ચંદ્રહાસ આખ્યાન/કડવું ૩

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૩

[આખા ગામમાં ભીખ માગી જીવન ગુજારતો આ બાળક એક દિવસ દેશના રાજાનો પ્રધાન ધૃષ્ટબુદ્ધિએ યોજેલા બ્રહ્મભોજનમાં બ્રાહ્મણો સાથે ભોજન લેવા બેસી જાય છે. ભોજન બાદ બ્રાહ્મણોને દક્ષિણા આપતો પુરોહિત બાળકને ભિખારી માની દક્ષિણા આપતો નથી, તેથી ગાલવમુનિ ભવિષ્ય ભાખે છે કે તું જેણે ભિખારી માને છે એ ભવિષ્યમાં તારો જમાઈ થશે. આ વાતથી ક્રોધે ભરાયેલો પ્રધાન બાળકને મારી નખાવવા મારાઓને બોલાવે છે.]

રાગ : વેરાડી

નારદજી એમ ઊચરે : સુણ, પારથ, બલવંત;
પછે એ પુત્રની શી ગત થઈ, તેને રાખ્યો શ્રીભગવંત.         

વહાણું વાતાં જાગ્યો બાળક, મુખે બોલતો વાણી;
આંખ્યો ચોળતો ને અન્ન માગતો, માતા મૂઈ ન જાણી.         

સૂનું ભુવન જ્યારે પુત્રે દીઠું, નેત્ર ભરીને રોય;
આકુળ-વ્યાકુળ થાવા લાગ્યો; ઉત્તર ન આપે કોય.         

સાંભળી આવી સર્વ શ્યામા, પાસેનાં પાડોશી;
કો બાળકને પહુઆ આપે, ઘણાં વર્ષની ડોશી.         

કો કુંવરને કેડે ચઢાવી, લાગી આસનાવાસના કરવા;
‘ઓ આવી જનેતા તારી, ગઈ છે પાણી ભરવા.’         

એણી પેરે તે સર્વે માનુનીએ, કુંવરને માંડ્યું વહાવું;
કોઈ પ્રેમદાએ દૂધ પાયું, કોએ આપ્યું ખાવું         

એમ રમતાં તે કુંવરના સુખે દિવસ જાતા;
બે સંવત્સર વહી ગયા, વીસરી ત્યાંહાં માતા.         

હીંડતાં ચાલતાં કુંવર મનથી લેતો હરિનું નામ;
એક દહાડે તેને વાટ માંહેથી જડિયા શાલિગ્રામ.         

તે હાથ ગ્રહી હૈયાશું ચાંપ્યા, સ્નેહ અતિશે આણ્યો.
સહુ બાળક સાથે રમવા લાગ્યો, સખા સુંદર જાણ્યો.         

એક વાર ત્યાંહાં ધૃષ્ટબુદ્ધે, જમાડ્યા મુનિજન,
તે બાળક સૌ મળતો તેડ્યો, રાંક જાણીને તન.          ૧૦

પછે ઋષિજીની પૂજા કરવા ધૃષ્ટિબુદ્ધિ તે આવ્યો,
પુષ્પ દક્ષિણા હાથ માંહે, તે થાળ ભરીને લાવ્યો.          ૧૧

પૂજા કરી પ્રધાન પરવાર્યો, દક્ષિણા આપતો મુઠ્ઠી વાળી,
પણ પંડિતની પંગત વિષેથી બાળક મૂક્યો ટાળી.          ૧૨

એવે ગાલવ ઋષિ બોલ્યા, ભાળે પ્રાણી માત્ર :
‘કાં મહારાજ, એને ટાળી મૂક્યો? હેતે પૂજો, છે પાત્ર.          ૧૩

વિધિએ એમ લખ્યું છે, એહશું તારે સગાઈ;
વિષયા પુત્રીને એ પરણશે, તારો થાશે જમાઈ;          ૧૪

એવાં ગાલવજીનાં વચન સુણીને પ્રધાનને લાગી ઝાળ;
મુનિમાત્ર મારીને કાઢ્યા, પછાડી પૂજાની થાળ.          ૧૫

બીજા બ્રાહ્મણ દુઃખ પામ્યા : ‘કહોજી, અમારો વાંક.
દક્ષિણાનું જાન થયું, અમો કેમ જીવિયે રાંક?’          ૧૬

ગાલવ કહે : ‘તમે શું જાણો ? પુરોહિત છે પાપી.’
એવું કહીને સર્વ મુનિઓને ઘેરથી દક્ષિણા આપી.          ૧૭

નારદ કહે : સાંભળ, પાર્થ, પછે પાપીને પ્રગટ્યો કાળ
‘મારી પુત્રીને અમર ઇચ્છે, તે કેમ પરણે ભિક્ષુક બાળ?’          ૧૮

એક ઠામ બેસી વિચાર્યું, ચંડાળ તેડાવ્યા ઘેર;
સાધુ સુતને મારવાને, આરંભી ત્યાંહાં પેર.          ૧૯

વલણ


આરંભી ત્યાંહાં પેર ધૃષ્ટબુદ્ધે દ્વેષ મનમાં ધર્યો રે.
કર જોડી કહે પ્રેમાનંદ, પછે સાધુ સુત કેમ ઊગર્યો રે.          ૨૦