તુલસી-ક્યારો/૩૮. “બામણવાડો છે, ભા!

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૮. “બામણવાડો છે, ભા!

વળતા દિવસે વીરસુત સૌને વળાવવા સ્ટેશને ગયો, પણ કંચન એના દીઠામાં આવી નહીં. ગાડી રવાના થયા પછી બીજા સ્ટેશને બુઢ્ઢા સોમેશ્વર કંચનને બાજુના ડબામાંથી પોતાના ખાનામાં લઈ આવ્યા. અમદાવાદમાં ડોસાએ ભદ્રા પાસે બડાઈ તો મારેલી; પણ દિવસ છતાં જન્મભૂમિમાં દાખલ થવાની એની હામ ચાલી નહીં, તેથી તેણે વચમાં એક જંકશન પર ઊતરી જઈ, કંચનને વિશેષ મન-મોકળ કરાવી અને તે પછીની રાતની ગાડી પકડી. રાતને વખતે વતનમાં આવીને ડોસાએ ઘર ઉઘાડ્યું. પરોઢ નહોતું પડ્યું ત્યાં એ ઊઠ્યો. ઝાડુ કાઢવા માટે પોતે સાવરણી હાથમાં લીધી તે કંચને આવીને ઝૂંટવી લઈને વાળવા માંડ્યું. “તમે વાળવા બેસશો તો પછી દેવુની પાસે કોણ રહેશે, ભા?” ડોસાએ બડબડ કરતે કરતે ફાનસ નજીક લટકાવીને એક પટારો ઉઘાડ્યો, ને પટારામાંથી એક પેટી બહાર કાઢી, અને તેમાંથી પણ એક નાનકડી દાબડી કાઢીને કંઈક કાઢ્યું. “આંહીં આવી જજો, ભા, જરા!” કહી એણે કંચનને પાસે તેડાવી. કંચનને લાજ કાઢવા ટેવ જ મૂળે નહીં હોવાથી એ પટારા પાસે આવીને પીઠ વાળી ઊભી રહી. “આમ સામે ફરો, ભા!” ડોસાએ દુભાયેલા સ્વરે કહ્યું : “હું કાંઈ વાઘ-દીપડો નથી. ગમે તેવો તોય માણસ છું. આ લ્યો, આ તમારું છે તે સંભાળી લ્યો. આંહીં અડવાં રહેવું નહીં પાલવે. માણસો સવારે મળવા આવશે અને પાછાં જઈને કહેશે કે, સૂમના પેટનો સાસરો, પહેર્યા-ઓઢ્યા જેવડી વહુને સાધુડી બનાવીને બેઠો છે.” કંચને પોતાની સામે દાગીનાની ડાબલી મુકાયેલી દીઠી. એને ગમ ન પડી કે ડોસો શું સૂચવે છે. એ તો દિગ્મૂઢ બનીને ઊભી. એટલે ડોસો ફરી વાર કરડો સ્વર ધારણ કરીને બોલ્યા : “આ તમારા દીકરા દેવુનું છે. તમારે એની સાચવણી કરવી જો’શે. ને પટારામાં બીજી જે જે ચીજવસ્તુ હોય તેની પણ નોંધ કરી લ્યો. અજાણ્યાં ને આંધળાં બંને બરાબર કહેવાય. પોતાના દીકરાની માલમતા જો મા નહીં સાચવે તો કોને – પાડોશીને ભળાવવા જવું પડશે!” કંચન નીચે બેસીને દાગીના બહાર કાઢી જોવા લાગી : એ જ આ દાગીના, જે પહેરવાની એણે ત્રણ વર્ષ પર ના પાડીને દેવુનું અને ભદ્રાનું મોં તોડી લીધું હતું. તે પછી અમદાવાદના સુશિક્ષિત સ્નેહીમંડળમાં તો સોના-રૂપાના દાગીનાને અંગ પર ધરવાના જંગલીવેડાથી એને દૂર રહેવું પડેલું; અને ખોટાં એરિંગો, ખોટી બંગડીઓ વગેરે શણગારો એની અણપૂર લોલુપતાના