દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૨. ભૂતળના લોકે
૧૨. ભૂતળના લોકે
મનહર છંદ
ભૂતળના લોકે એક સમે ઇંદ્રભુવનમાં,
જૈને જુદી જુદી ભેટ ભાવથી ધરાવી છે;
ગ્રીકે તો ઈસાપનીતિ આરબે નાઇટ, ઇંગ–
લીશે શેખ્સપીયરની પોથી પરઠાવી છે;
હિંદુઓએ હોંશ ધરી પંચતંત્રતણી પોથી,
આપી તે તો ઇન્દુને અધિક ભલી ભાવી છે
દાખે દલપતરામ બીજાઓની બંધ કરી,
હિંદુઓને હમેશાંની પાઘડી બંધાવી છે.