ડોશીમાની વાતો/સૌરાષ્ટ્રના લાક્ષણિક વાક્યપ્રયોગો

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સૌરાષ્ટ્રના લાક્ષણિક વાક્યપ્રયોગો

અંજવાળી તોય રાત : જેમ રાત્રિ ચંદ્રના પ્રકાશવાળી હોય છતાં પણ દિવસ જેટલી ભયમુક્ત નથી, તેમ સ્ત્રી ચાહે તેવી શૂરવીર હોય છતાં તે સ્ત્રી જ છે — એનાં સ્ત્રીપણાને સહજ નિર્બળતા કે જોખમ તો છે જ. આજની ઘડી ને કાલ્યનો દી : સદાને માટે એ સમય તો ગયો તે ગયો. આંસુડાંના શ્રાવણ-ભાદરવો હાલ્યા જાય : શ્રાવણ–ભાદરવાનો વરસાદ વરસતો હોય, તેવી અવિરત અશ્રુધારા બેય આંખમાંથી વરસે. ઊગ્યો એને આથમતાં વાર લાગશે : યૌવનનો હજુ આરંભ જ થયો છે. કટોકટીના એ કાળને વીતતાં વાર લાગશે. વાસનાઓ સંતાપશે. કુંભાર દોરી ચડાવીને ચાકડેથી માટલું ઉતારી લે એમ માથું વાઢી લીધું : માથું કાપવામાં શૂરવીરોને જે સહેલાઈ પડે છે, તેનો સચોટ ખ્યાલ આ ઉપમામાંથી મળે છે. કૂડનાં ધૂડ : દગો કરનારનાં યત્નો ધૂળ જ મળે. કેડિયાની કસો તૂટવા મંડે : મનુષ્યને અતિહર્ષ થતાં છાતી ફુલાય, અને તેથી અંગરખો ખેંચાતાં કસો તૂટે : અતિ આનંદની ઊર્મિ. કોઈ કોઈના કપાળમાંથી બે આંકડા ભૂંસી ન શકે : તકદીરમાં નિર્માયું હોય તેમાંથી લગાર પણ લોપાતું નથી, સહુ પોતપોતાના તકદીર ભોગવે છે ગોળની કાંકરી ખાવી : વેવિશાળ કરવું. (વેવિશાળ કરતી વખતે ગોળ ખાવાનો નિયમ છે.) ઘેંસનાં હાંડલાં કોણ ફોડે? : ઘેંસ હલકું અનાજ ગણાય છે, માટે ભાવ એ છે કે યુદ્ધમાં સામાન્ય સૈનિકને શીદ મારવો? મારવો તો સરદારને મારવો. (વિધાતા) ચપટી મીઠું નાખતાં ભૂલી ગઈ : વિધિએ (એ માણસને) જરા પણ અક્કલ–હોંશિયારી ન બક્ષ્યાં. (પનિયારી) ચિત્રામણમાં લખાઈ ગઈ : આશ્ચર્યમાં એટલી બધી સ્તબ્ધ બની ગઈ કે જીવતી સ્ત્રીઓ હોવાને બદલે જાણે ચિત્રની પૂતળીઓ હોય તેવું લાગે છે. અત્યંત આશ્ચર્યચકિતતા સૂચવનાર રૂપક. ચોળિયું પારેવું ત્રણ વિસામા ખાય : કોઈ ઇમારતની અતિ ઊંચાઈ કોઈ કૂવાનું અતિ ઊંડાણ બતાવવાનો આ વાક્યપ્રયોગ છે. એની ટોચ કે તળિયે એક જ ઝપાટે કબૂતર ન પહોંચી શકે પણ પહોંચતાં પહોંચતાં એને ત્રણ વાર વિશ્રામ લેવો પડે. જીભ વાઘરીવાડે જાય : દિલ ક્ષુદ્ર (વાઘરીઓના જેવું) બની જાય. ઢોલ ઢમકે પાણી : મારવાડ દેશ : મારવાડના કૂવાઓ અત્યંત ઊંડા હોવાથી કોસ ચલાવનાર આદમીને એટલે બધે દૂર બળદ હાંકી જવું પડે છે કે એક માણસ કૂવે ઊભો રહીને, જ્યારે કોસ નીકળે ત્યારે ઢોલ વગાડે તો જ કોસ હાંકનારને પાછા વળવાની ખબર પડે. થાળીનો ઘા કર્યો હોય તો ધરતી માથે ન પડે : લોકોની અતિશય ગિરદી સૂચવનારા શબ્દો — એટલી બધી ભીડાભીડ કે થાળીનેય નીચે પડવાની જગ્યા નહીં. બાર બાર મૂઠ્ય કૅફના તોરા ચડ્યા : અફીણ ખાવાથી સારી પેઠે મસ્તી ચડી ગઈ. રૂંઝ્યું કુંઝ્યું વળે છે : સૂર્યાસ્તનાં અજવાળાં સંકેલાતાં જાય છે. વિધાતાનાં લેખમાં મેખ મારી : વિધિનાં નિર્માણ મિથ્યા કર્યાં. સગો હાથ ન દેખાય એવી અંધારી રાત : માણસ પોતાના હાથને પણ ન જોઈ શકે, એ અંધકારની અતિશય ગાઢતા બતાવે છે. સમી સાંજે સોપો પડી ગયો : કેમ જાણે મોડી રાત થઈ હોય ને માણસો સૂઈ ગયાં હોય તેવો સૂનકાર વ્યાપી ગયો. સવામણની તળાઈમાં સૂઈ રહેવું : નિશ્ચિંત રહેવું. સંજવારીમાં સાચાં મોતી વળાય : સમૃદ્ધિ બતાવે છે. (બાવાનો જીવ) સાતમી ભોમકાને માથે : સમાધિ ચડાવી (બાવાએ) ધ્યાન ધરવું. સાંસો ખાલ્ય મેલે એવી ઝાડી : ઝાડી એવી ગીચ કે સસલું પણ અંદર પેસવા જાય તો એની ચામડી ઊતરડાઈને જુદી પડી જાય. સોનાનાં નળિયાં થવાં : પ્રભાતના તડકા ચડી જવા. (તડકામાં નળિયાં સોનેરી દેખાય છે.)