તારાપણાના શહેરમાં/ન ફેર પડે
ન ફેર પડે
વિસ્મરણ કે સ્મરણ ન ફેર પડે
પ્રેમમાં સહેજ પણ ન ફેર પડે
પ્રેમ તો સાવ પારદર્શક છે
મૂકી જો આવરણ.. ન ફેર પડે
ઘાવ સરખા જ બેઉને લાગે
હોય એરણ કે ઘણ, ન ફેર પડે
વેદનાનો જ દેશ રહેવાનો
કર ગમે ત્યાં ભ્રમણ, ન ફેર પડે
સ્વપ્ન સાચે જ જ્યારે તૂટે છે
ઊંઘ કે જાગરણ ન ફેર પડે
મિત્ર! તરસ્યો છું હું મીઠા જળનો
તું તો દરિયો છે. પણ ન ફેર પડે
મુગ્ધ છું, મસ્ત છું, નિજાનંદે
તે મને ચૂંટી ખણ, ન ફેર પડે
જિંદગીના જુદા જુદા ચ્હેરા
એક મારું વલણ ન ફેર પડે
અંતે એની કૃપા અનંત હશે
તું ગમે તેમ ગણ!… ન ફેર પડે