છોળ/વડચડ
મોરલી ઓ મોરલી! ઠાલાં ઠાલાં રે તમીં
ફૂલીને ફાળકો મ થાવ,
ઠીક છે કે કાનજીએ શીખવ્યાં બે વેણ ન’તો
પૂછત તમારો કોણ ભાવ?!
બોલતાં થયાં છો બઈ! ત્યારનાં તે રાત્ય દિ’
વાંકું વાંકું આ કીધે રાખો,
કેવળ ના કાન, સંધા લોકનીયે નજર્યુંમાં
અમને કોડીના કરી નાખો,
તોયે નથ ઊતર્યાં વડચડમાં આજ લગી
રાખીને દલડું દરિયાવ!
ઠીક છે કે કાનજીએ શીખવ્યાં બે વેણ ન’તો
પૂછત તમારો કોણ ભાવ?!…
નીકળી છે વાત્ય તો હાલો અંકાવીએ
કોનાં તે કેટલાં જી મૂલ,
ને ભેળી ઉતારીએ આજ ભલાં! કેટલાંયે
દા’ડાથી સંઘરેલી શૂળ,
હંમણે પુછાવીએ ઊભી બજાર બીચ
‘કેટલામાં હાંર્યે તમીં જાવ?!’
મોરલી ઓ મોરલી! ઠાલાં ઠાલાં રે તમીં
ફૂલીને ફાળકો મ થાવ,
ઠીક છે કે કાનજીએ શીખવ્યાં બે વેણ ન’તો
પૂછત તમારો કોણ ભાવ?!
૧૯૮૭