ચાંદનીના હંસ/૨૬ મિલની રાતપાળી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


મિલની રાતપાળી

પીળા ઉંઘરેટાયા જાળાના ચશ્મે તાકતા
બત્તીના થાંભલે બણબણતા કીટકો
આકારે છે ઝાંપે ધસતા મજૂરોના ચહેરા.
ગબડતા ગોળ.
એકમેકમાં જકડાયેલા ચક્રોના દાંતા.
ચક્કર ચક્કર ઘૂમતા ચક્કર
ચક્કર આવે તો ય
સરકતા અંદર અંદર.
ધધણી ઊઠે એક સામટા
ઊંઘમાં સમય બની ફંગોળી દેતા મૅરી-ગો-રાઉન્ડની જેમ.

હવે ગેટ બંધ. સડકની સામી કોરે જળતી
ત્રિપથ્થરી ચૂલાની ઝાળ પણ હવે તો ઝાંખીપાંખી.
ધુમાય આખું ય મસ્તક રાત્રિનો કાળો પવન લઈને.
પૂંછડી દબાવી
ધૂળમાં સૂનકાર ખોતરતો શ્વાન
ભસતો ધસે
ઝાંપાથી લૂમશે લગણ.

ધુમાય રાત્રિનું આકાશ થઈ મસ્તક.
લોખંડી આકાશના ઢાંકણ તળે અગણિત મિલ, મિલમાં શ્વાન.
સૂનકાર ખોતરતા ભસે.

કાળી ધોળી ત્રાક
ચકરાતી ઝડપભેર.
વચમાં પડે કેટલીય ગાંઠ
ને સંધાય તો સંધાય....
દિવસો કેલેન્ડરના કાળા અક્ષર થઈને સરી જાય.

ચીકણી કાળી દિવાલ વચ્ચે
કણસતી, તણાતી
તંગ સ્પ્રિંગની નસમાંથી
અચાનક જીંડવું થઈ ફાટી પડે
ઉજળો દૂધમલ કપાસ.
ધોળી ઊની વરાળ સાથે ફેલાતો રેલાય.
ઊંચકાય નહીં ઊંચકાય ત્યાં તો
પાવડે ઊંચકાતી ખોપારીઓ વચ્ચે ભઠ્ઠીમાં જઈ પડે.
ભક્ ભક્ કાળા ગોટે ગોટે સરે.

આકાશી તાળવે ધાબા ધોળા તરે.

થાકેલી મિલ બગાસે ભૂંગળામાં...

૬–૫-૭૫