જયદેવ શુક્લની કવિતા/માગશરની અમાવાસ્યા
આકાશનાં
લાખ્ખો, કરોડો,
અબ્બજો કાણાં
ચમકતા બરફથી
પુરાઈ ગયાં છે.
કાંટાળા અન્ધકારમાં
એ
અસંખ્ય વિકરાળ પ્રાણીઓની
આંખ જેવાં
ચમકે છે.
ગોટેગોટ અન્ધકાર
વધુ ને વધુ છવાતો જાય છે.
કાળા કાળા ગઠ્ઠા
આમતેમ અથડાય છે.
શ્વાસ ડચુરાય છે.
જો સૂરજ ઊગે તો...
કદાચ...
સવારે
સૂરજ પણ બરફનું ગચ્ચું બની જાય તો?
કાંટાળા અન્ધકારમાં
દીવા-સળી શોધું છું
વાટ જડતી નથી.