છિન્નપત્ર/૨૪

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૪

સુરેશ જોષી

કોઈ વ્યક્ત કરીકરીનેય કેટલું કરી શકે? આથી જો મર્મ સમજતાં આવડે તો મૌન જ સમર્થ અભિવ્યક્તિ છે. તું કંઈક એવું જ માનતી લાગે છે. પણ તારી વાત મને સાચી લાગતી નથી. જે કહેવાતું જ નથી, કહેવાના પ્રયત્ન નિમિત્તે જેને સરખો આકાર પણ મળતો નથી. તેનું અસ્તિત્વ જ ક્યાં સિદ્ધ થાય છે? આપણું કાર્ય અને આપણી અભિવ્યક્તિ – બન્ને સમાન્તર ચાલ્યાં કરે છે. પણ બંને વચ્ચેનું સામંજસ્ય તો વિરલ જ છે, માટે તો આ બધી વેદના છે. આપણો પ્રેમ આપણાથી વધારે બૃહત્ છે, એથી આપણા વ્યક્તિત્વની કોર ખણ્ડિત થાય છે, ને આપણે વેદના અનુભવીએ છીએ. પણ વેદના અનુભવવાની સાથે જ આપણા પ્રેમની બૃહત્-તાને પણ અનુભવીએ છીએ. ઘણાં એવા છે કે વેદના સહી ન શકવાને કારણે પ્રેમને સંકોચે છૈ.

આ બધું સાચું છે? કેટલીક વાર તો એમ લાગે છે કે સાચી છે માત્ર ક્ષણ. એની સચ્ચાઈને એ ક્ષણની બહાર લંબાવવાનો લોભ જ વેદનાનું કારણ બનતો નથી? લીલા તો એમ જ માને છે! પણ કદાચ એ લીલાનો છદ્મવેશ, પડછાયા પણ પ્રવાહી બનીને આપણને સાંકળે છે તો આપણી એક ક્ષણ અને બીજી ક્ષણને જોડનાર કશું જ નથી? મરણ પણ નથી?

પણ ક્ષણનો મહિમા હું નકારતો નથી. ગઈ કાલની જ વાત; આપણને ખબર નહોતી ને છતાં આપણી જ પાછળ આપણા આગામી વિરહનો પડછાયો નહોતો ઊભો? જે અશરીરી છે તેના પર આપણું નિયન્ત્રણ નથી. આથી જ તો વિરહ ગમે તેટલે દૂરથી દોડીને આપણી વચ્ચે આવીને ઊભો રહી જાય છે; આંગળીઓમાં ગૂંથેલી આંગળીઓ વચ્ચે આવીને એ સહેજ સરખા ખાલી અવકાશના આશ્રયે વિસ્તરવા માંડે છે. હું વાંચતો હતો, પણ મારા વાક્યના શબ્દેશબ્દ વચ્ચેનું અન્તર વધતું જ ગયું ને આખરે મને ખબર ન પડી કે ક્યારે મારા શબ્દો કેવળ આછા શા ઉદ્ગારની બાષ્પ બનીને વિખેરાઈ ગયા, ક્યારે તારી નિષ્પલક આંખોમાં ઘેરી ઉદાસી ઘેરાઈ આવી ને જ્યારે કશુંક બોલવા મથતા તારા હોઠને મેં ચૂમી લીધા ત્યારે એ ઉદાસી મારા ગાલ પર એનો પહેલો પ્રવાહી અક્ષર પાડી ગઈ. પછી બધું જ ભારે ભારે લાગવા માંડ્યું – બધી ક્ષણો, સૂર્ય, પવન, અવાજ. કદાચ એ ભારને ઉપાડવો ન પડે એટલા ખાતર જ આપણે શૂન્યને ઝંખીએ છીએ. પણ કદાચ શૂન્યના કેન્દ્રમાં પણ વજન રહ્યું હોય છે; જો એ નહિ હોત તો એને નવું નામ આપવાની જરૂર ન રહી હોત; તો શૂન્યમાં આપણે તરી શકતા હોત પણ શૂન્યમાં તરવાનું શક્ય નથી, ડૂબવાનું જ શક્ય છે. આથી નાના સરખા કાર્યનો આધાર લઈને આપણે તરવા મથીએ છીએ; એકાદ કવિતાની પંક્તિ, થોડીક રેખાઓ પણ મને તારાથી દૂર ને દૂર વહાવી નહીં લઈ જાય ને? આથી ઘણી વાર કલમ થંભી જાય છે, ધીમે ધીમે મૌન ઝમે છે, હું ડૂબું છું.