ચાંદરણાં/લગ્ન

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


6. લગ્ન


  • લગ્ન એક કરાર છે પણ તે કરનારા બેકરાર છે.
  • દુપટ્ટા જેવો પ્રેમ લગ્ન પછી સાડીની માગણી કરે છે.
  • લગ્ન એક સંધિ છે એટલે સંધિવાને પણ અવકાશ છે.
  • વરઘોડામાં ઘોડો ભાડૂતી ચાલે પણ વર તો અસલી જ જોઈએ.
  • ખાનગીમાં ઝઘડતું ને જાહેરમાં હસતું દેખાય એ ‘દંપતી’ કહેવાય.
  • મહેમાનોની હાજરીમાં નહીં ઝઘડતું દંપતી ‘સંસ્કારી’ હોય છે.
  • લગ્ન એક એવી મૂર્ખાઈ છે, જેના માટે અભિનંદન મળે છે.
  • પરણે યુવક યુવતી ને ખુશ થાય સોની-કાપડિયા.
  • લગ્ન એ બે સરનામાંને એક કરવાની સંસ્કારી કળા છે.
  • કુંવારા રહેવું સાહસ છે, પરણવું એ એથીયે મોટું ગંભીર સાહસ છે.
  • લગ્નના આગોતરા જામીન આપો તો પ્રેમ ગુનો નથી.
  • લગ્ન એવી ગાંઠ છે જે મેજિસ્ટ્રેટ જ છોડી શકે!
  • એકબીજાની ભૂલમાં સહકાર આપવા પરણવું જરૂરી છે!
  • તોફાની બારકસ કંકોતરી છપાતાં જ સુપુત્ર થઈ જાય છે!
  • લગ્ન ઉકલ્યા પછી પઝલ્સ ઉકેલવાની ચાલુ થાય છે.
  • લગ્નમાં કંસારથી સંસારની શરૂઆત થાય છે!
  • લગ્ન એ પ્રેમીઓ માટે પૂર્વયોજિત કાવતરું હોય છે!
  • બહાર મળતાં કંટાળી જાય છે તે ઘરમાં મળવા પરણી જાય છે.
  • લગ્ન પછી પ્રેમ ઐચ્છિક વિષય મટીને ફરજિયાત વિષય થઈ જાય છે.