દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૦. વર્તમાનપત્રો વિષે

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૦૦. વર્તમાનપત્રો વિષે

દોહરા


વર્તમાન પત્રો થકી; સ્વદેશહિત થનાર;
પણ જો તેના હોય શુભ, લાયક જન લખનાર.
ન લખે નિંદા કોઈની, ન લખે જૂઠ વખાણ;
પક્ષપાતથી નવ કરે, કશિયે ખેંચાતાણ.
કડવા કથન લખે નહિ, દિલ નવ રાખે દ્વેષ;
સગા ગણી સૌ લોકને, દે મધુરો ઉપદેશ.
પ્રાંત પ્રાંતમાં પરવરી, વિચરી વાટે ઘાટ;
સારી નરસી ઉચરતા, ચરણા ચારણ ભાટ.
એ પણ કામ અગત્યનું, ગણાય ગામો ગામ;
વર્તમાનપત્રો તણું, એ છે ઉત્તમ કામ.
ભલિ વિધિ ચારણ ભાટને, દેતા છૂટ નરેશ;
આડું અવળું ઉચરતાં, રીસ ન ધરતા રેશ.
રાજા તથા પ્રજા વિષે, સંપ થવા સર્વત્ર;
કર સદા ઉશ્કેરણી, વર્તમાનનું પત્ર.
જેમ ભર્યા ઘરમાં નહિ, દિવા વિના દેખાય;
વર્તમાનપત્રો વિના, જગ ચરચા ન જણાય.
સો પુસ્તક ઇતિહાસનાં, સમાચારનું એક;
તે સમજો સમતુલ્યા, વાંચો ધરી વિવેક.
ચકચકતી ચઢતી કળા, દેશ તણી દેખાય;
વળી વિદ્યા ને હુનરમાં, સ્થાનક ઘણાં સ્થપાય.
મળે વળી મુજ દેશીને, અતિ ઉત્તમ અધિકાર;
વાતો એવી વાંચીએ, કરે જગત કર્તાર.
વહેમ ઘટે વિદ્યા વધે, બધે સુધારો થાય;
દેશાટન કરવા વળી, જન હિંમતથી જાય.
સમાચાર એવા સરસ, વાર વાર વંચાય;
એવો અવસર આણજે, રૂડા જગતના રાય.
પ્રતિ દિન પ્રગટે પત્રમાં, વધામણીની વાત;
ઓ ઈશ્વર તું એટલું, ગણાય ગામો ગામ;
આશિષ એવી ઉરથકી દે છે દલપતરામ.