ખાડા કદી પૂરી શક્યા નહોતા. આજે આ ઘરેણાં દેખી એનું બાળક જેવું નારીહૃદય નિશ્વાસ નાખી ઊઠ્યું. આ દાબડીને કેવી રીતે સાચવવાની છે તેવો કશો પ્રશ્ન કરી ન શકવાથી કંચન એને બંધ કરવાના જ ચાળા કરતી હતી. “એ તો મને આવડે છે.” ફરી દુભાયેલા સાદનો ડોળ કરીને સસરા બોલ્યા : “ને મને જો ઈશ્વરે બૈરું બનાવ્યો હોત ને, તો હું કાંઈ તમને આ સાચવવા આપવા ન આવ્યો હોત. મારેય ડોક છે, કાંડાં છે, પગ છે. ને ઓઢવાપે’રવાની ઇચ્છાય શું નહીં હોય અમારે? પણ શું કરીએ? જખ મારીને તમારી જાત આગળ રગરગવા આવવું પડે છે. એ કાંઈ ગમતી વાત નથી.” તો પણ કંચન નિષ્ક્રિય રહી ત્યારે પછી સસરાએ હાકોટો માર્યો : “કહું છું કે, કૃપા કરીને પહેરી લ્યો.” “ખરો! દવે ખરો!” એવો સાદ કાઢતો એક ઘોઘરો પડઘો ઘરની પાછલી પરસાળથી પડ્યો, ને પછી તરત ‘જીભલડી રે, તુંને હરિગુણ ગા...આ...તાં –’ એવું પ્રભાતિયું મંડાયું. એ સ્વર અંધા જ્યેષ્ઠારામનો હતો. દાદાનો ઉગ્ર અવાજ સાંભળીને દેવુ પથારી છોડીને આવી પહોંચ્યો. એને આવેલો જોઈ ડોસાએ કહ્યું : “દેવ, તારી બાને એમ હશે કે તારી મૂઈ માના દાગીના કોઈને આપી દેવાનો મને શાનો હક્ક! ખરું છે : હું તો હવે આ ઘરમાંથી બધા જ હક્કો પરવારી બેઠો. મારી તો જાણે કોઈ ચીજ ઉપર સત્તા જ ન રહી. ખેર, ભાઈ, તો પછી તું પહેરાવ તારી બાને. તું વા’લો થઈ જા. મારા હાથમાં તો જશની રેખા જ ક્યાં છે!” “બા-બા-બા … પહેરો ને, બા; બહુ સરસ લાગશે, હો બા!” દેવુને એની નવી ઊર્મિઓ આવાં તૂટક વેણો જ બોલવા દેતી હતી. “અત્યારે જ પહેરું? પછી કાલે ....” કંચનના એટલા જ શબ્દો સામે સસરા તાડૂકી ઊઠ્યા : “હં–હં – એમ કે? બહારથી હમણાં જ આડોશીપાડોશી મળવા દોડ્યાં આવશે, તેની સામે તમારે મારી આબરૂના તો કાંકરા જ કરવાના છે ને? દીકરાની વહુને કંઈ રઝળતી-ભટકતી આંહીં હાંકી નથી લાવ્યો, બાપ! દીકરાની વહુને કંઈ નધણિયાતા ઢોરની જેમ નથી ક્યાંઈથી હાથ કરી. દીકરાની વહુને તો મોંઘા પાડની તેડી લાવ્યો છું. ને હું તો ભરી આશાએ લઈ આવ્યો છું. મારો દેવુ એકનો એક છે તે દિનરાત જીવ ફફડ્યા કરે છે. હું આખો દિવસ કામધંધા વગર નિરુદ્યમી બનીને બેઠો રહી શકતો નહોતો, એટલે તો તમને હું મોંઘાં કરીને તેડી લાવ્યો છું. સરકારનાં પેન્શન તો મારે દાઝ કાઢીને ખાવાં છે, બાપા! બેઠા બેઠા વિચારવાયુના ભોગ થઈ પડીને ઝટ ઝટ મરી નથી જવું મારે – પેલા ત્રિપુરાશંકરની પેઠે. મૂઓ બાપડો! પારકાં છોકરાંને