ચૈતર ચમકે ચાંદની/આ ચૈતર ચમકે ચાંદની

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
આ ચૈતર ચમકે ચાંદની

આ ચૈતર ચમકે ચાંદની

એને કોણ રોકે?

બે-ત્રણ દિવસથી આ લીટીઓ હોઠે ચઢી ગઈ છે. કામકાજમાંથી જરાક મનને નવરાશ મળે કે બોલવા લાગું –આ ચૈતર ચમકે ચાંદની… પછી ભલે ચૈતરની બપોર વિસ્તરેલી હોય. ધ્યાન રાખીને ચૈત્ર માસની બીજનો ચંદ્ર જોયો હતો. મહારાષ્ટ્રમાં પડવાને દિવસે એટલે કે ચૈત્ર પ્રતિપદાને નવા વર્ષનો પહેલો દિવસ ગણે છે. સિંધી સમાજ ચેટીચાંદને દિવસે. આ ચેટી કદાચ ચેતી-ચૈત્ર પરથી હોય. પણ એટલું તો નક્કી છે કે, ચૈત્રનો પ્રથમ ચંદ્ર દેખાય ત્યારે નવા વર્ષનો આરંભ અને એ ચૈત્ર સુદ બીજનો દિવસ.

બીજના ચંદ્રને અમદાવાદ નગરના સાંધ્ય ગગનમાં જોયો ત્યારે નગરવાસીઓથી એકદમ ઉપેક્ષિત એકલો લાગ્યો હતો. કોણ અત્યારે જોતું હશે ચંદ્રની આ બીજરેખાને? હશે, ઘણાય ચંદ્રપ્રેમીજનો – પણ આ સામેના વિશાળ રાજમાર્ગ પર ધસી રહેલ માનવસમુદાયને તો ઉપર આકાશમાં જોવાની યાદ પણ નથી અને એમ રાજમાર્ગ પર ડાફોરિયાં મારવામાં તો જોખમ નહિ? ભલે, પણ ચંદ્ર તો જાણે સ્વાગત-ઉપેક્ષાથી પર ત્યાં હતો અને નીચેની ધરતી પરના લોકોને નવી નજરે જોતો હતો. દરેક બીજનો ચંદ્ર નવી નજર લઈને આવતો હોય છે!

જોકે, બીજના ચંદ્રને જોઈ – ‘ચૈતર ચમકે ચાંદની’ – એમ બોલી શકાય નહિ. એનું તેજ એટલું કે, તે સ્વયં દેખાય, એની બંકિમ છટામાં બસ! ચંદ્રની આવી જ બંકિમ છટા કૃષ્ણપક્ષની તેરસ-ચૌદસે પૂર્વ ગગનમાં જોતાં કારુણ્યનો અનુભવ થાય. ક્ષયશેષ ચંદ્ર! જ્યારે શુક્લ પક્ષની બીજની બંકિમરેખા તો આશાન્વિત પૂનમ ભણી જઈ રહેલા ક્રમશઃ વર્ધમાન ચંદ્રની સંભાવના.

પણ આ બીજના ચંદ્રની વાત કરતાં વધારે થંભી ગયો. હું તો વાત કરવા જતો હતો ચૈતરની છલકાઈ જતી ચાંદની વિશે અને એટલે – ‘ચૈતર ચમકે ચાંદની, એને કોણ રોકે?’નું ગુંજરણ અટકાવી શક્યો નહિ.

પરંતુ એક ગોટાળો થઈ ગયો લાગે છે. શું આ કાવ્યપંક્તિ બરાબર છે? મને હતું કે, ઉમાશંકર જોશીની કાવ્યપંક્તિ છે – એટલે એમની ‘સમગ્ર કવિતા’ હાથમાં લઈ ચેક કરવા ગયો તો આ પંક્તિ તો ના મળી, એમાં તો આમ હતું,
આ ચૈતરની ચમકે ચાંદની

મારે મંદિરિયે.

કોઈ આંખોમાં ઊઘડે એ નૂર હો

મનમંદિરિયે.

એટલે મૂંઝાયો. ‘એને કોણ રોકે’વાળી ધ્રુવપંક્તિવાળી લીટી કોની? કવિ ચંદ્રકાન્ત શેઠને ફોન કર્યો, પણ કવિને ઘેર ઘંટડી ગુંજતી રહી. પછી શ્રી ચંદ્રકાન્ત ટોપીવાળાને ફોન કર્યો – એ કહે, ‘એને કોણ રોકે?’ અને ‘એને કોણ ટોકે?’ એવી પંક્તિઓ તો ‘સ્નેહરશ્મિ’ની લાગે છે. એટલે વળી, ‘સ્નેહરશ્મિ’ની ‘સંકલિત કવિતા’ કાઢી. એમાં તો પંક્તિઓ આમ નીકળી :
આ પૂનમની ચમકે ચાંદની,

એને કોણ રોકે?

