દરિયાપારના બહારવટિયા/મૂળ લેખકનું નિવેદન
દારુણ આવેશોમાંથી ઉદ્ભવેલાં જેઓનાં હિંસાકૃત્યો હું અત્રે વર્ણવવાનો છે. તે લોકોને મેં ‘બહારવટિયા’ નામ આપેલું છે. એમાં ‘ખૂની લૂંટારા’ તેમ જ ‘નેકીદાર બહારવટિયા’ એ બન્ને જાતનો સમાવેશ થાય છે. રોમાનેતી અને મેરિયો પિયાનેતી સાચોસાચ નેકપાક બહારવટિયા હતા, ખૂનીઓ નહોતા. બહારવટિયો એ કહેવાય કે જેણે પોતાના આત્મગૌરવ અને ઇજ્જત પર પડેલા કલંકને દુશ્મનના શોણિત વડે ધોઈ નાખ્યું હોય; બહારવટિયો એ બને છે કે જેને કાયદાની બારીકી ને આંટીઘૂંટી પરથી ઇતબાર ઊઠી ગયો હોય, ને જેને લાંબા અનુભવને પરિણામે એવું સમજાયું હોય કે ‘કાયદો તો રંક અને રાય સહુને માટે સરખો’ એવો ન્યાયાસનની પર કોતરાયેલો મુદ્રાલેખ કંઈ નહિ તો એના પોતાના દેશ પૂરતો તો સત્ય નથી. આ એની માન્યતા સાચી છે કે ખોટી તે હું નહિ કહું. આ તો એનું એક દૃષ્ટિબિન્દુ છે. પરિણામે દલીલબાજી અને અદાલતી શબ્દપીંજણની ધીરજ ગુમાવીને એ તો આખા મામલાની પતાવટ કાં બંદૂકથી અથવા ખંજરથી કરીને અભેદ્ય પહાડઝાડીમાં ચાલ્યો જાય છે. એ નથી ચોરતો, નથી લૂંટતો, કે નથી બાન પકડતો. એનું નામ બહારવટિયો: રૉબિન હૂડ અને વિલિયમ ટેલ જેવો નેકપાક બહારવટિયો. આમાંના કેટલાકને – રીમાનેતી અને પિયાનેતીને – હું સારી પેઠે પિછાનતો અને તેઓના દુર્ગમ ગુપ્તાવાસમાં પહોંચીને મળ્યો હતો. શા માટે મળ્યો હતો? એટલા માટે કે સુધરેલી દુનિયાની સલામત ગોદમાં ઊછરેલા અને ખડિયામાં ખાંપણ રાખીને મર્દાઈથી જીવવાની તર્કવિહોણા રહી ગયેલા સમાજના બંદીવાનોને આવી નિર્ભય જવાંમર્દોનો સમાગમ અહોરાત કો અજબ આકર્ષણ – અજબ વશીકરણ કરી રહ્યો હોય છે. મારા વ્યવસાયે તો મને કાયદાના રક્ષણહારોની વચ્ચે મૂકેલ છે; પરંતુ તેથી કંઈ આ એકલહથ્થા મર્દો પરની મારી ફિદાગીરી તેમ જ તેઓ વિશેની મારી દિલસોજ સમજ બૂઠી નથી બની ગઈ. હું દેશદેશની ભાષાઓ જાણું છું, જિંદગીભર હું રઝળ્યો છું. ગુના પકડવાના વ્યવસાયને કારણે હું શહેર શહેર અને દેશોદેશ ભટક્યો છું. આ સુંદર અને રસભરી દુનિયામાં રઝળવાની મોહિનીને હું કદી રૂંધી શક્યો નથી. એટલે જ આ મારાં વૃત્તાંતો હું નિજાનુભવમાંથી આપું છું.