તુલસી-ક્યારો/૧૨. નિર્વિકાર!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૨. નિર્વિકાર!

ભાસ્કરની મેડી નીચે ગાડી ઊભી રાખીને કંચને હૉર્ન વગાડ્યું. ઉપરાઉપરી વગાડ્યું. બારીએ કોઈ ડોકાયું નહીં. મોટરને ચાવી લગાવીને ઉપર ગઈ. તેટલામાં તો એને કંઈક વિચારો આવી ગયા : ઘરમાં નહીં હોય? ક્યાં ગયા હશે? લલિતાને ઘેર કે માલતીને ઘેર? એ બેઉ તરફ મારા કરતાં વિશેષ લક્ષ કેમ આપે છે? એ બેઉ જણીઓ તો અત્યારે ઘરમાં એકલી હોય છે. જઈને કોણ જાણે શી વાતો કરતા હશે! એ એક-બે મિનિટોએ તો આ ભણેલીગણેલી યુવતીના કલ્પના-ચકડોળને કેટલાંય ચક્કર ફેરવી એના અંતરમાં નાની-શી એક નરક રચી આપી; અને એટલે સુધી મનને ઉકળાવી મૂક્યું કે ભાસ્કર ઘરમાં ન હોય તો એકદમ મારમાર મોટરે લલિતાને ને માલતીને ઘેર જઈ પહોંચવા મન કૂદાકૂદ કરી રહ્યું. પણ ભાસ્કર તો ઘરમાં જ ટહેલતો હતો. એને દેખીને કંચને શ્વાસ હેઠો મૂક્યો. “હા…ય!” “કેમ, હૉર્ન બહુ વગાડવું પડ્યું?” “સાંભળતા હતા ત્યારે કેમ મોં ન બતાવ્યું?” કંચને સ્વરમાંથી આક્રંદ કાઢ્યું. “જાણીબૂજીને.” “કાંઈ દોષ?” “હા જ તો; તારામાં મોટાઈ ન આવી જાય તે માટે જ જાણીબૂજીને.” “કેટલા ક્રૂર છો તમે!” “તમારી સૌની વધુ પડતી કોમળતાને કાબૂમાં રાખવા જ તો!” “કેમ અત્યાર સુધી ઘેર ન આવ્યા? ક્યાંય રખડવા ગયા હતા?” “તારા ઘર સિવાયના ઘેર જવું એટલે રખડવું, એમ ને?” “ના, પણ મારા સોગંદ સાચું ન કહો તો – ક્યાં ગયા હતા અત્યારમાં?” ભાસ્કર ચપળ હતો. કંચનના અને બીજી છોકરીઓનાં અંતરમાં બળતા ઈર્ષાગ્નિને ઓળખતો હતો. તેણે જવાબ વાળ્યો : “તને કહેવા હું બંધાયેલો નથી – વીરસુત બંધાયેલો છે.” “એનું નામ ક્યાં લો છો પ્રભાતમાં?” “કાં? અપશુકનિયાળ નામ છે?” કંચને રાતની કથા રડતે રડતે વર્ણવવા માંડી. આખી વાતનો સાર આ હતો કે, ‘પરણવું હતું ત્યારે તો બણગાં ફૂંક્યાં કે, તને તરતાં શીખવા લઈ જઈશ … તારે સાઈકલ અને ઘોડેસવારી શીખવી હોય તો શીખજે… તારે પુરુષ-પોશાક પહેરવો હોય તો મને શો વાંધો છે? … તારા જીવનમાં મિત્રો – સ્ત્રીઓ કે પુરુષો – જે હોય, તેની સાથે તારા સંબંધો તું તારે જેમ ઠીક પડે તેમ રાખી શકશે : હું કદી પણ વહેમ નહીં લાવું, ઈર્ષા નહીં કરું.’ આવાં બણગાં આજે ક્યાંય અલોપ થઈ ગયાં છે. હું ક્યાં બોલું છું ને કોની સાથે કેમ બોલું છું એ તો ઠીક, પણ કયા સ્નેહીની સામે કયા પ્રકારની નજરે જોઉં છું તેનો પણ એ તરત હિસાબ માગે છે.” “તો પછી તું પણ સામે એવા જ સવાલો કાં નથી પૂછતી?” “પૂછું છું જ તો!” “બસ ત્યારે, એના માથાના થઈને રહેવું. થોડા નફ્ફટ થયા વગર કંઈ સંસાર નહીં ચાલે. તમારે સ્ત્રીઓએ શક્તિ બતાવવી જ જોઈએ.” એમ કહેતો ભાસ્કર પોતાનાં લમણાં દબાવ દબાવ કરતો હતો. “કેમ એમ કરો છો?” કંચને પૂછ્યું. “માથું દુખે છે. રાતે ઊંઘ સારી ન આવી, ને સવારે જરા વહેલો ઊઠી બહાર ગયો એટલે શરદી લાગી ગઈ છે.” “તમે બેસો, ને કાં સૂઓ; લો, હું કપાળે બામ અને માથે તેલ ઘસી દઉં.” પોતાની સંબંધી સ્ત્રીઓ આગળ આવું કામ કરાવવામાં ભાસ્કરને કશો સંકોચ નહોતો તેમ ખાસ શોખ પણ નહોતો. એ સોફા પર બેઠો, ને કંચન એનાં લમણાં ને લલાટ પર માલિશ કરવા લાગી. “બારણું બંધ કરી દઉં.” દાદર પાસેથી કોઈ જતાં-આવતાં જુએ તો સુગાય તેમ ધારી કંચને કહ્યું. “ના, બિલકુલ જરૂર નથી.” ભાસ્કરનો એ જવાબ ચોખ્ખોચટ હતો. પોતે જે આચરણ કરે છે તે સ્વાભાવિક સરળતાપૂર્વક કરે છે એવું સૌ લોકોને સ્પષ્ટ કરવાની એની ચીવટ હતી. વસ્તીવાળા મકાનમાં પોતે કોઈના વહેમ-સંશયને પાત્ર બન્યા વગર એકલો રહી શકતો તેમાં આ કળા જ કારણભૂત હતી. માથું દબાવતો ને તેલ ઘસાવતો ભાસ્કર જરીકે વિહ્વળ નહોતો. એ સોફા પર સૂતો તેમાં પણ સ્વાભાવિકતા હતી. એનું લલાટ ઘસતી કંચન એના ઉપર ઝૂકી રહી હતી ત્યારે પણ ભાસ્કરની સ્થિતિ સ્વાભાવિક જ હતી. પછી કંચન સોફાની કોર પર બેસી ગઈ, ને એણે ભાસ્કરનું માથું સગવડ ખાતર ખોળામાં લીધું, તો પણ ભાસ્કરની સમતામાં ફેર નહોતો પડ્યો. સૂતો સૂતો એ કંચનને એના પ્રશ્નોના જવાબ દેતો જતો હતો. એક જવાબ આ હતો – “તને ન જ ફાવતું હોય તો છૂટાછેડા લઈ લે. તમારું તો ‘સિવિલ મૅરેજ’ છે.” “પછી ક્યાં જાઉં?” “આવડી દુનિયા પડી છે. તું ભણેલીગણેલી છે. નોકરી કરજે. ઇચ્છિત જીવન સ્વતંત્રપણે ગાળજે.” કંચનને ગળે ઝટ ઝટ ઊતરી જાય તેવો આ શેરો નહોતો. નોકરી કરવાની કડાકૂટ છેક આટલાં વર્ષે, પારકા રળનારના ખર્ચે મોજમજા માણવાની લાંબી ટેવ પડી ગયા પછી, થઈ જ શી રીતે શકે? સ્વતંત્ર જીવન જીવવા બેસું તો પછી મારું ઢાંકણ કોણ? આજે પરણીને બેઠી છું તો ફાવે ત્યાં ફરું છું : કોઈ ઉઘાડું નામ લઈ શકે છે? ને પછી તો સૌ આબરૂ ઉપર પહાણા જ ફેંકે ને? એકાએક વિચાર-ત્રાગડો તૂટી ગયો. અધખુલ્લું બારણું ઊઘડ્યું –ને વીરસુત દાખલ થયો. હાથમાં રૅકેટ હતું, અને પગમાં ટેનિસ-જૂતાં હતાં – તેથી જ દાદર પર અવાજ થયો નહોતો. વીરસુતને જોતાં ભાસ્કરે તો જેમની તેમ સ્થિતિમાં પડ્યાં પડ્યાં, જરીકે હાલ્યાચાલ્યા વગર, આંખો માંડીને કહ્યું : “આવો.” એણે તો પોતાનો હાથ કંચનના ઘૂંટણ ઉપર ઢળેલો હતો તે પણ હટાવ્યો નહીં. એ સમતા કંચનમાં નહોતી. એણે સફાળા જ ભાસ્કરનું માથું નીચે સેરવી નાખ્યું. ભાસ્કરનાં લમણાં અને માથું ચોળવાની એની છૂટ સંકોચાઈ ગઈ. એણે