તારાપણાના શહેરમાં/ઘોંઘાટનો પટ ખોલ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


ઘોંઘાટનો પટ ખોલ

કવિના શબ્દમાંથી નાદનો કલ્લોલ મળશે
શરત એ છે - જરા ઘોંઘાટનો પટ ખોલ! મળશે

ન મળશે કોઈ ઢંઢેરો ન કોઈ ઢોલ મળશે
નગરમાં અઢી અક્ષરનો મરકતો બોલ મળશે

વિરહની વેદનાનો સાવ ઊભો મોલ મળશે
જશો જો મૂળમાં તો ત્યાં મિલનનો કોલ મળશે

અડગતા આણની ને પ્રાણનો આંદોલ મળશે
થઈશ લયલીન તો પ્રત્યેક લયનો ઝોલ મળશે

સમજદારી છે શ્રદ્ધામાં, અનુભૂતિ છે અલ્લડ
અહીં દીવાનગીની વારતા સમતોલ મળશે