ઝંડાધારી — મહર્ષિ દયાનંદ/વિનોદ–મૂર્તિ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
વિનોદ–મૂર્તિ

મહર્ષિજીનો પડાવ જ્યારે કાશીમાં હતો, ત્યારે ત્યાંના પંડિતોએ ઠરાવ કર્યો કે કોઈએ એ પાપીની પાસે ન જવું; એનું મ્હોં પણ ન જોવું! એક મહામહોપાધ્યાયજીને એવો ગર્વ રહ્યો હતો કે જો મારી સાથે વાદવિવાદ થાય તો હું તો એ દુષ્ટને સીધો કરી નાખું! પરંતુ સ્વામીજીનું મ્હોં જોવાથી તો પોતાને પાપ લાગે! તેથી એ બાપડા પંડિત સ્વામીજીની પાસે જઈ શકતા નહિ. આખરે મ્હોં જોવું જ ન પડે અને વિવાદ થઈ શકે તેવી યુક્તિ એમને એકાએક સુઝી ગઈ: યુક્તિ એ કે એક દિવસ રાત્રિએ અંધારામાં સ્વામીજી પાસે આવીને પંડિતજી ચર્ચાનું આહ્વાન દેવા લાગ્યા. એણે શર્ત મુકી કે ‘હું આ છરી લાવ્યો છું. આપણામાંથી શાસ્ત્રાર્થમાં જે હારે તેનાં નાક-કાન એ વડે કાપી નાખવાં.' હસીને સ્વામીજી બોલ્યા, પંડિતજી, મારી પણ એક શર્ત છે: આ ચપ્પુ પણ રાખીએ, આપણામાંથી જે હારે તેની ​જીભ પણ ચપ્પુ વડે કાપી લેવી, કેમ કે નાક-કાન તો બિચારાં આ વાતમાં નિર્દોષ છે. વાદવિવાદમાં જે કાંઈ દોષ થશે તે તો જીભનો જ થશે!' ઝંખવાણા પડીને પંડિત પાછા વળ્યા. છપરા ગામના પંડિતો પણ સ્વામીજીની સામે ઉઠ્યા અને જગન્નાથ નામના એક પ્રસિદ્ધ પંડિતની સહાય લેવા ગયા. પંડિત બોલ્યા ‘હું તો ઘણો યે દયાનંદનો સામનો કરવા તૈયાર છું, પણ મારે એ દુષ્ટનું મ્હોં જોવાથી પ્રાયશ્ચિત કરવું પડે એ જ મોટી પીડા છે ને!' આ સમાચાર જાણીને સ્વામીજી હસતા હસતા બોલ્યા ‘અરે ભાઈ એવું હોય તો મારા પાપી મ્હોં પર પડદો ઢાંકી દેજો, પણ એને જરૂર આંહી તેડી જ લાવજો.'

સિંહાસન ઉપર બેસીને સ્વામીજી ઉપદેશ દેતા અને ઉપદેશ પૂરો થયે કોઈને પ્રશ્ન પૂછવા હોય તો તેને બેસવા માટે પોતાની સન્મુખ ખુરશી મુકાવતા. એક દિવસ એક પંડિત કહેવા લાગ્યા કે ‘અમને નીચું આસન શા માટે આપો છો? તમારા આસન જેટલી જ ઉંચી ખુરશી અમને પણ મળવી જોઈએ.' સ્વામીજીએ હસીને કહ્યું ‘ભાઈ, હું તો વ્યાખ્યાન દેવાની સુગમતા ખાતર જ ઉંચે બેસણે બેસું છું. છતાંયે જો આપને અપમાન લાગતું હોય તો સુખેથી એ ખુરશીને મેજ ઉપર ચડાવી, મારા કરતાં યે ઉંચેરા બની આ૫ બેસી શકો છો. બાકી તો શું કોઈ ચકવર્તી રાજાના મુગટ ઉપર બેસનાર માખી અથવા મચ્છર કાંઈ ઉંચાં બની જતાં હશે? આસનની ઉંચાઈ નીચાઈ વિચારવાં આપને ન શોભે.'