રમાડીરમાડીને કદી જીવી શક્યો છે કોઈ પેન્શનર, તે ત્રિપુરો જીવે! એની દીકરાવહુનો દેહ કોઈ દા’ડો જવાબ જ ન દઈ શક્યો તો ભોગ એના! એમાં મારો શો દોષ! હું કાંઈ તમને રૂપાળાં જાણીને નથી લાવ્યો. મારે કાંઈ તમારા હાથનાં ફૂલકાં નથી જમવાં. મારે તો પાંચ વરસ પેન્શન ચાવવા થાય તે માટે ખાલી ખોળો ખૂંદનારું જો’તું હતું તેથી જ તમને લાવ્યો છું, ભા! આ લ્યો – આ તમને પેટની વાત ચોખ્ખેચોખ્ખી કહી દીધી. બીજી એકેય બાબતે મારે તમારી ગરજ નહોતી.” સસરાના આ શબ્દો પડતા હતા તે દરમિયાન કંચનનું પ્રત્યેક રોમ ધ્રૂજી રહેલું. પોતાને આંહીં લાવનાર બુઢ્ઢો બ્રાહ્મણ પોતાની શારીરિક સ્થિતિ જાણતો નથી તેથી જ આ ભૂલ કરી રહ્યો છે, અને એ જાણવા પામે તે પહેલાં જ પોતે તો આંહીંથી ક્યાંઈક છટકી જવાનું છે અથવા તો માર્ગ કાઢી લેવાનો છે – એવી ગુપ્ત ગણતરી કરીને જ કંચન સસરા સાથે આવી હતી. માર્ગ નીકળશે કે નહીં એનો એણે વિચાર જ કર્યો નહોતો. એને તો કેવળ છૂટવું હતું – એક સ્થિતિમાંથી છૂટીને બીજી સ્થિતિમાં દાખલ થઈ જવું હતું. એનું પ્રયાણ કેવળ આંધળું જ હતું. એનો મદાર સસરાના પોતાની શારીરિક હાલત સંબંધેના અજ્ઞાન ઉપર હતો. એને તો ખાતરી હતી કે પોતે સગર્ભા છે એવી જો જાણ હોય તો તો સસરો એની છાંય પણ ન લે – અથવા કદાચ ખલાસ પણ કરી નાખે. પણ આ તો સલામતીની જે કલ્પના-ડાળ પર પોતે અવલંબી હતી તે જ ફસકી પડી! અને એનો જીવ ઊડી ગયો. લાંબા કાળથી પોતે ઘર છોડી ભાગેડુ બની છે એ વાતનું બરાબર જ્ઞાન ધરાવતો સસરો એવી ભ્રમણામાં કદી હોય જ શાનો, કે આ ગર્ભ એના પુત્રથી રહેલ છે! તો પછી આ શી કરામત ચાલી રહી છે! મારા પર હજુ શા શા સંસ્કારો આ અજાણ્યા સ્થાનમાં થવાના હશે! કંચનના હાથમાં દાબડી થીજી રહી હતી. કંચનને એનાં વિચાર-વમળો આડે પૂરું ભાન પણ નહોતું રહ્યું કે દેવુ એ દાબડીમાંથી પેલો ચંદનહાર કાઢીને બાને કંઠે પહેરાવતો બેઠો છે. અને ડોસા તો પાછા પટારાની ચીજો ઉથલાવવામાં રોકાયા હતા. અંદરથી મોતીના વીંજણા કાઢતા હતા, ભરેલાં તોરણો અને ગાલીચા બહાર ફેંકતા હતા; કહેતા હતા કે, “લ્યો, ભા! મૂકો ઠેકાણે; પડ્યાં પડ્યાં સડી જશે આ બધાં.” એમ કહેતો કહેતો ડોસો પાછો ફરીને જોતો હતો કે વહુના ઉપર આ તર્કટની શી અસર થઈ છે. વહુના દેહ પરનો ગભરાટ એણે વાંચી લીધો. એ ગભરાટ મિટાવવાની તક જલદી લેવી જોઈએ, એટલે એણે દેવુને “દેવુ! તું માંદો માંદો આંહીં ન બેસ. નહીં ખોવાઈ જાય તારી