવા આવ્યો વેહેવારિયાનો દાસ.          ૧૮

‘ઊઠ્ય, ધાવ, ઉતાવળું છે વસ્ત્ર ધોયાનું કામ;
સ્વામી મારો તેડે તુજને, આપશે બહુ દામ.’          ૧૯

મધ્યરાત્રિયે ચાલી માનુની, સૂતો મૂકી બાળ :
લોભે તે કાંઈ પ્રીછ્યું નહિ, આવ્યો તેહનો કાળ.          ૨૦

માર્ગ માંહે ઉતાવળે જાતાં પડ્યો હુતો મોટો નાગ,
પ્રેમદાએ પૃષ્ઠ ઉપરે અંધારે મૂક્યો પાગ.          ૨૧

તતક્ષણ ઊછળી નાગ વળગ્યો, અંતર આણી રીસ;
ડંસી દાસી પડી પૃથ્વી, મુખે પાડી ચીસ.          ૨૨

કંઠે તે બાઝી કાચકી, ને મુખે પડિયો શોષ;
ધાવ ઢળી ધરણી વિષે ત્યારે ધાઈ મળિયા બહુ લોક.          ૨૩

મરતી વેળા માનુની મુખથી બોલી વાણ :
‘મારા પુત્રને કો પાળજો એમ કહેતાં નીસર્યા પ્રાણ.          ૨૪

વલણ


એમ કહેતાં ગયા પ્રાણ તેના, ભાગ્યની જે મંદ રે.
એ પુત્રની શી ગત થઈ, તે કહે ભટ પ્રેમાનંદ રે.          ૨૫



  1. પિનાકપાણ – પિનાકપાણિ; જેના હાથમાં પિનાક નામનું બાણ છે તે,શિવ