ચાંદનીના હંસ/૫૦ આકાશ એકાએક ઊંચકાઈ જાય
આકાશ એકાએક ઊંચકાઈ જાય...
આકાશ એકાએક ઊંચકાઈ જાય
પછી હવા
હવા નથી.
ખડકોને તારા-નક્ષત્રોનું ગુરુત્વાકર્ષણ નથી.
હાથમાં લઈ ફૂટબૉલની જેમ રમી શકાય
એટલી સાંકડી થતી જાય આખી પૃથ્વી.
એની ઉપર કીડીની હાર જેમ
ત્યાં ને ત્યાં અટવાતા માણસો
આરપાર દેખાવા માંડે.
સૈકાઓની લીલી ઊંઘમાં ધકેલાય સકલ સૃષ્ટિ.
ઊડતી પાંખો સ્થિર થઈ ત્યાં જ
અધ્ધર રહી જાય અફાટ અવકાશમાં
બારીના ખૂણે
મારી જેમ બેસી રહેલા આંસુ તળે
એક હંસ
મરડાયેલી ડોક લઈ
જકડાયેલી પાંખે બીડી
પડી રહે.
૧–૩–’૭૯