બા! જા, બિછાને જઈ બેસ” એમ કહી મોકલી આપ્યો અને પછી પટારાની વસ્તુઓ ઠેકાણે પાડતે પાડતે કહ્યું : “મારા શ્વાસ તો અધ્ધર ચડી ગયેલા. સારું થયું કે શંકરે મને સન્મતિ આપી, કે તમને ધુત્કારી કાઢતા પહેલાં મેં વીરસુતને પૂછી જોયું. એ બેવકૂફ તો છે જ, પણ આટલો બધો હેવાન! પોતાની વહુ પાસે પોતે આવે-જાય અને અમને જ ભ્રમણામાં રાખે! હેવાન મને કહેતાંય ન લાજ્યો કે, “બાપુ, વાત કરતાં મને ભોંઠામણ થતું’તું!” એના ભોંઠામણમાં ને ભોંઠામણમાં મારા તો બાર જ વાગી જાત ને! મારી પુત્રવધૂને કુલટા કહી ધુત્કારી કાઢ્યા પછી હું તો સદાને માટે હાથ ઘસતો જ થઈ રહેત ને! મારાથી એને ભોંઠામણ આવ્યું – જુઓ તો ખરાં! કલહ કરીને વહુને કાઢી મૂકી ત્યારે ભોંઠામણ નહોતું આવ્યું, કોર્ટે ચડેલો તેનું ભોંઠામણ નહોતું આવ્યું; અને ભોંઠામણ આવ્યું આવી કલ્યાણકારી બાબતનું! કેમ જાણે અમે તમારાં ને તમારાં પેટનાં દુશ્મન હોઈએ! કેમ જાણે મને પાંચ-દસની વેજા વળગી હોય! અમે જેના સારુ તલખી મરતા હોઈએ તેના જ માટે અમારાથી દિલચોરી! એ તો ઠીક, પણ તમને હું આંહીં ન લઈ આવત તો એ હેવાનને હાથે હજુયે કોણ જાણે કેવી બરદાસ્ત થાત અને આગલી બે વાર બની ગયું તેવું જ કાચું કપાત. ભલેને કૂટે હવે માથું! હું તો ધરાર લઈ આવ્યો! કંચન આ બધું સાંભળતી સાંભળતી, એક બાજુ પીઠ વાળીને બેઠી બેઠી હાથમાં ને પગમાં, કાનમાં ને ડોકમાં દાગીના ચડાવતી હતી. ભદ્રાની ચાતુરી એનામાં નહોતી, એટલે એણે તો સસરાના કહેવા પરથી સાચું માની લીધું કે આ ગર્ભાધાન માટેની જવાબદારી વીરસુતે પોતાને શિરે ઓઢી લીધી છે. એનો ઘણો ફફડાટ શમી ગયો. એણે હોંશે હોંશે શણગારો સજી લીધા. ખાલી દાબડી જોઈને સસરાએ સમજી લીધું અને દુત્તી નજરે પુત્રવધૂની સાડીની આરપાર કંઠ સુધીની મુખમુદ્રા નિહાળી લઈ સંતોષ અનુભવ્યો કે દાગીના પહેરાઈ ગયા છે. “ઠીક ભા! ઉપકાર કર્યો મોટો! જાવ હવે –” એણે તોરથી કહ્યું : “એ...ઈને લહેરથી કામકાજ કરો, ને મળવા આવે તે બધાને તડાકાબંધ જવાબ દેજો. કોના બાપની મગદૂર છે કે આપણામાં રામ હોય ત્યાં લગી કોઈ એલફેલ વાતો પૂછી શકે! પૂછનારનાં મોઢાં રંગાઈ જાય એવા પાણકા જ ન છોડીએ મોંની ગોફણમાંથી! આ તો બામણવાડો છે, ભા! તાડૂકતાંય શીખવું જો’શે. ફૂંફાડો મેલી દેનારો તો ફણીધર પણ સૌને ઠેબે ચડ્યો’તો, ભા! બામણવાડો છે આ તો, બાપા! આપણે જ જો કાચા કાળજાનાં થઈએ, તો તો બામણો ઠોલી જ ખાય. આ તો બામણવાડો છે, ભા!”