દરિયાપારથી.../બધી દિશામાં દોસ્તી

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
બધી દિશામાં દોસ્તી

કહે છે ને, કે સજ્જન સાથે સાત ડગલાં ચાલતાં પણ સાર્થ થઈ જવાય છે. પથ પર જતાં હોઈએ ત્યારે આવું બનવાની શક્યતાઓ બની જતી હોય છે. હંમેશાં નહીં, દરેકે દરેક સ્થાને પણ નહીં; છતાં, ક્યારેક અચાનક સરસ અને સહજ મૈત્રી થઈ જઈ શકે છે. સાવ અજાણ્યાં હોવા છતાં જરા પણ અજાણ્યું લાગતું નથી. મને ઘણી વાર આવી મુલાકાતો, ઓળખાણો, સચવાઈ રહેલી મૈત્રી પામવાનું સૌભાગ્ય મળ્યું છે. અહીં એવાં જ કેટલાંક મિત્રોને યાદ કરવાં છે. સૌથી પહેલાં અમેરિકામાં થયેલી સૌથી પહેલી મિત્રને સ્મરું. ભારત છોડીને પહેલવહેલી વાર અમેરિકા ગઈ ત્યારે મનમાં દુઃખનો પાર નહતો. જતાં પહેલાંથી જ દેશની હવા અને દેશની ધરતી માટેનો ઝુરાપો શરૂ થઈ ગયેલો. પરદેશની હવા ગુંગળાવે, ત્યાંનું પાણી ગળે ના ઊતરે. એવે વખતે એક દિવસ હું યુનિવર્સિટીના બેઠક-ખંડમાં બેધ્યાન રીતે બેઠેલી, અને કોઈએ હલો કહીને મને બોલાવી. મેં જરા ચમકીને જોયું તો એક શ્વેતવર્ણ છોકરી મને નિખાલસ સ્મિત આપી રહી હતી. સાથે બેસીને ઓહો, તરત જ કેટલીયે વાતો કરી એણે. એ પણ મારી જેમ બહારથી ભણવા આવી હતી, અને ઘરનાંને યાદ કરીને કાગળ લખી રહી હતી. એનું નામ પામૅલા હતું. એ દેખાવે અને બોલવે-ચાલવે લાગે અમેરિકન, પણ એ હતી બહામા નામના ટાપુ-દેશની. નીચી ને નાજુક, ને હાસ્ય એના મુખ પરથી ક્યારેય જતું જ નહીં. મિત્રતા અને સહજ આનંદ સિવાયના ભાવ એના મનમાં કદિ ઊઠતા જ નહીં. જેને હું મારું ‘અમેરિકન બાળપણ’ કહેતી આવી છું, એમાંની આ મારી સૌ પ્રથમ, અને સદાની, મિત્ર અને સ્વજન. બહામા ટાપુ પર એને ઘેર જવા એણે મને ઘણી વાર આગ્રહ કર્યો. હું ગઈ પણ ખરી. પ્રવાસી તરીકેના મારા ઇતિહાસમાં આ મુસાફરી પહેલે સ્થાને આવે. પામેલા વિમાનમથકે મને લેવા આવી હતી. ત્યાંના ભૂરા આખાશ અને પીળચટ્ટા તડકા જેવો જ ઉજ્જ્વળ એનો આવકાર હતો. ઘેર પહોંચતાં જ એનાં માતા-પિતા અને ભાઈઓએ જરાયે ઔપચારિક થયા વગર મને ઉષ્માથી આવકારી. જાણે મને પહેલેથી ઓળખતાં હતાં, અને મારું ત્યાં જવું નિશ્ચિત જ ના હોય. તરત એ મારું કુટુંબ બની ગયું, તે આજ સુધી. જ્યારે પામેલા ન્યૂયોર્ક ફરવા આવી ત્યારે એના આતિથ્યની મને તક મળી. જે વર્તુળ ઘણાં વર્ષો પહેલાં એણે એક નિખાલસ સ્મિતથી શરૂ કરેલું, તે કડીબદ્ધ થયું. મૈત્રી