છિન્નપત્ર/૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુરેશ જોષી

લીલા ખૂબ રોષે ભરાઈ હતી. પણ તને ખબર છે ને – રોષમાં પણ એ કેવી નાજુક લાગે છે. કેટલાકને રોષ બરડ બનાવી દે છે. રોષનો એમના શરીર સાથે મેળ ખાતો નથી. એ જોઈને જુગુપ્સા થાય છે. આંખો હિપોપોટેમસના જેવી થઈ જાય છે (ને એમાં રોષને બદલે કેટલો બધો વિષાદ હોય છે!), નીચલો હોઠ લબડી પડે છે ને એનું હાલવું નર્યું અશ્લીલ લાગે છે. પણ કેટલાકની કાયામાં રોષ લાલચટ્ટક શીમળાનાં ફૂલ કે ગુલમહોરની જેમ ખીલી ઊઠે છે. એવી કાયાને આલિંગીને એની લાલ ખુમારી લૂંટી લેવાનું મન થાય છે. તારો રોષ તો સાત સાગર બનીને રેલાઈ જાય છે. હું તો ફેંકાઈ જાઉં છું ક્યાંક દૂર – ત્યાં એનાં ભરતીઓટ પણ મને સ્પર્શતાં નથી. પણ લીલાનો રોષ હું ખીલવા દઉં છું. એને ખીલતો જોવામાં મારું ધ્યાન હોય છે, આથી એ શું બોલી જાય છે તે હું જાણતો નથી. આથી ફરી હું પૂછું છું: ‘તું શું બોલી ગઈ? એક વાર ફરી કહે જોઉં?’ ને માલા, હું બાઘાની જેમ આવું પૂછું છું તેથી એ વધુ ગુસ્સે થતી નથી, એકદમ હસી પડે છે. બધો રોષ હાસ્યમાં ધોવાઈ જાય છે. પછી મેં પૂછ્યું; ‘વાત શી છે, લીલા? મારાથી દોષ તો થઈ જાય છે, પણ એ બધા જ દોષ રોષને પાત્ર હોય છે?’ ત્યારે એ કહે છે: ‘દોષ ત્યાં રોષ એ તો સ્નેહ નહિ હોય ત્યાંનો નિયમ, ના, ના, રોષ મને નથી. હું અકળાઈ જાઉં છું તારાથી તેથી આમ કહું છું.’ હું પૂછું છું: ‘અકળાઈ જવાનું કારણ શું?’ એ કહે છે: ‘કારણ? કારણ તો ઝટ સમજાતું નથી, પણ મને એમ લાગે છે કે તું તને રજૂ કરવાને બદલે તારી પોતાની એક કથા રચી કાઢે છે ને એ કથા પાછળ તું લપાઈ જાય છે. તારી કથા રોચક હોય છે એ કબૂલ, પણ જે તને પામવાને –’ હું એનું વાક્ય પૂરું સાંભળતો નથી. મને તું કહેતી તે શબ્દો યાદ આવે છે: ‘આ પામવાની વાત શી છે? અહીં કોઈ પોતાને જ પામી શકે છે? લે ને, તું જ મને મદદ કર. હું પોતે મને પામું પછી જરૂર તને એનું સમર્પણ કરીશ.’ ત્યારે તો મેં નહોતું કહ્યું પણ આજે કહું છું માલા, કે આ પહેલાં ને એની પછી આ એવો ક્રમ હૃદય સ્વીકારતું હોય તો કેવું સારું! પણ હૃદય તો ખણ્ડ પાડીને જોતું નથી. પોતાને પામતા જવાની ક્રિયા બીજાને માટેના સ્નેહથી, એને કરેલા આત્મસમર્પણથી જ પૂરી થતી હોય તો?’ તેં આ સાંભળીને તરત જ કહી દીધું હોત: ‘તારી જોડે હું જીભાજોડી કરવા નથી ઊતરી. જે જીભાજોડી કરવાનું ભૂલતો નથી તે પ્રેમ કરવાને ક્યારે નવરો પડવાનો હતો!’ તારો આ પ્રતિભાવ કલ્પીને જ તો હું ત્યારે કશું બોલ્યો નહોતો, પણ હું કશું બોલતો નથી તેથી લીલા મ્લાન મુખે મારી સામે જોઈ રહે છે. હું કહું છું: ‘કોઈ લપાય તે શા સારુ? કોઈ વડે શોધાવાનું સુખ મળે એટલા ખાતર. આથી જ પ્રેમનો સ્વભાવ ગુહ્ય રહેવાનો છે.’ પણ મારી પ્રેમમીમાંસાનું આ ગુહ્ય તત્ત્વ લીલાની આંખમાંથી બે આંસુ બનીને ટપકી ગયું.