જનપદ/મળસ્કું
મળસ્કું
માછલી પકડવા તત્પર સૂરજ
તળાવમાં ઝાંખા પ્રતિબિંબ
ચન્દ્ર ખાબક્યો તળાવ-દર્પણમાં
માંકડા જેવું પાણી
પડદા પાછળ ઊડતી સંભળાય
કૂકડાના અવાજની સોનામહોરો.
જળ બની લહેરાય ઘર
ઊડ્યાં જંગલ
ગુલાબગોટા જેવા બેડાંની પાંખડી
પતંગિયા થઈ ચાલી.
ઓગળી આછપની પનિહારી
કૂવો ભોંયથી બહાર આવી
વહેંચાઈ ગયો.
બધું વહે.
ઓગળી ચાલી ચળકતી પાંપણો.
ધસમસ આવી ઊભું દરિયા કાંઠે.
કાંઠાના પાણીનું પાતળું પડ ઊંચકી.
નેળિયામાં કોઈ જાય એમ એ બધું અંદર.
ઓગળેલી પાંપણ અંદર જઈ માછલી થઈ.
એના મોંમાથી કૂદી માછલીઓની માછલીઓ.
દરિયો ઊભરાયો, બધે ફેલાયો.
એ પર સેવાળનું પડ.
માછલી શોધે સૂરજ.
સેવાળ પર માંડે કવાયત ડગ.
થથરે સેવાળ પડ.
અંદર હાલતું જળ ઈંડાની જરદી જેવું સંભળાય.
જાડું પડ ફાટે ન ફાટે એવું.
હવે ફાટ્યું.
સૂરજ દરિયામાં રોપાઈ ઊતર્યો
જઈ મળ્યો માછલીઓને.