કાંઈ સાયર છલકયા જાય

કે એને કોણ ટોકે?

– તો શું જે લીટીઓ મને હોઠે ચઢી ગઈ છે તેમાં ઉમાશંકર અને સ્નેહરશ્મિની પંક્તિઓ એકબીજામાં ભળી ગઈ છે? મૂંઝવણ વધી. મારા પ્રમાણે તો પંક્તિઓ હતી :
આ ચૈતર ચમકે ચાંદની

રીત એને કોણ રોકે?

આ રેલી ચાલ્યાં રૂ૫ રે

એને કોણ ટોકે?

બરાબર લાગે છે – આમ હોય તો ચૈતરની ચાંદની, એનાં રેલાયેલાં રૂપ પ્રભાવક રીતે અનુભવાય છે. પણ એમ આપણને ગમે એ રીતે કોઈ એક કવિની પંક્તિનો પૂર્વાર્ધ અને બીજા કોઈની પંક્તિનો ઉત્તરાર્ધ–કંઈ જોડી દેવાય?

‘કવિલોક’ના તંત્રી ધીરુ પરીખને પૂછ્યું. એટલે સામેથી કહે કે આ પંક્તિઓ તો બાલમુકુંદ દવેની નહિ? મેં કહ્યું એમની પણ હોઈ શકે. પણ, પછી એ કહે ઊભા રહો – હું એમના સંગ્રહમાં જોઈને કહું. પછી થોડી વાર ટેલિફોન પર પાનાં ફેરવવાનો અવાજ સંભળાયો, પછી ધીરુભાઈનો – ‘બાલમુકુંદનું તો ‘ચૈતરી’ કાવ્ય છે – આ ‘ચૈતર ચમકે’વાળું એમના સંગ્રહમાં નથી.’

નક્કી જ ગોટાળો થઈ ગયો છે. મારી યાદદાસ્તમાં, જ્યાં બે કવિઓની પંક્તિઓ રેણાઈ ગઈ છે. પણ ચંદ્રપ્રેમીઓને આવા ગોટાળા થતા જ હશે – લ્યૂનાટિક (દીવાનો) શબ્દમાં મૂળ શબ્દ લ્યૂન-ચંદ્ર છે જ. એટલે તો પછી શેક્સપિયરે કવિ, પ્રેમી અને દીવાનાને (પોએટ, લવર અને લ્યૂનાટિક) – એ ત્રણેયને એક પંક્તિમાં રાખી કહ્યું કે, એ સૌ એકસરખા જેવી કલ્પનાના રવાડે ચઢનારા જીવો છે.

પછી તો ઉમાશંકરની આ લીટી પણ રઢમાં આવી ગઈ?
ચાલને

ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ…

પણ આ હું કોને કહેતો હતો? ચાલને.. કોઈને એમ કહેવાનું મન થઈ જાય એવી ચાંદની ચૈત્રની અવશ્ય હોય છે અને એમ જ્યારે ખુલ્લાં મેદાનોમાં કે વીજળીના દીવાઓની ઝાકઝમાળથી અલગ એકાંતમાં, ખેતરોમાં, અરણ્યોમાં, નદીના વહેતા જળ ઉપર, સાગર પર પથરાઈ ગઈ હોય..
રેલી ચાલ્યાં રૂપ રે

એને કોણ ટોકે?

પરંતુ ચાંદનીનાં રૂપ જોવાની કે ચાંદનીમાં ચાલવાની કોને ફુરસદ છે? બે-ત્રણ દિવસ પહેલાં એકદમ આંધીની ધૂળ આકાશે ચઢી હતી. સૂરજ જેવો સૂરજ પણ પ્રખરતા ગુમાવી ચંદ્ર જેવો સૌમ્ય લાગતો હતો. બે વર્ષનો નાનો મૌલિક કહે – ‘જો, જો – ચાંદામામા.’ મેં કહ્યું –એ સૂરજદાદા છે. એ બોલ્યો – સૂરજદાદા? પછી ‘સૂરજદાદા સૂરજદાદા’ બોલતો ચાલ્યો ગયો. પણ પછી સંધ્યા ટાણે આકાશમાં ચંદ્ર જોયો કે એ કહે, ‘ચાલ – જો જો ચાંદામામા.’ ખરેખર ચંદ્ર હતો. મેં એને ચંદ્ર જોવાની ટેવ પાડી છે. પંખીઓ બોલે તો એ તરફ એના કાન સરવા થાય એવી ટેવ પાડી છે. કોયલ બોલે એટલે એ પણ કુ…ઉ કરે. પોપટનું ઝુંડ સવારે છલકાતી ટાંકીના નળે પાણી પીવા આવે – એનો અવાજ સાંભળી એ પણ ક્રેં ક્રેં કરે. વૈશાખનંદનના અવાજની પણ નકલ કરે. બધાં બાળકો વિસ્મયથી આ બધું કરે છે. એમને માટે આ બધું વિસ્મય છે, જગત સર્વ વિસ્મય છે. એટલે બાળકો કેટલાં પ્રસન્ન રહે છે.

