ચાંદરણાં/અંધકાર અને પ્રકાશ
- અંધારામાં છુપાવા કરતાં પ્રકાશમાં ઓગળવું વધારે સારું છે!
- અંધકાર પાછળ આવતો હોય તો દિવસ, અને પ્રકાશ પાછળ આવતો હોય તો રાત્રિ.
- અંધકાર એવો સાગર છે, જેમાં ક્ષિતિજ પણ ડૂબી જાય છે!
- અંધકારને દંડાથી મારો તોય એને ન વાગે, દંડો કાળો પણ ન થાય.
- અંધકારને એક શાપ છે : એ પોતાને જોઈ શકતો નથી !
- રાત્રિએ જ કૃષ્ણ જેવા પ્રકાશને જન્મ આપ્યો હતો.
- કબરમાં એકાંત પણ છે, અંધકાર પણ છે.
- શાંત પાણી પર પડેલો પ્રકાશ પણ ચૂપ હોય છે.
- કોઈક અંધકાર અતિશય કડવો હોય છે.
- પ્રકાશને ઘરમાં આવવામાં કાચનું બારણું નડતું નથી.
- રાત્રીના કાળા ઈંડામાંથી રોજ આ જગત ફૂટે છે.
- અંધકારને દિશા નથી હોતી!
- અમાસની કાળી ઉપજાઉ માટીમાં સૌથી વધારે સિતારા ઊગે છે!
- અંધકારને ઢાંકવાનો ન હોય.