છિન્નપત્ર/3

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


3

સુરેશ જોષી

કોઈક વાર જડી જાય છે એવો શબ્દ જે આપણે બંને બાળપણથી શોધતાં હતાં. એ શબ્દમાંથી કશું બાદ કરવાનું રહેતું નથી. તડકામાં ઊભી રહીને તું મારી સાથે વાત કરતાં ઊંચું જોતી હતી ત્યારે તારી આંખો જે રીતે સંકોચાતી હતી તે પણ એમાં છે; ને એક સાંજે તું આવીને હીબકાં ભરતી આંસુ સારતી મારી પાસે ઊભી રહી હતી ને પછી કશું બોલ્યા વિના ચાલી ગઈ હતી તે મૌનનો ભેજ પણ એમાં છે; મથી મથીને હિમ જેવો કરેલો મારો રોષ પણ એમાં છે. આપણે જે જે રસ્તે કશું બોલ્યા વિના લટાર મારેલી તે રસ્તાનાં વીંટાળી લીધેલાં ગૂંછળાં, તે રસ્તા પરના દીવાઓની થરકતી જ્યોત, તે રસ્તાના ખૂણાઓમાંનાં ઘવાયેલાં ગાત્રવાળો અન્ધકાર, આપણી ચારેબાજુ હવામાં ઊડતી ડમરીની જેમ ચકરાતા શહેરના ચિત્રવિચિત્ર અવાજો ને ચિત્કારો પણ એમાં છે. આવા જ શબ્દથી તારી જોડે બોલી શકાય. એ શબ્દને એના આગવા સૂર્યચન્દ્ર હોય. એથી જ તો આ સિવાયના જે મિથ્યા શબ્દો હું આજ સુધી બોલ્યે ગયો હતો તે બધાને વિખેરી નાખવાને હું આજ સુધી લખતો રહ્યો છું. કોઈ ગમે તે માને, મારા લેખનનું મિથ્યાત્વ હું સમજું છું ને એ મિથ્યાત્વમાં જ એની સાર્થકતા રહી છે તે પણ હું જાણું છું. મારા લેખનમાં મેં તને પૂરી દીધી નથી, એ દ્વારા હું તને મુક્ત કરતો જાઉં છું. પણ માલા, મુક્તિ એ શૂન્ય નથી? તને પૂછું છું કારણ કે તું કહેતી હતી મને એક વાર: ‘મારાં આંસુમાં હું શૂન્યને સંઘરું છું.’ આવી ભાષા બોલવાની તો ત્યારે તારી વય પણ નહોતી. આથી જ તો એ ભાષા તને શીખવનારે તારા પર જે અકારણ જુલમ કર્યો છે તેનું વેર લેવા હું ઇચ્છતો હતો. એ ભાષા ભૂંસવાને હું જે લખતો ગયો તેથી મને કેવળ મળી કીતિર્, તું ન મળી. પણ એ મિથ્યા શબ્દો મને વળગેલા રહે છે. કદાચ એ શબ્દોને તું પોતે પણ મારા અલંકાર માનતી હશે. હું ઉપજાવવા મથું છું અગ્નિ – જે આ બધા શબ્દોની બાષ્પને વિખેરી દે. તું તો જાણે છે આપણે શબ્દો કેવી રીતે ઘડતાં – એક શબ્દ ઘડવાને કેટલા રાક્ષસ શોધી શોધીને હોમવા પડતા હતા? તું જેને શૂન્ય કહે છે તે શું સદા આંસુથી બંધાઈને રહેવાનું છે? આપણે મથીમથીનેય એવી દૂરતા નથી ઉપજાવી શકવાનાં જે શૂન્યને પોતાનામાં સમાવી શકે. તો પછી આ વન્ધ્ય દૂરતાનું શું પ્રયોજન? આજે મને જડેલો શબ્દ તારા મૌન વિના ઘડાયો ન હોત. આથી જ તો એ શબ્દને નિમિત્તે આપણી અવિભિન્નતાનું તને સ્મરણ કરાવું છું. પણ સ્મરણ જીવનારાઓની સંપત્તિ છે એમ તું માને છે?