પછી ધીમે ધીમે આ જરઠ જગત એમનામાં રહેલા વિસ્મયને અળપાવે છે. મારાં સંતાનોને નાનાં હતાં ત્યારે પ્રકૃતિ પ્રત્યે વિસ્મયભાવે જોવાની ટેવ પડી હતી, પણ હવે પંખી કે પ્રકૃતિ તરફ જોવાનો એ સમય કાઢી શકતાં નથી. ચંદ્ર તરફ પણ એમની નજર ઓછી જાય છે – જે ચંદ્રની વાતો અગાસીમાંથી એમને અનેક વેળા કરી હતી. હવે આ મૌલિક – ત્રીજી પેઢી. અત્યારે તો એ ચંદ્રને જુએ છે. બાલ રામચંદ્રની જેમ ‘મને ચાંદો આપો’ એવી હઠ પણ કરે કદાચ – પણ પછી એની આંખેથીય વિસ્મયનું આંજણ ઓછું તો નહિ થઈ જાય?

કવિઓ કલાકારોની આંખોમાં ચિરંતન વિસ્મય હોય છે – અને એ આપણને કહેતા હોય છે – ‘આ ચૈતર ચમકે ચાંદની!’ પણ વિસ્મયદૃષ્ટિ ખોવાનો અભિશાપ આપણને આ ઝડપના યુગમાં લાગેલો રહેવાનો છે. ભલેને ચૈતરની ચાંદની ચમકે, અમે તો ટ્યૂબલાઇટના અજવાળામાં ચાંદનીનું આગવું અને અદકું વિશ્વ રચી દઈશું એમ અભિમાનથી કહેવામાં રાચીશું.

અમારા ઘરથી થોડે દૂર ડ્રાઇવ-ઇન રોડ પર કેટલીક ઊંચી ઇમારતો થઈ છે. ત્યાં હમણાં એક ઇમારત પર જબરદસ્ત જાહેરખબર મૂકવામાં આવી છે. ડ્રાઇવ-ઇન થિયેટર જતા-આવતા લોકોને એમની ગાડીમાંથી પણ બરાબર દેખાય એ રીતે બન્ને દિશાએ એની ગોઠવણ કરી છે અને પ્રચંડ વીજળીના દીવાનું અજવાળું તે જાહેરાત પર પડે એ રીતે બલ્બ ગોઠવ્યા છે. જે પ્રથમ રાત્રે એ જાહેરાત જાહેર થઈ, એ બલ્બોનું અજવાળું સીધું અમારા સૂવાના ખંડમાં. એટલું બધું અજવાળું હવે એ ખંડમાં રહે છે કે સૂવા માટે અંધારું જોઈએ તો બારી-બારણાં બંધ રાખો. આ કેવી સજા? એક રીતે તો આ જાહેરાતના બલ્બોના અજવાળાનો પ્રવેશ વ્યક્તિગત રીતે મને હાનિકર્તા છે – મને ડિસ્ટર્બ કરે છે – પણ શું કરી શકાય?

આ અજવાળાને લીધે સૂવાના ખંડની બાલ્કનીમાં અને ફ્લૅટની ઉપરની અગાશીમાં ચૈત્રની ચાંદનીને નિષ્કાસન મળ્યું છે. ચંદ્રના તેજને વીજળીના અજવાળાથી અલગ પાડી શકાતું નથી. આ કંઈ વ્યક્તિગત ઘટના નથી. અમદાવાદ, મુંબઈ, વડોદરા જેવાં નગરોમાંથી ચાંદની દેશવટો પામી છે. દૂર ગામડાંમાં, જંગલોમાં, રણોમાં હજી એ છે. ત્યાં ભૂરું આકાશ પણ છે.

પણ શું નગર શું ગામ – ચાંદનીમાં ચાલવાને કોણ નવરું છે? આકાશ ભણી જોવાને કોણ આકુળ છે? આપણે મોટા થતા સુધીમાં એવું કયું જ્ઞાનનું ‘ફળ’ ચાખીએ છીએ કે શૈશવકાલીન વિસ્મય વિલીન થઈ જાય છે? કવિઓ, કલાકારો એ વિસ્મય ફરી આપણી આંખોમાં ઉગાડવા મથે છે, એ આપણને નિમંત્રે છે :
ચાલને

ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ.

૨૪-૪-૯૪