નામની ભેટનો મહિમા જીવનમાં સૌથી મોટો છે. બધે આવી જીવનભર માટેની મૈત્રી થાય જ, એવું નથી. ક્યારેક તે સમય પૂરતી દોસ્તી થાય, પણ એનાથી પણ એ સમયને કશુંક યાદગાર જરૂર મળ્યું હોય. જેમકે, ફિલિપ્પિન્સ જવાની તો જાણે શરૂઆત જ સરસ થઈ. વિમાનમાં બાજુમાં એક ફિલિપિના યુવતી બેઠી હતી. હસમુખી અને દેખાવડી હતી. ઘણી વાર કોણ વાત કરશે, અને કોણ નહીં કરે તે કહી શકાતું નથી હોતું. આ છોકરીએ મારા સ્મિતનો જવાબ હસીને આપ્યો, ને સહજ રીતે જ અમારી વચ્ચે વાતો શરૂ થઈ ગઈ. એનું નામ જેન હતું. નોકરીના કામ અંગે એને એશિયાના ઘણા દેશોમાં જવું પડતું. એમાં ભારત પણ ખરું. થોડી વાતો એના કુટુંબની થઈ. એનો ભાઈ એને લેવા ઍરપોર્ટ પર આવવાનો હતો. એની મા માટે એણે ઘણી બધી લીલી દ્રાક્શ લીધેલી. કહે, થાઈલૅન્ડમાં બહુ સસ્તી મળતી હતી. મેં એની આવી સરસ નોકરી માટે એને અભિનંદન આપ્યાં – દેશ દેશમાં ફરવાનું, કેટલા બધા લોકોને મળવાનું, યોજનાઓ તૈયાર કરવાની, નિર્ણયો લેવાના. ત્રીજા વિશ્વની સ્ત્રીઓને અગત્યનાં સ્થાન પર જોઈને જાણે સુખદ આશ્ચર્ય થતું હોય છે. પણ પછી એને ધીરેથી કહ્યું, કે એને સાંજે ને કોઈ શનિ-રવિમાં કામ કરવું પડે, વર્ષમાં થોડાં અઠવાડિયાં કામ માટે પરદેશ જવું પડે, તે બધું એના મંગેતરને નથી ગમતું. લગ્ન થયા પછી એ કદાચ આ નોકરી છોડી દેશે. હવે જેનને માટે જરા જીવ બળ્યો. મને ખ્યાલ હતો, કે ફિલિપિનાઓને માટે યોગ્ય જીવનસાથીની એક સમસ્યા હોય છે. વળી, ફિલિપ્પિન્સમાં બધાંને અમેરિકા વસવાટ માટે જતાં રહેવાની ખૂબ ઈચ્છા હોય છે. અમેરિકાની અસર ત્યાં લાંબાં વર્ષૌથી રહેલી છે, તેથી હશે; કદાચ ત્યાં વધારે સુખી થવાશે, એ આશાને કારણે હશે. એવાં સામયિકો થયાં છે, જેમાં સારી એવી ફી ભર્યા પછી અમેરિકન પુરુષોની સાથે ઓળખાણ કરી શકાય છે. દર વર્ષે અસંખ્ય કુમારિકાઓ, મોટા ભાગે ફોટા પરથી નક્કી કરીને, આધેડ અમેરિકનોને પરણવા અમેરિકા આવે છે. ઘણી સુખી જિંદગી પામવામાં સફળ થાય છે, ઘણી ખૂબ હેરાન પણ થતી હોય છે. બીજે-ત્રીજે દિવસે મનિલાના બસ-ટર્મિનલ પર એક ફિલિપિના સાથે તરત અંગત વાતો થવા માંડી. એનો પણ એક પુરુષ-મિત્ર અમેરિકામાં હતો. બે વર્ષથી પત્ર-વહેવાર ચાલતો હતો, પણ બંને ક્યારેય મળ્યાં નહતાં. એ અમેરિકા જવાની રાહ જોઈને જ બેઠી હતી. એ બોલાવશે જ, એને ખાતરી હતી. અમેરિકામાં રહેતો ફિલિપિનો, ને નહીં જોયેલી ફિલિપિના. આખી