દાબવું બંધ કર્યું નહીં છતાં પોતે અનુચિત કામ કરી રહી હતી એવો ક્ષોભ અનુભવ્યો. એના હાથ ધીમા પડ્યા. વીરસુત તો ખમચાઈ જ ગયો. એને પાછા દાદર ઊતરી જવા દિલ થયું. પોતે આવ્યો તે ન આવ્યો થઈ શકત તો રાજી થાત. એ ભાસ્કરના ‘આવો’ શબ્દનો ઉત્તર ન આપી શક્યો, ન તો એ ખુરશી પર બેસી શક્યો. બારી પાસે જઈને ઊભો રહ્યો. બારી વાટે બહાર જોઈ રહ્યો. જોતાં જોતાં એ વિચારતો હતો : ‘મારું માથું કે કપાળ તો આણે કદી જ દાબ્યું કે ચોળ્યું નથી. કહ્યા કરે કે, હજુય પુરુષોને અમારી પાસેથી ગુલામી જ ખપે છે. કાં તો કહે કે, મારા હાથની ગરમી તમને લાગી જશે. ત્યારે આંહીં આ સ્વસ્થતા ને સેવાપરાયણતા કેમ? કદાચ શરીરસેવા જ હશે. નર્સો-ડૉક્ટરો શું નથી કરતાં? પણ તો મારાથી ચોરી કેમ રાખી? મને દેખીને જ કાં માથું હેઠે ઉતાર્યું? એ ચોરી નહીં? નર્સો-ડૉક્ટરોના જેવી સ્વાભાવિકતા એમાં ક્યાં રહી! આટલું એ પૂરું વિચારી રહ્યો નથી ત્યાં તો ભાસ્કરે કહ્યું : “લે ત્યારે, કંચન, ભેગાભેગી મારા હાથનાં કાંડાં પણ ચોળી દે. મને બધો જ થાક ઊતરી જશે. તું આટલું સરસ ચોળી જાણે છે ત્યારે તો શું! વીરસુત બડો ભાગ્યશાળી છે!” વીરસુત કશું બોલી શક્યો નહીં, કંચન પણ એની સામે જોયા વગર જ તેલ લઈ ભાસ્કરના હાથ ચોળવા મંડી. વીરસુતને એકાએક આ ક્રિયાથી ખટક લાગી હતી તે શું ભાસ્કર પામી ગયો હતો? ને તેથી જ શું એ ક્રિયાને સ્વાભાવિક નિર્વિકારી ક્રિયા તરીકે દેખાડવા આ ચાલાકી કરી રહ્યો હતો? કે ખરે જ શું ભાસ્કરનું મન આ માલેશી, આ ચંપી, તેમ જ આ ખોળામાં માથું લેવાની ક્રિયામાં વિકારદૃષ્ટિ અનુભવતું જ નહોતું? જાણવું કઠિન હતું. કળાનો અર્થ જ એ કે એ પોતાના કાર્યને કુદરતી, સ્વાભાવિક, નૈસર્ગિક કરી બતાવે. સાચી કળા જ એનું નામ કે જે કાગળ પર ચીતરેલા ઝાડને કે સરોવરને ધરતી પરનું જ ઝાડ કે સરોવર હોય તેવું કરી બતાવે. એમ જો ભાસ્કર કુશળ કળાકાર હોય તો એ આખી જ ક્રિયાને કુદરતી સારવારનું સ્વરૂપ કેમ ન આપી શકે? વીરસુતની તાકાત નહોતી કે એ માલેશી અટકાવી શકે. માલિશ પૂરું થઈ રહ્યું ત્યારે એણે કંચનને કહ્યું : “ચાલ, જઈએ.” “તું તારે ગાડી લઈ જા. એને હું હમણાં મૂકી જાઉં છું.” ભાસ્કરે સૂતે સૂતે ઠંડે કલેજે જવાબ વાળ્યો. “ના, અમે જોડે જ જઈશું.” વીરસુત માંડ માંડ બોલી શક્યો. “જાણ્યું એ તો – તું હિંદુ નારીનો પતિ છે તે!” ભાસ્કરે ટાઢા ડામ ચાંપવા માંડ્યા : “પણ એનું કંઈ હાલતાં ને ચાલતાં પ્રદર્શન હોય?” “નહીં, ચાલ, કંચન!” એમ કહી વીરસુતે કંચનનું કાંડું પકડ્યું. કંચન છોડાવવા ગઈ, પણ વીરસુતે દાબ વધાર્યો. કંચને ‘ઓ મા!’ કહી ભાસ્કર સામે જોયું. ભાસ્કરે હજુ પણ સૂતે સૂતે કહ્યું : “હવે છોડે છે કે નહીં, બેવકૂફ!” “તમારે શું છે વચ્ચે આવવાનું?” વીરસુતે કાંડું છોડ્યા વગર કહ્યું ને એણે કંચનનો હાથ ખેંચવો ચાલુ રાખ્યો. જાણે સ્નાન કરવા ઊઠતો હોય એવી શાંતિ ધરીને ભાસ્કર ઊભો થયો. એણે સીધા જઈને પહેલું તો બહાર જવાનું બારણું બંધ કરી દીધું. ને પછી એ વીરસુત તરફ વળ્યો. એ રોષ કરતો ત્યારે ડોળા ન ફાડતો, પણ આંખો પર પોપચાં સવિશેષ ઢાળી વાળતો. જાડાં જાડાં ભવાંવાળી અર્ધમીંચેલ આંખો રાખી, બે હાથ સહેજ પહોળાવી, ધીમાં પ્રમાણબદ્ધ પગલે ચાલ્યા આવતા ભાસ્કરનો સીનો આસુરી બન્યો. એના મોંમાંથી ‘હાં-હાં-હાં-હાં’ એવાં ગાનનાં જે તાન નીકળતાં હતાં તેણે એની આકૃતિને વધુ ભયાનકતા પહેરાવી. એણે એટલો તો જલદીથી ધસારો કરી નાખ્યો કે વીરસુતને દૂર થવાની તક જ ન મળી. એના હાથના તમાચા ને પગની પાટુઓ વીરસુત ઉપર જરીકે ઊંચો અવાજ થયા વગર વરસી રહી. “લઈ જા – લે, લઈ જા – હું જોઉં છું તું કેમ લઈ જાછ!” ‘હાં-હાં-હાં-હાં’ એ સંગીતસ્વરો પણ સાથોસાથ ચાલતા હતા : કેમ જાણે માણસ નાહતો હોય! વીરસુત પહેલી પંક્તિનો વિદ્વાન હોઈ શરીરે કમજોર હતો. “તું શા માટે ગભરાય છે હવે?” વીરસુતને મારતો મારતો ભાસ્કર હેબતાઈ ગયેલી કંચનને હિંમત આપતો હતો. કંચન કહેતી હતી : “હવે રહેવા દો, હવે બસ કરો ને! હવે નહીં… ભૈ, નહીં…” “તું અહીં જ રહેજે, કંચન!” એમ કહી ભાસ્કર લડથડતા વીરસુતને હાથ ઝાલી નીચે ઉતારી, મોટરમાં નાખી મોટર સહિત ઘેર મૂકી આવ્યો. ને પાછા આવી એણે કંચનને કહ્યું : “ચાલ.” “ક્યાં?” “પહેલાં દાક્તરની પાસે – ને પછી પોલીસ-કચેરીએ.” “કેમ?” “એ ફરિયાદ કરે તે પૂર્વે જ આપણે પાણી આડે પાળ બાંધીએ.” કંચનને તો વિચાર કરવાનો સમય નહોતો. સમય હોય તો પણ શક્તિ ક્યાંથી કાઢે? બાવીસ વર્ષની છોકરી : ભણવામાં પ્રકાશેલી ને સેવામાં ઝળકી ઊઠેલી, એટલે વિવેકબુદ્ધિને તો આ બધા ઝળકાટમાં વિકસવાનો અવકાશ જ ક્યાં હતો? એ ઊઠી. “તારી બંગડીઓના કટકા નીચે પડેલા છે તે લઈ લે; ને જોઉં તારું કાંડું?” એમ કહી એણે કંચનના હાથ ઝાલી કાંડા પર નજર કરી. “હા, આ રહ્યા ચોખ્ખા આંગળાંના આંકા. ને આ સોનાની બંગડી પણ વળી ગઈ છે ને શું! બસ, પુરાવો ચોક્કસ છે; ચાલો.” “પણ …” કંચન સહેજ આંચકો ખાતી હતી. “તું સમજી નહીં, કંચન!” ભાસ્કરે આંખો ચમકાવી કહ્યું : “ભણેલા પતિઓની જુલમગારી ઉઘાડી પાડવાનો આ અવસર છે. તેઓનાં આ જંગલીપણાં તો ઘેર ઘેર ચાલી રહેલ છે. તેનો ભવાડો કરવામાં પાપ નથી – ધર્મ છે, સેવા છે.” એમ બોલી એણે કંચનનું કાંડું કોમળ હાથે ઝાલ્યું. બેઉ બહાર નીકળ્યાં.