અલીગઢમાં એક દિવસ એક પંડિત મંદિરના ચબૂતરા ઉપર બેસીને સ્વામીજીની સાથે શાસ્ત્રાર્થ કરવા મંડ્યો. સ્વામીજીના કરતાં યે ઉંચા બેસણાનો આ ઘમંડ બીજા સજ્જનેાથી ન સહેવાયો. પંડિતને તેઓ સભ્યતાની રીત સમજાવવા લાગ્યા. પણ હઠીલો પંડિત પલળ્યો નહીં. સ્વામીજીએ પ્રસન્ન વાણીમાં લોકોને કહ્યું કે “શા સારૂ એ બિચારા જીવને સતાવો છો? એમાં કશી હાનિ નથી. ભલેને એ પંડિત ઉંચે આસને બેઠા. ઉંચા આસનથી જ કંઈ કોઈને મહત્તા મળી જતી નથી. એમ તો જુવોને, પેલો કાગડો તો પંડિતજીના કરતાં યે ઉંચેરો પેલા ઝાડ ઉપર બેઠો છે!' સાંભળીને પંડિત મહાશય નીચે પધાર્યા.

દિનાપુર શહેરમાં મુસલમાનોએ સ્વામીજીના આંદોલન ઉપર કોપ-દૃષ્ટિ કરવા માંડી છે. ભક્તોએ કહ્યું, “મહારાજ, એ લોકોની વિરૂદ્ધ આપ કાંઈ ન બોલશો. વાતવાતમાં તેઓ લડવા ખડા થઈ જાય છે.” તે વખતે તે સ્વામીજી કાંઈ ન બોલ્યા. પણ સાંજ રે ભરસભામાં તેમણે ઉચ્ચાર્યું કે- “છોકરાઓ મને કહે છે કે મુસલમાન મતનું ખંડન ન કરો. પણ હું સત્યને શી રીતે છુપાવું? વળી જ્યારે મુસલમાનોનું પરિબલ ચાલતું હતું ત્યારે તેએાએ તો આપણું ખંડન ખડ્ગથી કર્યું હતું. છતાં આશ્ચર્યની વાત છે કે આજે મને તો શબ્દોથી યે ખંડન કરવાની મના થઈ રહી છે!"

'સ્વામીજી!' એક કૃષ્ણભક્ત ચપટી ધૂળ લઈને આવ્યો, ‘સ્વામીજી! કૃષ્ણ ભગવાને બાળપણમાં માટી ખાધી હતી, એટલે હું એ બાળ-લીલાની આ પ્રસાદી આપને ચખાડવા આવ્યો છું. હાજરજવાબી સ્વામીજી બોલ્યા “ભોળા ભાઈ, છોકરાં તો માટી ખાય! કૃષ્ણે પણ નાનપણમાં ખાધી હશે.પણ એટલા માટે આપણાથી — ઉંમર લાયક મનુષ્યોથી તે એવી નાદાની થાય ખરી?'

મધપૂડાને મધમાખીઓ વળગે તેમ દિલ્હીમાં સ્વામીજીની ચોગરદમ મનુષ્યોની ગિરદી વીંટળાવા લાગી. મૂર્તિપૂજાના ખંડનથી ખુશી થનારા ઈસ્લામીઓ પણ દોડ્યા આવ્યા. પણ સ્વામીજી તેઓના અજ્ઞાનને એાળખતા હતા. એક મુસ્લીમ સજ્જને આવીને કહ્યું ‘આ૫ હિન્દુઓની મૂર્તિપૂજાનું ખંડન કરો છો એ બહુ સારું કાર્ય છે. અમારા મજહબને અનુકૂળ જ થઈ રહ્યું છે.' 'ભાઈ, તમે ભૂલો છો.' સ્વામીજીએ જવાબ વાળ્યો, ‘હું તો તમામ મૂર્તિ-પૂજાનું ખંડન કરૂં છું, અને ઈસ્લામને ય મૂર્તિપૂજા ક્યાં નથી? હિન્દુઓની પ્રતિમા તો ચાર આંગળથી માંડીને બહુ તો એક હાથ જેટલી ઉંચી હોય છે. એને તો હરકોઈ પ્રકારે હટાવી શકાશે. પરંતુ મુસલમાનોની કબર, હજીરા અને મિનારાને સ્વરૂપે મોટાં મોટાં મકાનો જેવડી ઉભી છે.એટલે ખરી મુશ્કેલી તો એ તમારી મૂર્તિ-પૂજાને હટાવવામાં જ પડે છે!' ચકોર મુસલમાન આ શબ્દોના આંતરિક મર્મને સમજી ગયો. ચુપ બન્યો.