વાત નસીબના હાથમાં જતી રહે છે. બાગિઓ નામના ગામના પ્રવાસ-ખાતાના કાર્યાલયમાં કામ કરતી આઇડા નામની યુવતીને મારી સાથે લાંબી વાતો કરવી હતી. મારી સાથે એ ગામમાં એ ઘણું ફરી. સંગ્રહાલયમાં, ઉદ્યાનમાં, પહાડોના ઢોળાવો પર, મુખ્ય રસ્તા પર. સાથે જમ્યાં. એટલી સરસ હતી, અને અમેરિકા જવા તલપાપડ. એ માનતી હતી કે અમેરિકા એના જીવનને સભર બનાવશે. છતાં, કોઈની ઓળખાણ લઈને અમેરિકા રહેતો એક ફિલિપિનો એને મળવા આવ્યો ત્યારે આઇડાને એ જરા પણ ગમ્યો નહતો. કહે, એ દારૂડિયો હતો, અને મને બીલકુલ અનુરૂપ નહતો. કેટલી બધી અંગત, ને મનના અજંપાની વાતો એણે મને કરી. ક્યારેક કદાચ અજાણી વ્યક્તિ પાસે મનનો ભાર ઠાલવવો સહેલો બનતો હશે. આઇડા મને ઘણા વખત સુધી યાદ આવતી રહેલી. પણ ઘણાં જણને ફરી મળવાનું થતું નથી હોતું, ગમે તેટલું ઈચ્છીએ, ને સંપર્ક રાખવાનો પ્રયત્ન કરીએ તોયે. ફિલિપ્પિન્સના એક ગામની હોટેલમાં મને મૉલી નામની અમેરિકન યુવતી મળેલી. અમને બહુ ફાવી ગયેલું, અને સરસ મૈત્રી થયેલી. એ પણ બહુ સરસ, મિલનસાર અને હોંશિયાર હતી. કલાકો સુધી અમે વાતો કરતાં રહેલાં. એ પણ એના કામ માટે થઈને ઘણી વાર ભારત ગયેલી, ને ભારત એને ગમતું હતું પણ ઘણું. સરનામાની આપ-લે કરેલી, પણ કાળક્રમે એ સંપર્ક વિખેરાઈ ગયો. સમય કોને ક્યાં લઈ જતો હશે, તેનું અનુમાન જ કરતાં રહેવું પડે. બૅન્ગકૉકમાં એક થાઈ યુવતીની સાથે થોડો સમય ગાળેલો. એ અમેરિકામાં ભણેલી, ને પાછી થાઈલૅન્ડમાં આવી ગઈ હતી. બૅન્ગકૉકની એક કૉલેજમાં ભણાવતી હતી. એ વાન્ડિ સુંદર, શાંત, બુદ્ધિશાળી અને વાતો કરવી ગમે તેવી હતી. અમે સાથે સંગ્રહાલયોમાં, બૌદ્ધ મંદીરોમાં, કેટલીક દુકાનોમાં ફરેલાં. સાથે અમે થાઈ ભોજન લીધેલું, ને બીજી વાર ભારતીય રૅસ્ટૉરાઁમાં જમવા પણ ગયેલાં. એનો ફોટો લેવા મેં બહુ આગ્રહ કર્યો, ફન એણે ના જ લેવા દીધો. પોતાને ઘેર મને લઈ જવાની વાત તો ના જ કરી, પણ એના કુટુંબ વિષે પણ કશી વાત ના કરી. મારે કશું જાણવું હતું, એમ નહીં, પણ વિચારતાં રહેવાય કે દરેક વ્યક્તિ કેવી જુદી હોય છે. અમુક પારકાંની સાથે એકદમ અંગત વાતો કરે, તો અમુક એવા કુંડાળામાં પગ પણ ના મૂકે. વાન્ડિએ એનું સરનામું તો આપ્યું હતું, પણ મેં લખેલા બેએક કાગળોના જવાબ નહતા આપ્યા. સમયના વહેણના અનુભવે હું માનતી થઈ છું કે ભલે લાંબું ટકીને ના રહે, પણ બધી દિશામાં દોસ્તી થઈ તો શકે જ છે.